ETV Bharat / state

વડોદરામાં પ્રેમ સંબંધનો કરુણ અંત: શંકામાં પ્રેમીએ યુવતીનું ગળું દબાવી કરી હત્યા

સોમવારે અંકોડિયા વિસ્તારની ઝાડીઓમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

વડોદરામાં પ્રેમ સંબંધનો કરુણ અંત: શંકામાં પ્રેમીએ યુવતીનું ગળું દબાવી કરી હત્યા
વડોદરામાં પ્રેમ સંબંધનો કરુણ અંત: શંકામાં પ્રેમીએ યુવતીનું ગળું દબાવી કરી હત્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 6, 2026 at 9:00 PM IST

2 Min Read
Choose ETV Bharat

વડોદરા: વડોદરા જિલ્લામાં પ્રેમ સંબંધ, શંકા અને હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વડોદરા ના અંકોડિયા વિસ્તારમાં યુવતીની હત્યા કરીને લાશ ફેંકી દેવાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મૃતક યુવતીનો જ પ્રેમી તેનો હત્યારો નીકળ્યો હતો. માત્ર શંકાના આધારે યુવતીનું ગળું દબાવી નિર્દયતાથી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, સોમવારે અંકોડિયા વિસ્તારની ઝાડીઓમાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. મૃતદેહની ઓળખ મુજમહુડા ગામની રહેવાસી દિવ્યા પરમાર તરીકે થઈ હતી. દિવ્યા મહેંદીનું કામ કરતી હતી અને બનાવના દિવસે કામ પર જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

વડોદરામાં પ્રેમ સંબંધનો કરુણ અંત: શંકામાં પ્રેમીએ યુવતીનું ગળું દબાવી કરી હત્યા (ETV Bharat Gujarat)

આ દરમિયાન અંકોડિયા વિસ્તારમાં યુવતીનો મૃતદેહ મળતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો હતો. શરૂઆતથી જ મામલો શંકાસ્પદ જણાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

તપાસ દરમિયાન ખુલ્યું કે દિવ્યા છેલ્લા પાંચથી છ મહિનાથી રોહન વણકર નામના યુવક સાથે પ્રેમ સંબંધમાં હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી રોહનને યુવતી પર શંકા હતી. આ શંકાને કારણે બંને વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી તણાવ ચાલી રહ્યો હતો.

પોલીસ તપાસ મુજબ, આરોપી રોહને દિવ્યાને અંકોડિયા વિસ્તારમાં મળવા બોલાવી હતી. ત્યાં બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવેલા રોહને કોમ્પ્યુટર વાયર વડે દિવ્યાનું ગળું દબાવી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપીએ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરતા મૃતદેહને ચાદરમાં વીંટાળી ઝાડીઓમાં ફેંકી દીધો હતો અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

પરંતુ પોલીસે ઝડપથી તપાસ આગળ ધપાવતા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસે આરોપી રોહન વણકરને નેત્રંગ વિસ્તારમાંથી ઝડપી પાડી ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા હાલ આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ સમગ્ર મામલે સુશીલ અગ્રવાલ એ માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરવામાં આવી હતી અને ટેકનિકલ પુરાવાના આધારે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. હાલ આરોપી સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ ઘટનાએ વડોદરા જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે. પ્રેમ સંબંધમાં શંકાએ એક યુવતીનો જીવ લઈ લીધો હોવાની ઘટના સમાજ માટે ચિંતાજનક બની છે.