ETV Bharat / state

બે યુવતીઓને દરિયાનું પ્રચંડ મોજું તાણી ગયું, એકનું મોત, ગીર સોમનાથના જાલેશ્વર દરિયાકાંઠે બની ગોઝારી ઘટના

વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયાકાંઠે રવિવારે બે યુવતીઓ પ્રચંડ મોજામાં તણાઈ હતી, જેમાંથી એક યુવતીનું મૃત્યું નીપજ્યું હતું.

દરિયાના પ્રચંડ મોજામા બે યુવતી તણાઈ, એકનું મોત
દરિયાના પ્રચંડ મોજામા બે યુવતી તણાઈ, એકનું મોત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 6, 2026 at 7:40 AM IST

1 Min Read
Choose ETV Bharat

ગીર સોમનાથ: વેરાવળ નજીક આવેલા જાલેશ્વર દરિયાકાંઠે રવિવારે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. રામદેવજી મહારાજના મંદિરે દર્શન કર્યા બાદ દરિયાકિનારે ગયેલી બે પિતરાઈ બહેનો અચાનક આવેલા પ્રચંડ મોજાંની ઝપેટમાં આવી તણાઈ ગઈ હતી.

સ્થાનિક માછીમારોની સમયસરની બહાદુરી ભરી કામગીરીથી બંને યુવતીઓને દરિયા માંથી બહાર કાઢવામાં આવી હતી, પરંતુ ગંભીર હાલતમાં રહેલી 17 વર્ષીય નિકિતા રામભાઈ પંડિતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે 24 વર્ષીય આરતીબેન ઉદયભાઈ વાયેલું હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વેરાવળ નજીકના જાલેશ્વર દરિયા કિનારે બની ગોઝારી ઘટના (Etv Bharat Gujarat)

મળતી માહિતી મુજબ, વેરાવળના હરસુખ ગોહેલ પોતાની બે પિતરાઈ બહેનો સાથે જાલેશ્વર ખાતે આવેલા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન પૂર્ણ કર્યા બાદ ત્રણેય દરિયાકિનારે પહોંચ્યા હતા. તે દરમિયાન અચાનક ઉછળેલા ભારે મોજાંમાં એક યુવતી તણાવા લાગી હતી. તેને બચાવવા જતાં બીજી યુવતી પણ દરિયાના તીવ્ર પ્રવાહમાં સપડાઈ ગઈ હતી.

જાલેશ્વર ખાતે આવેલા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કર્યા બાદ યુવતીઓ દરિયા કિનારે આવી હતી
જાલેશ્વર ખાતે આવેલા રામદેવજી મહારાજના મંદિરે દર્શન કર્યા બાદ યુવતીઓ દરિયા કિનારે આવી હતી (Etv Bharat Gujarat)

યુવતીઓ ડૂબતી હોવાની બૂમાબૂમ સાંભળતાં જ નજીકમાં હાજર જાલેશ્વરના માછીમારો તરત જ દરિયામાં કૂદી પડ્યા, અને ભારે જહેમત બાદ બંને યુવતીઓને સુરક્ષિત બહાર કાઢી હોસ્પિટલ ખસેડી હતી.

રામદેવજીના મંદિરે દર્શન કર્યા બાદ દરિયાકિનારે ગયેલી બે પિતરાઈ બહેનોને દરિયાનું પ્રચંડ મોજું તાણી ગયું
રામદેવજીના મંદિરે દર્શન કર્યા બાદ દરિયાકિનારે ગયેલી બે પિતરાઈ બહેનોને દરિયાનું પ્રચંડ મોજું તાણી ગયું (Etv Bharat Gujarat)

જોકે, નિકિતાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાથી સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમજ કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં વેરાવળ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

એક યુવતી સારવાર હેઠળ, એકનું મોત
એક યુવતી સારવાર હેઠળ, એકનું મોત (Etv Bharat Gujarat)

ચોમાસાની ઋતુ દરમિયાન દરિયામાં ભારે મોજાં અને તીવ્ર પ્રવાહ રહેતા દરિયાકિનારે જતાં લોકો માટે જોખમ વધી જાય છે. તંત્ર દ્વારા લોકોને દરિયાથી સુરક્ષિત અંતર જાળવવા અને જોખમી સ્થળોએ ન જવાની અપીલ કરવામાં આવી છે. સ્થાનિકોએ પણ જાલેશ્વર જેવા પ્રવાસન સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની માંગ ઉઠાવી છે.

આ પણ વાંચો

  1. ગીર સોમનાથ: ઉનામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદ, રાવલ ડેમના 4 દરવાજા ખોલાયા, 18 ગામો એલર્ટ પર
  2. ગીર સોમનાથમાં વહીવટીતંત્રની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી, ગાંગડામાં 250 લોકોનું સફળ રેસક્યૂ