ETV Bharat / state

ભરૂચમાં મોટી દુર્ઘટના: નિર્માણાધીન મોલની દિવાલ નજીકના મકાન પર પડતાં પિતા-પુત્રના મોત, બે મહિલાનો બચાવ

ભરૂચના આલી માતરીયા તળાવ વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ્ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની દિવાલ નજીકના મકાન પર ધરાશાયી થઇ હતી.

ભરૂચમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી
ભરૂચમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 1, 2026 at 1:18 PM IST

|

Updated : July 1, 2026 at 2:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

ભરૂચ: શહેરના આલી માતરીયા તળાવ વિસ્તારમાં નિર્માણાધીન વર્લ્ડ્ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની દિવાલ નજીકના મકાન પર ધરાશાયી થઇ હતી. આ ઘટનામાં કાટમાળ નીચે દબાવાને કારણે એક જ પરિવારના પિતા અને 21 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે પરિવારની બે મહિલાઓને ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. આ ઘટનાને લઇને તંત્ર દ્વારા કડક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

મોલની દિવાલ ધરાશાયી થતા બે લોકોના મોત

ભરૂચમાં આલી માતરીયા તળાવ વિસ્તારમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નામે શોપિંગ મોલનું કામ ચાલી રહ્યું છે. આ સાઇટ પર આવેલી વિશાળ દિવાલ અચાનક ધરાશાયી થઇ હતી અને નજીકના મકાનમાં તૂટી પડી હતી. આ ઘટનામાં પિતા અશ્વિન વસાવા તેમજ તેમના 21 વર્ષીય પુત્ર આશિષ વસાવાનું મોત થયું હતું જ્યારે પરિવારની બે મહિલાઓને ફાયર વિભાગની ટીમે જીવતી બહાર કાઝી સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.

ભરૂચમાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી (ETV Bharat Gujarat)

બનાવની જાણ થતા જ ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ અને અન્ય બચાવ દળ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાટમાળ ભારે પ્રમાણમાં હોવાથી રેસક્યૂ કામગીરીમાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. કલાકોની મહેનત બાદ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ બન્ને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે પિતા-પુત્રના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

સ્થાનિકોમાં રોષ

દિવાલ ધરાશાયી થવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો આક્ષેપ છે કે નિર્માણાધીન સાઇટ પર સલામતીના પૂરતા ધોરણોનું પાલન કરવામાં આવ્યું નહોતું, જેના કારણે નિર્દોષ પરિવારને જીવ ગુમાવવાનો વારો આવ્યો. મૃતક પરિવારના સ્વજનોના આક્રંદથી સમગ્ર વિસ્તાર ગમગીન બની ગયો હતો.

મૃતકના સગા ધર્મેશ વસાવાએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અને પરિવારને ન્યાય આપવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે આવી બેદરકારીના કારણે બે જીવ ગયા છે, તેથી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

ભરૂચ નગરપાલિકાના ફાયર અધિકારી ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ભારે કાટમાળ વચ્ચે કામગીરી કરીને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઈને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે અને સમગ્ર મામલે વહીવટી તંત્ર તેમજ સંબંધિત વિભાગોને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જો તપાસમાં કોઈની બેદરકારી સામે આવશે તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:

Last Updated : July 1, 2026 at 2:12 PM IST