લુપ્ત થતી ભવાઈ કળાને જીવંત રાખવા મહેસાણા નાયક સમાજનો પ્રયાસ, 51 કલાકારો દ્વારા પ્રાચીન ગરબીનું કરાયુ આયોજન
ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિમાં ભવાઈનું સ્થાન અગ્રેસર છે, પરંતુ આધુનિક સમયમાં લુપ્ત થતી આ કળાને બચાવવા નાયક સમાજે 51 કલાકારો સાથે પ્રયાસ કર્યો છે.

Published : October 11, 2026 at 7:35 PM IST
મહેસાણા: ગુજરાતની લોકસંસ્કૃતિ અને કલાનો વારસો ખૂબ જ સમૃદ્ધ છે, જેમાં ભવાઈનું સ્થાન અગ્રેસર છે. નવરાત્રી એ માતાજીનો ઉત્સવ છે અને મૂળ રૂપે માતાજીને ચાચર ચોકમાં રમવા માટેનું આમંત્રણ છે. પરંતુ આજના આધુનિક સમયમાં આ પ્રાચીન પરંપરાઓ ધીમે ધીમે ભુલાઈ રહી છે. આ લુપ્ત થતી કળાને બચાવવા માટે નાયક સમાજ દ્વારા એક સરાહનીય અને અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અમદાવાદના વતની પંકજ નાયકના જણાવ્યા અનુસાર, નાયક સમાજ દ્વારા 51 જેટલા ભવાઈ કલાકારોને એકત્રિત કરીને ભવાઈ અને પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. ભવાઈ એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે માતાજીની ઉપાસના અને આરાધનાનું એક પવિત્ર માધ્યમ છે. આજના સમયમાં ભવાઈ કરતા કલાકારોની ઉંમર વધી ગઈ છે અને ભવાઈની કળા પણ થોડી ઘસાતી ગઈ છે.
ભવાઈનો રોચક ઇતિહાસ: સિદ્ધપુરથી શરૂઆત અને અસાઈત ઠાકરની કથા
ભવાઈની શરૂઆત અને તેના ઇતિહાસ વિશે વાત કરતા નરેશ નાયક જણાવે છે કે, ભવાઈનો ઇતિહાસ ખૂબ જ રોચક અને વર્ષો જૂનો છે. સિદ્ધપુરથી આ ભવાઈના ઇતિહાસની શરૂઆત થઈ હતી. અસાઈત ઠાકર જેઓ સિદ્ધપુરના વતની હતા, તેઓ અસાઈત વંશજ તરીકે ઓળખાતા હતા.
એક દંતકથા અનુસાર, તે સમયે એક મુસ્લિમ બાદશાહ ઊંઝાના પાટીદારની દીકરીને ઉઠાવી ગયો હતો. અસાઈત ઠાકરના ઊંઝામાં હેમરાજ પટેલ નામના યજમાન હતા. અસાઈત ઠાકરે પોતાની કળાનો ઉપયોગ કરી રાજા સમક્ષ વાયોલિન અને સંગીત વગાડીને રાજાને ખુશ કરી દીધો હતો. રાજાએ ખુશ થઈને તેમને કંઈક માંગવા કહ્યું ત્યારે અસાઈત ઠાકરે તે પાટીદારની દીકરીને પોતાની દીકરી ગણાવીને પરત માંગી હતી.
રાજાએ દીકરી પરત કરી પરંતુ તેને શંકા ગઈ કે આ દીકરી તેમની નથી. રાજાએ કસોટી કરવા માટે અસાઈત ઠાકરને તે દીકરી સાથે જમવાનું કહ્યું. અસાઈત ઠાકરે દીકરીને બચાવવા તેની સાથે ભોજન કર્યું, જેના કારણે તેમના ઠાકર સમાજે તેમને નાતબહાર મૂક્યા અને પદભ્રષ્ટ કર્યા.
ત્યારબાદ અસાઈત ઠાકર, જેઓ પોતે એક લેખક, કવિ અને બહુચર માતાના પરમ ભક્ત હતા, તેમણે માતાજીની આરાધના શરૂ કરી. બહુચર માતાએ તેમને પ્રસન્ન થઈને ચૂડી અને ચાંદલો આપ્યો હતો. ત્યારથી નાયક સમાજે ભવાઈની શરૂઆત કરી અને ગામેગામ ફરીને દરેક સમાજ સુધી આ કળાને પહોંચાડી. પુરુષો પણ સ્ત્રીઓનો વેશ ધારણ કરીને, ચૂડી અને ચાંદલો લગાવીને માતાજીની આરાધના કરે છે. પ્રાચીન સમયમાં ભવાઈ દ્વારા ગામડાઓમાં લોકોને સારી શિખામણ, સલાહ, સૂચનો અને સમાજ સેવાની વાતો પહોંચાડવામાં આવતી હતી.
નવા કલાકારોનો અભાવ અને કળાને બચાવવાનો પડકાર
જોકે, આજે આ કળા ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. નવા યુવાનો અને કલાકારો આ ક્ષેત્રમાં આવતા નથી, અને માત્ર જૂના કલાકારો જ બચ્યા છે જેમને હવે ઉંમરની તકલીફ છે. પંકજ નાયક જણાવે છે કે ભવાઈના માધ્યમમાં ગરબીનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, જેથી માતાજીની ભક્તિનું આ નવું સ્વરૂપ પ્રચલિત થાય.
સરકાર તરફથી હાલમાં કોઈ ખાસ આર્થિક સહાય મળતી નથી, તેમ છતાં આ કલાકારો પોતાની શ્રદ્ધા અને મહેનતથી આ કળાને જીવંત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. લોકોની એવી શ્રદ્ધા છે કે વર્ષમાં એકવાર ગામમાં ભવાઈ થાય તો સુખ-શાંતિ રહે છે અને ઉપાધિઓ દૂર રહે છે. આ શ્રદ્ધાના આધારે આજે પણ આ કળા ટકી રહી છે, પરંતુ તેને ભવિષ્ય માટે વ્યાપક સમર્થનની જરૂર છે.
આ પણ વાંચો...

