“અમેરિકાના દબાણમાં ટ્રેડ ડીલ?” વિધાનસભા સત્રમાં કોંગ્રેસનો ઉગ્ર વિરોધ, ડીલ રદ કરવાની માંગ
દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા પરિસરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.

Published : February 26, 2026 at 1:23 PM IST
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ રાજકીય માહોલ ગરમાયો હતો. દિવસની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ ટ્રેડ ડીલના મુદ્દે વિધાનસભા પરિસરમાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમેરિકાની સાથે થતી ટ્રેડ ડીલ દેશના ખેડૂતો અને અર્થતંત્ર માટે ઘાતક સાબિત થશે. તેમણે આક્ષેપ કર્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ દ્વારા ભારત અંગે ધમકીભર્યા નિવેદનો આપવામાં આવી રહ્યા છે અને ભારત પર ટેરિફ લગાવવામાં આવી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે દેશની છબી પર અસર પડે છે.
અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના દબાણ સામે સરેન્ડર થઈ ચૂક્યા છે તેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમના કહેવા મુજબ આ ટ્રેડ ડીલ સીધી રીતે ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ કરશે.
કોંગ્રેસનો દાવો છે કે જો અમેરિકાની ડેરી પ્રોડક્ટ્સ ભારતમાં પ્રવેશ કરશે તો સ્થાનિક ડેરી ઉદ્યોગ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાઈ જશે. ખાસ કરીને ગુજરાતમાં સહકારી ડેરી સંસ્થાઓ અને ઉદ્યોગો ઉપર લાખો પરિવારો નિર્ભર છે, જે આ ડીલથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી શકે છે.
વિરોધ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, અમેરિકાના દબાણમાં થયેલી આ ખેડૂત વિરોધી ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવામાં આવે. કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ ચેતવણી આપી કે આ ડીલ દેશના અર્થતંત્રને પણ ભારે નુકસાન પહોંચાડી શકે છે. હવે પ્રશ્ન એ છે કે સરકાર આ મુદ્દે શું સ્પષ્ટતા આપે છે અને વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દે કેવી ચર્ચા થાય છે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો:

