આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવામાં કવિ નર્મદનું યોગદાન જેટલું ગણીએ તેટલું ઓછું
આજે ગુજરાતી ભાષા દેશ અને રાજ્યની વહીવટી પરીક્ષાઓમાં પણ ગુંજતી થઈ છે, તેની પાછળ વીર કવિ નર્મદનું યોગદાન જેટલું ગણીએ તેટલું ઓછું છે.

Published : August 24, 2026 at 12:17 PM IST
જુનાગઢ: દૂધની ભાષાના સર્જક તરીકે જેને ગુજરાતી ભાષામાં વીરનું ઉપનામ મળ્યું છે, તેવા આદ્ય કવિ નર્મદની આજે જન્મ જયંતી છે. જેના માનમાં દર વર્ષની 24મી ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. એક સમયે રાજ્ય અને દેશની વહીવટી પરીક્ષાઓમાં ગુજરાતી ભાષા પસંદ કરવાથી લઈને પરીક્ષાર્થીઓમાં ભારે કચવાટ જોવા મળતો હતો, પરંતુ આજે ગુજરાતી ભાષા દેશ અને રાજ્યની વહીવટી પરીક્ષાઓમાં પણ ગુંજતી થઈ છે, તેની પાછળ વીર કવિ નર્મદનું યોગદાન જેટલું ગણીએ તેટલું ઓછું છે.
આજે વિશ્વ માતૃભાષા દિવસ
24મી ઓગસ્ટ એટલે કે વિશ્વ માતૃભાષા દિવસ આ દિવસની ઉજવણી ગુજરાતી સાહિત્યના આદ્ય કવિ વીર નર્મદની જન્મ જયંતીના દિવસે મનાવવામાં આવે છે. કવિ નર્મદનું ગુજરાતી ભાષા અને સાહિત્યમાં જે યોગદાન છે, તેને લઈને તેને વીર જેવું ઉપનામ પણ સાહિત્યના ક્ષેત્રમાં મળ્યું છે. જેને દૂધની ભાષા કહી શકાય તેવી માતૃભાષા તરીકે ગુજરાતી આજે દેશ અને દુનિયાના સીમાડાઓ ઓળંગી રહી છે. વર્ષોથી વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ ઉજવાય છે, પરંતુ તે કેટલાક પ્રકારે અપ્રસ્તુત જોવા મળતો હતો, પરંતુ આજે ગુજરાતી ભાષા દેશ અને દુનિયાના સીમાડા ઓળંગીને છેક આધુનિક ડિજિટલ યુગમાં ગુગલ જેવા માધ્યમોમાં પણ પોતાનું સ્થાન અલગ ઊભું કર્યું છે, જેની પાછળ આદ્ય કવિ વીર નર્મદનું યોગદાન જેટલું ગણીએ તેટલું ઓછું છે.
વહીવટી પરીક્ષામાં પણ ગુજરાતી વિષયની પસંદગી
આજે જેમ-જેમ ગુજરાતી ભાષા રાજ્ય અને વિશ્વના સીમાડાઓ ઓળંગીને આગળ વધી રહી છે, તેમ તેમ દેશમાં આયોજિત રાજ્ય અને દેશ કક્ષાની વહીવટી પરીક્ષાઓમાં પણ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષય સાથે પરીક્ષામાં બેસી રહ્યા છે, જે ગુજરાતી ભાષા પ્રત્યેનો છોછ ઓછો થયો છે, તેવું સ્પષ્ટ કરે છે. વર્ષોથી લેવાતી આવતી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની વહીવટી પરીક્ષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી સિવાય અન્ય ભાષાને પસંદ કરીને પરીક્ષા આપતા હતા. જેમાં હવે ધીરે ધીરે પરિવર્તન આવી રહ્યું છે, અને કોલેજમાં જ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વહીવટી પરીક્ષા માટે ગુજરાતી ભાષાને પસંદ કરીને તેમાં તૈયારીઓ કરી રહ્યા છે, જે ગુજરાતી ભાષાને એક નવી ઓળખ આપવામાં આવનારા દિવસોમાં ખૂબ જ મહત્વનું પરિબળ બનશે.
ગુજરાતી ભાષાના શિક્ષણ સાથે સંકળાયેલા
ગુજરાતી ભાષાના અધ્યાપક પ્રોફેસર હરેશ વરુએ ઈટીવી ભારત સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, માતૃભાષા એટલે કે એવી ભાષા કે જે ભાષાંતર કરવા માટે કોઈ પણ મગજને આદેશ કરતી નથી. માતૃભાષા સિવાયની અન્ય ભાષા કોઈ પણ વ્યક્તિના મગજને સૌપ્રથમ તે ભાષાંતર કરવા માટે પ્રેરે છે, ત્યારે સૌથી ઓછા સમયમાં અને ખૂબ સારી રીતે માતૃભાષામાં સમજી શકાય અને બીજા લોકોને સમજાવી શકાય આવી માતૃભાષાને હવે વિદ્યાર્થીઓ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પસંદ કરી રહ્યા છે, તે ખૂબ ખુશીની વાત છે.
ગુજરાતી ભાષામાં જ વહીવટી પરીક્ષાની તૈયારી કરતી પ્રિયંકા બા રાઠોડે ઈટીવી ભારતને જણાવ્યું હતું કે, ગુજરાતી માત્ર માતૃભાષા નથી પરંતુ સાહિત્ય સાથે જોડાયેલી દૂધની ભાષા છે. જો કોઈ પણ વ્યક્તિ મારી જેમ પોતાની માતૃભાષામાં વહીવટી પરીક્ષાઓ આપવાને લઈને આગળ આવે તો એક અધિકારી તરીકે લોકોની સમસ્યા સમજવામાં અને સમજાવવામાં માતૃભાષા કે જેમાં સાહિત્ય ભરેલું છે તે ખૂબ મદદરૂપ બની શકે અને ગુજરાતી ભાષા એ સાહિત્યના નૂરની ભાષા છે, એટલે નૂર સાથે સમજવું અને સમજાવવું પણ એક અલગ અનુભવ હોય છે.
આ પણ વાંચો

