આજે વિશ્વ નાળિયેર દિવસ: કલ્પવૃક્ષ ગણાતા લીલા નાળિયેરની ખેતી ગ્લોબલ વોર્મિંગને કારણે મુશ્કેલ બની
નાળિયેરના વૃક્ષ અને ફળ સહિત તમામ ભાગોનો ઉપયોગ મનુષ્ય માટે હિતકારી અને ફાયદાકારક માનવામાં આવ્યો છે જેથી નાળિયેરને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Published : September 2, 2026 at 9:05 AM IST
|Updated : September 2, 2026 at 12:47 PM IST
જૂનાગઢ: વિશ્વમાં દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 2009માં નાળિયેર દિવસ ઉજવવાની શરૂઆત ભારતમાં કરવામાં આવી. આજે ઉમરગામથી લઈને ઓખા સુધીના દરિયાઈ વિસ્તારમાં લીલા નાળિયેરની ખેતી સૌથી વધારે થાય છે. ગુજરાતમાં લીલા નાળિયેરનું જેટલું ઉત્પાદન થાય છે તે પૈકીનું 90 ટકા જેટલું ઉત્પાદન એકલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં થાય છે જેમાં જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી અને ભાવનગરના કેટલાક તટીય વિસ્તારમાં નાળિયેરની ખેતી થઈ રહી છે.
નાળિયેરનો તમામ ભાગ કોઈપણ કાર્ય ઉપયોગમાં આવતો હોવાથી તેને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌથી સારી કમાણી આપતું ફળ પાક તરીકેનું આ કલ્પવૃક્ષ આજે ગ્લોબલ વોર્મિંગને કારણે કેટલીક સમસ્યા જોવા મળે છે જેમાંથી ખેડૂતોને મુશ્કેલી દૂર થાય તે માટે કૃષિ યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિકો પણ સંશોધન કરીને નાળિયેરની ખેતીને સમૃદ્ધ કરવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
કલ્પવૃક્ષ તરીકે ઓળખાતા નાળિયેરમાં ગ્લોબલ વોર્મિંગની અસર
નાળિયેરના વૃક્ષ અને ફળ સહિત તમામ ભાગોનો ઉપયોગ મનુષ્ય માટે હિતકારી અને ફાયદાકારક માનવામાં આવ્યો છે જેથી નાળિયેરને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખૂબ જ સારું આર્થિક વળતર આપતી કલ્પવૃક્ષની આ ખેતી આજે ગ્લોબલ વોર્મિંગને કારણે કેટલીક ચિંતામાં પણ જોવા મળી રહી છે. વૈશ્વિક આબોહવાના પરિવર્તનને કારણે કલ્પવૃક્ષ ગણાતા નાળિયેરના ઝાડમાં પણ હવે કેટલાક રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે જેને કારણે નાળિયેરના ઉત્પાદનથી લઈને તેની ખેતી ખેડૂતો માટે મુશ્કેલ અને મોંઘી બની રહી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત કોલેજના સંશોધક વૈજ્ઞાનિકો નાળિયેરીમાં આવેલા રોગ જીવાત અને મુશ્કેલી પર સતત અધ્યયન કરી રહ્યા છે અને ખેડૂતોને કલ્પવૃક્ષની ખેતી સરળ અને ઓછી ખર્ચાળ તેમજ રોગ જીવાત મુક્ત બને તે દિશામાં સતત કામ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં કૃષિ યુનિવર્સિટીના સંશોધક વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા સંશોધનો ખૂબ સારું અને યોગ્ય પરિણામ સુરત વિસ્તારના દરિયા કાંઠાના ખેડૂતોને થશે.

ગુજરાતના કુલ ઉત્પાદનમાં 90 ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો
ગુજરાતમાં નાળિયેરનું જેટલું ઉત્પાદન થાય છે તેમાં 90 ટકા હિસ્સો એકલા સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓનો છે જેમાં જૂનાગઢ, પોરબંદર, દ્વારકા,સોમનાથ, અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં થતું નાળિયેર લીલા ત્રોફા તરીકે સમગ્ર દેશમાં પ્રચલિત છે. આ નાળિયેરનો ઉપયોગ દેશભરમાં લીલા નાળિયેર એટલે કે ત્રોફાનું પાણી અને મલાઇ માટે કરવામાં આવે છે.
લીલા નાળિયેરમાં બે પ્રકારની નાળિયેરી
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મુખ્યત્વે બે પ્રકારની નાળિયેરીની ખેતી થાય છે જેમાં ઉંચી જાતની દેશી નાળિયેરી કે જેનું વૃક્ષ 80થી 100 વર્ષ સુધીનું લીલું નાળિયેર આપવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. લીલી નાળિયેરીની ઊંચાઈ અંદાજિત 15થી 20 મીટર સુધી જોવા મળે છે, તેની ખાસિયત એ છે કે તેનું ફળ મોટું અને અન્ય નાળિયેર કરતાં પાણીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે છે જેને વેસ્ટ કોસ્ટ ટોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બીજી એક વેરાયટી એટલે કે બોનાવેલી જેને સૌરાષ્ટ્રમાં લોટણ તરીકે ઓળખવામાં આવે છે જે નીચી જાત ની નાળિયેરી તરીકે ઓળખાય છે. આ પ્રકારની નાળિયેરી ત્રણથી ચાર વર્ષમાં ઉત્પાદન આપવાની શરૂઆત કરે છે જેની ઊંચાઈ 8 થી 10 મીટર હોય છે ઊંચી જાતની નાળિયેરી કરતા લોટણ નાળિયેરનું ફળ નાનું હોય છે પણ તેનું પાણી ખૂબ જ મીઠાશ વાળું હોય છે જેથી લોટણ નાળિયેર નો સમગ્ર ભારતમાં તોફા તરીકે સૌથી વધારે પ્રચલિત પણ થયું છે. દેસી જાતની નાળીયેરીમાં ચૌધાર ઓરેન્જ ડ્વાર્ફ કે નારંગી રંગનું નાળિયેર ચૌધાર ગ્રીન ડ્વાર્ફ અને મલાયન યલો ડ્વાર્ફ આ ત્રણ પ્રકારની વિશેષ જાતની નાળિયેરીનું પ્રમાણ પણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં વિશેષ જોવા મળે છે.
લીલા નાળિયેરની અન્ય જાતો
દેશી જાતની નાળિયેરીની સાથે લીલા નાળિયેરમાં જાતોનું પણ પ્રમાણ સૌરાષ્ટ્રના દરિયા કાંઠામાં જોવા મળે છે જેને ટી.ડી અને ડી.ટી તરીકે ઓળખવામાં આવે છે. સંકલિત જાતોની આ નાળિયેરીમાં રોગનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે, સાથે સાથે તેમાં નાળિયેરના ઉત્પાદનમાં અન્ય જાતો કરતા 30 ટકાનો સુધીનો વધારો પણ જોવા મળે છે. આ ઝાડ એક વર્ષમાં 80 થી 150 જેટલા લીલા નાળિયેર આપતા હોય છે. એક વીઘામાં 25થી 30 નાળિયેરીના વૃક્ષોનું વાવેતર કરવાથી ખેડૂતને એક વર્ષમાં 1.5 લાખ સુધીની મર્યાદામાં આર્થિક વળતર પણ પ્રાપ્ત થતું હોય છે. લીલા નાળિયેરના વાવેતર માટે ચોમાસા પૂર્વે એટલે કે જૂન જુલાઈ મહિના ને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં 7.5 મીટર ના અંતરે એક ઝાડ રોપવાથી પણ સારું ઉત્પાદન મળી શકે છે.

નાળિયેરના વાવેતરમાં અન્ય કાળજી
લીલા નાળિયેરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોએ નાળિયેરી નું વાવેતર કર્યા બાદ દર વર્ષે તેના થડ માં બે કિલો દરિયાઈ મીઠું નાખવું જોઈએ સોરઠ પ્રદેશના નાળિયેરીની ખેતી કરતા ખેડૂતોમાં આવી સમજણ વિશેષ જોવા મળે છે. વર્ષમાં એક દિવસ આ પ્રકારે દરિયાઈ મીઠું નાખવાથી નાળિયેરની ગુણવત્તા અને તેના સ્વાદમાં વધારો થાય છે અને સાથે સાથે જે રોગ અથવા તો જીવાત આવવાની શક્યતાઓ વધી જાય છે તેની સામે ઘટાડો જોવા મળતો હોય છે.
નાળિયેરીમાં આવતા વિવિધ રોગ
ગ્લોબલ વોર્મિંગને કારણે નાળિયેરીને અનુકૂળ એવું 27થી 32 ડિગ્રી તાપમાન અને 70% જેટલું ભેજ સારી અને ઉન્નત ખેતી માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે પરંતુ ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાન અને ભેજમાં વધારો કે ઘટાડો થતા નાળિયેરની ખેતીમાં પણ હવે રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે જેમાં નાળિયેરીમાં જોવા મળતો ગેંડાનો રોગ ટોચના પાન પર ખૂબ વિપરીત અસર કરે છે અને તે કપાઈ જવાથી નાળિયેરનું ઉત્પાદન અને વૃક્ષની ક્ષમતામાં ખૂબ મોટો ઘટાડો થાય છે. લાલ ઘુણ આ એક એવા પ્રકારના નાળિયેરીનો રોગ છે કે જે ઝાડને અંદરથી એકદમ પોલું કરી નાખે છે જેને કારણે નાળિયેરીનું વૃક્ષ ઉત્પાદન આપતું નથી અને થોડાક સમયમાં તે નષ્ટ થઈ જાય છે. આ બીમારીઓના રક્ષણ માટે ખેડૂતોએ એક વર્ષમાં 50 કિલો છાણીયું ખાતર એક કિલો લીંબોળી નો ખોળ અને એક કિલો રાખનું મિશ્રણ નાળિયેરીના થડમાં આપવાથી આ પ્રકારની સંભવિત બીમારી અને રોગ અને જીવાત માંથી મુક્તિ મળી શકે છે.
વર્તમાન સમયની સૌથી મોટી સમસ્યા સફેદ માખી
ફળ માખી તરીકે નાળિયેરીના પાકને સૌથી મોટા પ્રમાણમાં નુકસાન કરતા એક માત્ર પરિબળ તરીકે સફેદ માખી ના ઉપદ્રવ ને જોવામાં આવે છે. ફળ માખી તરીકે વિદેશમાં ખૂબ જ કુખ્યાત અને બદનામ થયેલી આ સફેદ કલરની ફળ માખી હવે સૌરાષ્ટ્રના નાળિયેરના પાકને પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. યોગ્ય સમયે તેનું નિરાકરણ કરવાથી માખીના ઉપદ્રવને દૂર કરી શકાય છે પરંતુ તેનો પ્રયત્ન જે વિસ્તારમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળે ત્યાં સામૂહિક રીતે તમામ ખેડૂતોએ કરવો જોઈએ. એક ખેતરમાં માખીનું નિયંત્રણ કર્યા બાદ તેમાંથી પાસે આવેલા અન્ય ખેતરમાં પહોંચી જાય છે જેને કારણે તેનું સંપૂર્ણ નિયંત્રણ થતું નથી. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં માખીનો ઉપદ્રવ જોવા મળે તો આસપાસના તમામ ખેડૂતોએ સફેદ માખીના નિયંત્રણ કરી શકે તેવા રસાયણોનો ઉપયોગ કરીને આ માખીના ઉપદ્રવને સંપૂર્ણપણે નષ્ટ કરવામાં આવે તો તેના ઉપદ્રવ થી છુટકારો મળી શકે છે. સફેદ માખીના ઉપદ્રવને કારણે નાળિયેરીનું ઝાડ સફેદ થઈ જાય છે અને ખૂબ જ ટૂંકા સમયમાં પાનની સાથે ઝાડ ફળ ઉત્પાદન આપવાનું બંધ કરે છે અને અંતે આખું ઝાડ નષ્ટ થાય છે.
શા માટે નાળિયેરી કલ્પવૃક્ષ તરીકે ઓળખાય છે?
નાળિયેરને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. 80થી 100 વર્ષ સુધી ફળ ઉત્પાદન આપ્યા બાદ નાળિયેરીના મૂળનો ભાગ આયુર્વેદ શાસ્ત્રમાં કેટલીક ઔષધીઓ બનાવવા માટે પણ થાય છે તો ખૂબ જ મજબૂત થડ હોવાને કારણે તે ઘરના બાંધકામ અને ફર્નિચરની સાથે બોટ બનાવવામાં થડનું લાકડું પણ ઉપયોગ થાય છે. આ સાથે આજે પણ અનેક રાજ્યોના ગામડાઓમાં મકાનની છત બનાવવા માટે લીલા નાળિયેરના પાંદડા પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય તેમાંથી સાવરણી ટોપલા નીચે બેસવા માટે પાથરવાના ઉપયોગમાં લેવાતી ચટાઈ અને નાળિયેરની કાચલીમાંથી ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ પણ બનતી હોય છે, આ સાથે તેમાંથી ખનીજ અને મિનરલ યુક્ત પાણી મલાઈ અને કોપરું તો મળે જ છે.
આ પણ વાંચો:

