ETV Bharat / state

સુરતમાં ૩ દિવસમાં ૩ હત્યા, ભેસ્તાન, લિંબાયત અને સચિન વિસ્તારમાં હત્યાથી હાહાકાર

સુરતમાં જાણે અપરાધીઓને મોકળું મેદાન મળી ગયું હોય તેમ છેલ્લા 3 દિવસમાં હત્યાની ત્રીજી ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે.

સુરતમાં ૩ દિવસમાં ૩ હત્યા
સુરતમાં ૩ દિવસમાં ૩ હત્યા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 4, 2026 at 7:06 AM IST

|

Updated : January 4, 2026 at 7:45 AM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: સ્માર્ટ સિટી સુરતમાં જાણે અપરાધીઓને મોકળું મેદાન મળી ગયું હોય તેમ છેલ્લા 3 દિવસમાં હત્યાની ત્રીજી ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. લિંબાયત અને સચિન બાદ હવે ભેસ્તાનના ઉન વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. નવા વર્ષની શરૂઆત જ સુરત માટે લોહિયાળ સાબિત થઈ છે.

ઘટના 1: ભેસ્તાનમાં ‘ટકોર’ ભારે પડી

ભેસ્તાનના ઉન વિસ્તારમાં રહેતા 22 વર્ષીય મોહમ્મદ ઝફર હુસૈને માત્ર એટલું જ કહ્યું હતું કે, "અમે અહીં રહીએ છીએ તો ઘર પાસે લઘુશંકા કેમ કરો છો?" આ સામાન્ય ટકોર અસામાજિક તત્વોને એટલી વસમી લાગી કે તેમણે ઝફર અને તેના મોટા ભાઈ પર ચપ્પુ વડે હિંસક હુમલો કર્યો જેમાં ઝફરનું કરુણ મોત નીપજ્યું, જ્યારે તેનો ભાઈ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. મૃતકને માત્ર એક મહિનાનું સંતાન છે. પિતાની છત્રછાયા ગુમાવનાર માસૂમ અને વિધવા પત્નીના આક્રંદથી સિવિલ હોસ્પિટલ ગમગીન બની ગઈ હતી. ભયભીત બનેવીએ લાચારી વ્યક્ત કરતા કહ્યું કે, "અમને બિહાર મોકલી દો, અમારે હવે સુરતમાં નથી રહેવું."

બિહારના 22 વર્ષીય યુવકની હત્યાથી પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો (Etv Bharat Gujarat)

ઘટના 2: લિંબાયતમાં ૫ વર્ષ જૂની અદાવતનો ખાર

31મીની રાત્રે લિંબાયતની આશાપુરી સોસાયટી પાસે 24 વર્ષીય જયેશ પટેલની 6 થી 8 શખ્સોએ ઘેરીને હત્યા કરી નાખી. 2020ની જૂની અદાવતમાં વિશાલ વાઘ અને તેની ગેંગે આ હત્યાને અંજામ આપ્યો હતો. પોલીસે આ મામલે સગીર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમના પર અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા છે.

ઘટના 3: સચિનમાં ગુટખાના પૈસા માટે લોહી વહ્યું

સચિન સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિર પાસે સૂરજ સુરવાડે નામના યુવાનની પાન-મસાલાના પૈસા જેવી નજીવી બાબતે હત્યા કરાઈ હતી. અહીં પણ આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી આતંક ફેલાવ્યો હતો.

સુરતમાં વધતો ગુનાનો ગ્રાફ

સુરતમાં પરપ્રાંતીય શ્રમિકો સુરક્ષિત નથી તેવી લાગણી જન્મી રહી છે. ત્રણ દિવસમાં ત્રણ હત્યાની ઘટના સામે આવતા લાગી રહ્યું છે, અસામાજીક તત્વોમાં પોલીસ કે કાયદાનો કોઈ ખૌફ રહ્યો જ નથી.

  1. સુરતમાં ધર્માંતરણ અને દુષ્કર્મનો જ્વલંત કેસ, કુલ 6 આરોપીઓ જેલ ભેગા, જેમાં 4 તો સરકારી શિક્ષકો નીકળ્યાં
  2. ઈન્સ્ટાગ્રામ પરથી સુરત પોલીસે પારધી ગેંગનો કર્યો પર્દાફાશ, બાળકીઓને ઢાલ બનાવી કરાવતા હતા ચોરી
Last Updated : January 4, 2026 at 7:45 AM IST