સોમવારે સરકારના ત્રણ મંત્રીઓ સાગબારા જશે, જંગલ જમીનના હકને લઈને ચાલી રહેલા આંદોલનનો આવી શકે છે અંત
આવતીકાલે 31 ઓગસ્ટ, સોમવારે સરકારના મંત્રીઓ સાગબારા-ખોપી પહોંચશે અને ખેડૂતોને પારણાં કરાવી આંદોલનનો અંત લાવવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે.

Published : August 30, 2026 at 1:11 PM IST
|Updated : August 30, 2026 at 2:15 PM IST
સાગબારા, નર્મદા: નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલની જમીન પર હક દાવાઓને લઈને ચાલી રહેલાં ખેડૂતોના ધરણાનો આજે 23મો દિવસ છે. ત્યારે આ આંદોલનના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે, હવે સરકારે વહેલી તકે આ મુદ્દાને ઉકેલવામાં માટે કમરકસી છે.
બીજી તરફ ભાજપ, કોંગ્રેસ અને AAP સહિતના આદિવાસી નેતાઓ પણ આ મુદ્દાને લઈને એક મંચ પર આવ્યા છે. સાંસદ મનસુખ વસાવા ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ મંત્રી સંદીપ માંગરોલા, BTP આગેવાન મહેશ વસાવા અને AAPના ડો. દયારામ વસાવા સહિતના નેતાઓ એક મંચ પર જોવા મળી રહ્યાં છે.
એમાં પણ સાંસદ મનસુખ વસાવાના નિવેદન બાદ ખેડૂતોમાં આશાનું નવું કિરણ જોવા મળ્યું છે. ત્યારે આવતીકાલે 31 ઓગસ્ટ, સોમવારે સરકારના મંત્રીઓ સાગબારા-ખોપી પહોંચશે અને ખેડૂતોને પારણાં કરાવી આંદોલનનો અંત લાવવાનો પ્રયાસ કરે તેવી શક્યતા છે. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે સોમવારે રાજ્ય સરકારના મંત્રીઓ સાગબારા-ખોપી ખાતે ધરણા સ્થળે પહોંચશે. જેમાં વન રાજ્યમંત્રી પ્રવીણ માળી, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ અને પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ સાથે ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહે તેવી શક્યતા છે. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ સહિત ભાજપના આગેવાનો પણ આતકે હાજર રહેશે.

ગુજરાતમાં પડતર પ્રશ્નો અને ખેડૂતોના દાવાઓને લઈને ખેડૂતોને પણ લાભ મળે તે દિશામાં નિર્ણય લેવાયો હોવાનો સાંસદ મનસુખ વસાવાએ દાવો કર્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે વાત કરી હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું, સાગબારાના ખેડૂતોના આંદોલનને કારણે પુરાવાના આધારે રાજ્યના અંદાજે 70 હજાર જેટલા ખેડૂતોને લાભ મળી શકે છે તેમ પણ સાંસદે જણાવ્યું હતું.
મનસુખ વસાવાએ મહિલા આગેવાન લીલાબેન વસાવાની લડતને પણ બિરદાવી. લીલાબેન વસાવાને અભિનંદન પાઠવતા સાંસદે આ આંદોલનનો યશ લીલાબેન અને સાગબારાના ખેડૂતોને આપ્યો. સાંસદ વસાવાના નિવેદન બાદ સાગબારાના કેટલાક ખેડૂતોએ ખેડાણ પણ શરૂ કર્યું છે.

બીજી તરફ ખેડૂતોના પેન્ડિંગ દાવાઓની મંજૂરી અને સાગબારાના ખેડૂતોને ખેડાણ કરવાની મંજૂરીની શરતે લીલાબેન વસાવા સોમવારે પારણાં કરવા તૈયાર થયા છે. ખેડૂતોને ન્યાય મળે તો પારણાં કરવા તૈયાર હોવાનું લીલાબેન વસાવાએ જણાવ્યું છે. સરકાર તરફથી મંત્રીઓની હાજરીમાં લીલાબેન વસાવા સહિત ખેડૂતોના પારણાં કરાવી આંદોલનનો સુખદ અંત લાવવાની તૈયારી છે. સાગબારાના ખેડૂતોના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલન વચ્ચે હવે સરકાર અને ખેડૂતો વચ્ચે સમાધાનના સંકેતો મળી રહ્યા છે.

પેન્ડિંગ દાવાઓને મંજૂરી અને ખેડાણની મંજૂરી સહિતના મુદ્દે સરકાર તરફથી મળેલા આશ્વાસન બાદ ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. હવે સૌની નજર સોમવાર પર છે. ત્યારે જોવું રહ્યું સોમવારે મંત્રીઓની હાજરીમાં ખેડૂતોના પારણાં થાય છે કે નહીં અને આંદોલનનો સત્તાવાર અંત આવે છે કે નહીં.
આ પણ વાંચો

