ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ અને ડૉગ સ્કવોર્ડે તપાસ હાથ ધરી
અમદાવાદ, સુરત, ભરૂચ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ

Published : January 6, 2026 at 12:44 PM IST
|Updated : January 6, 2026 at 1:06 PM IST
અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ગુજરાત હાઇકોર્ટ, સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટ, લાલ દરવાજામાં આવેલી અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ તેમજ ભરૂચ, આણંદ અને રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળતા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ સહિતની કોર્ટને ઇમેલ કરીને બિલ્ડિંગને RDXથી ઉડાવી દેવીની ધમકી મળી હતી. આ ધમકીને ગંભીરતાથી લઇ તમામ કોર્ટમાં ન્યાયિક કામગીરી અટકાવીને ડોગ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદ સ્થિત ગુજરાત હાઇકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હાઇકોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈમેલ દ્વારા ધમકી મળતા સુરક્ષા તંત્ર એલર્ટ થઇ ગયુ હતું અને તપાસ હાથ ધરી હતી. ગુજરાત હાઇકોર્ટ પરિસરમાં પણ બોમ્બ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડ અને પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન હાલ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
સુરક્ષા કારણોસર કોર્ટ પરિસરમાં પ્રવેશ બંધ
બોમ્બની ધમકી બાદ કોર્ટના તમામ કેસ અને કામગીરી હાલ જે સ્ટેજ પર છે તેને સ્થગિત રાખવામાં આવી છે. સુરક્ષાના કારણોસર કોર્ટ પરિસરમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. પી.ડી.જે. આર.એ.ત્રિવેદીના આદેશથી આગામી હુકમ સુધી વકીલો અને તેમના પક્ષકારોને કોર્ટ પરિસરમાં ના આવવા માટે સૂચના આપવામાં આવી છે.
સુરત કોર્ટના એક વકીલે જણાવ્યું હતુ કે, મોડી રાત્રે RDXથી કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી હતી. સવારે સ્ટાફે મેઇલ ચેક કરતા જજ સાહેબને આ ઘટનાની જાણ કરી હતી અને પોલીસને બોલાવવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જજ સાહેબના આદેશ સુધી કામકાજ બંધ રહેશે.
મહત્ત્વપૂર્ણ છે કે 5 જાન્યુઆરીએ અમદાવાદની ગ્રામ્ય કોર્ટ (ઇન્કમટેક્સ)ને પણ ઇમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યું હતું. અવાર નવાર ગુજરાતમાં અનેક કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ સતર્ક થઇ ગઇ છે.
આ પણ વાંચો:

