ETV Bharat / state

ગાંધી શાશ્વત હતા અને આવનારા સમય સાથે વધુ શાશ્વત થતા રહેશે: તુષાર ગાંધી

અમદાવાદની મુલાકાતે આવેલા ગાંધીજીના પ્રપૌત્રે સરકારના બેવડાં વલણો, વર્તમાન સામાજિક-રાજકીય પરિસ્થિતિ પર ખુલીને વાત કરી.

તુષાર ગાંધીએ સરકારના બેવડાં વલણો, વર્તમાન સામાજિક-રાજકીય પરિસ્થિતિ પર ખુલીને વાત કરી
તુષાર ગાંધીએ સરકારના બેવડાં વલણો, વર્તમાન સામાજિક-રાજકીય પરિસ્થિતિ પર ખુલીને વાત કરી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 24, 2026 at 6:35 PM IST

|

Updated : January 24, 2026 at 10:16 PM IST

3 Min Read
Choose ETV Bharat

કલ્પીન ત્રિવેદી, અમદાવાદ: મહાત્મા ગાંધીજીના પ્રપૌત્ર અને લેખક તુષાર ગાંધીએ દેશની વર્તમાન સામાજિક-રાજકીય પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, આજે બાપુની વિચારધારા સાથે જોડાયેલી સંસ્થાઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. અમદાવાદની બે દિવસની મુલાકાતે આવેલા તુષાર ગાંધીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દેશના વિવિધ વિસ્તારોમાં, ખાસ કરીને વારાણસીમાં ગાંધીજી સાથે સંકળાયેલી સંસ્થાઓ પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી થઈ રહી છે, જે માત્ર મિલકતનો નહીં પરંતુ વિચારધારાનો પણ નાશ કરવાનો પ્રયાસ છે

તેમણે કહ્યું કે, ગાંધીજીના નામે દેશ-દુનિયામાં આદર્શો સ્થાપિત થયા, પરંતુ આજે એ જ ગાંધીની સંસ્થાઓ અસ્તિત્વની લડાઈ લડી રહી છે. આ સ્થિતિ લોકશાહી અને ગાંધીવાદી મૂલ્યો માટે ગંભીર ચેતવણી સમાન છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે, ગાંધીની ધરોહરને કમજોર કરવા સરકાર મથી રહી છે પરંતુ ગાંધી શાશ્વત હતા અને આવનારા સમય સાથે વધુ શાશ્વત થતા રહેશે.

સાચા વિશ્વગુરુ ગાંધી, બાકી માત્ર દાવા: તુષાર ગાંધી (ETV Bharat Gujarat)

'વંચિતો સાથે અન્યાય કરી રહી છે સરકાર'

દેશમાં છેવાડાના માનવી માટે રચાયેલી યોજનાઓ અને નીતિઓ અંગે બોલતા તુષાર ગાંધીએ જણાવ્યું કે, સરકાર દ્વારા યોજનાઓના નામ બદલવામાં આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે, નામ બદલવા સામે કોઈ વિરોધ નથી, પરંતુ નામ બદલાય તે સાથે જો ગરીબ, વંચિત અને અંતિમ પંક્તિમાં ઉભેલા માનવીને મળતી સહાય બંધ થઈ જાય તો તે ગંભીર અન્યાય છે. તેમણે ચેતવણી આપી કે, છેવાડાના માનવી માટેની સુરક્ષા વ્યવસ્થા ધીમે ધીમે નબળી બનાવાઈ રહી છે.

'સત્તાપક્ષની કામગીરી બંધારણની વિરુદ્ધની'

તુષાર ગાંધીએ વધુમાં જણાવ્યું કે, આજના સમયમાં સંવિધાન દ્વારા આપવામાં આવેલા હક્કોને સામાન્ય નાગરિક માટે વધુ જટિલ બનાવવામાં આવી રહ્યા છે. પોતાના અધિકારો મેળવવા માટે લોકો કાયદા, પ્રક્રિયા અને દસ્તાવેજોમાં ફસાઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ આજે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે. સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની જગ્યાએ કેન્દ્રિકરણ તરફ દેશ આગળ વધી રહ્યો છે, જે બંધારણની મૂળ ભાવનાને ખંડિત કરે છે.

શ્રમિકો માટેના કાયદાઓ પર તુષાર ગાંધીએ કહ્યું કે, આગળ જેમ 'ત્રણ કાળા કાયદા' દ્વારા ખેડૂતો સાથે કરવામાં આવ્યું તેવી જ રીતે હાલ શ્રમિકોના હક્કોને કમજોર કરવામાં આવી રહ્યા છે. સંવિધાન દરેક નાગરિકની ચિંતા કરે છે, પરંતુ આજની નીતિઓમાં તે ચિંતા દેખાતી નથી. શ્રમિક, ખેડૂત અને સામાન્ય માણસ આજે અસુરક્ષિત અનુભવી રહ્યો છે.

'સાચા વિશ્વગુરુ ગાંધી, બાકી માત્ર દાવા'

તુષાર ગાંધીએ કહ્યું કે, 'સાચા અર્થમાં જો કોઈ વિશ્વગુરુ હતા તો તે મહાત્મા ગાંધી હતા. દેશ અને વિદેશમાં ગાંધીજી માત્ર ભારતના નહીં પરંતુ સમગ્ર વિશ્વના આદર્શ બન્યા હતા. અમેરિકાની નાગરિક અધિકાર ચળવળ સહિત અનેક વૈશ્વિક આંદોલનો ગાંધીજીના વિચારો પરથી પ્રેરિત રહ્યા. નેલ્સન મંડેલા જેવા નેતાઓ પણ ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા લઈને સંઘર્ષના માર્ગે આગળ વધ્યા.'

તુષાર ગાંધી એ કટાક્ષ કરતા કહ્યું કે, આજે પોતાની જાતને વિશ્વગુરુ સાબિત કરવાનો પ્રયાસ કરનારા લોકો વાસ્તવિક સમસ્યાઓથી દૂર છે, પાડોશીઓ પણ તેમને ગંભીરતાથી લેતા નથી. વિશ્વ આજે નવી હુકમશાહી તરફ આગળ વધી રહ્યું છે, જ્યાં સત્તા દ્વારા લોકોને કાબૂમાં રાખવાની કોશિશ થઈ રહી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને આત્મનિર્ભર બનાવવું સૌથી મોટો પડકાર છે

બાપુના શબ્દોને યાદ કરાવતા તુષાર ગાંધીએ મહાત્મા ગાંધીના શબ્દોને જ ટાંકતા કહ્યું, 'તમે જે બદલાવ લાવવા માંગો છો તો તેની શરૂઆત તમારાથી કરવી પડશે. તેમણે જણાવ્યું કે, આજે દેશના લોકોએ બીજા પર આશા રાખવાને બદલે જાતે જ સજ્જ, સચેત અને આત્મનિર્ભર બનવું પડશે. આ જ મહાત્મા ગાંધીનો સંદેશ છે.

આ પણ વાંચો:

Last Updated : January 24, 2026 at 10:16 PM IST