ETV Bharat / state

મહિલાના નાકમાંથી સતત લીક થતું હતું મગજનું પ્રવાહી, જટિલ સર્જરીથી તબીબોએ મેળવી ઐતિહાસિક સફળતા

યુ.એન.મહેતા હોસ્પિટલ અને જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલની ન્યુરોસર્જરી-ENT ટીમની સફળ સંયુક્ત કામગીરી

નાકની જટિલ સર્જરી
નાકની જટિલ સર્જરી (Etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : September 2, 2026 at 8:58 AM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગરઃ ગાંધીનગરમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરની ન્યુરોસર્જરી ટીમ અને જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલની ENT ટીમે અત્યંત જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. ૪૫ વર્ષીય મહિલા દર્દીના નાકમાંથી સતત થઈ રહેલા મગજના પ્રવાહી એટલે કે Cerebrospinal Fluid (CSF)ના લીકેજની ટ્રાન્સનેઝલ એન્ડોસ્કોપિક પદ્ધતિથી સફળ સારવાર કરવામાં આવી છે.

દર્દીને છેલ્લા કેટલાક સમયથી જમણી બાજુના નાકમાંથી સતત પ્રવાહી નીકળવાની ફરિયાદ હતી. સ્થાનિક કક્ષાએ રાઇનાઇટિસની સારવાર બાદ પણ રાહત ન મળતા ENT તબીબનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ CT Cisternography તપાસ કરવામાં આવતા નાકના ઉપરના ભાગે આવેલી Cribriform Plateમાં ૨ મિમીનું ડિફેક્ટ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે મગજનું પ્રવાહી નાકમાંથી બહાર આવી રહ્યું હતું. આ સ્થિતિને તબીબી ભાષામાં CSF Rhinorrhoea તરીકે ઓળખવામાં આવે છે. મગજના આંતરિક દબાણની વિગતવાર તપાસ બાદ ન્યુરોસર્જરી અને ENT ટીમે સંયુક્ત રીતે સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો.

આ રીતે કરવામાં આવી સર્જરી

સર્જરી દરમિયાન સૌપ્રથમ ન્યુરોસર્જરી ટીમ દ્વારા મગજનું દબાણ નિયંત્રિત કરવા માટે VP Shunt મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ ENT ટીમે નાકના માર્ગે Mini-FESS એટલે કે Functional Endoscopic Sinus Surgery પદ્ધતિથી લીકેજનું ચોક્કસ સ્થળ શોધી કાઢ્યું હતું. ત્યારબાદ Cribriform Plateમાં રહેલા ડિફેક્ટને અત્યાધુનિક Bioglue અને બે સ્તરીય કવરેજની મદદથી કાયમી ધોરણે બંધ કરવામાં આવ્યું હતું. સફળ સર્જરી બાદ મહિલા દર્દીની સ્થિતિ સંપૂર્ણપણે સ્થિર છે અને દર્દી સુધારા પર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

યુ.એન.મહેતા હોસ્પિટલ અને જી.એમ.ઈ.આર.એસ. સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા મગજ અને નાક સંબંધિત જટિલ રોગો માટે કરવામાં આવેલી આ બીજી સફળ સંયુક્ત સર્જરી છે. આ અગાઉ બંને ટીમોએ Pituitary Tumorનું Transnasal Endoscopic Removal પણ સફળતાપૂર્વક કર્યું હતું.

સરકારી સંસ્થામાં અત્યાધુનિક સારવાર

બંને હોસ્પિટલોની ટીમના આ સફળ સંયુક્ત પ્રયાસથી ગુજરાતના દર્દીઓને જટિલ ન્યુરો-ઓટોલોજિકલ અને Anterior Skull Baseની સમસ્યાઓ માટે આધુનિક, ઓછા ઇન્વેસિવ અને અસરકારક સારવાર સરકારી આરોગ્ય સંસ્થાઓમાં જ ઉપલબ્ધ બની રહી છે.

આ પણ વાંચોઃ

ભરૂચ: આમોદના ઇખરમાં ધોરણ-2ના વિદ્યાર્થીને માર મારનાર શિક્ષક સસ્પેન્ડ, શિક્ષણ વિભાગે કરી કાર્યવાહી

પૂર્વ RAC કેતકી વ્યાસની મુશ્કેલી વધી, સ્પેશિયલ ACB કોર્ટે નિયમિત જામીન ફગાવ્યા