ETV Bharat / state

1 જુલાઇ: વસંત-રજબ શહાદત દિવસ, કોમી એકતા માટે પ્રાણ ન્યોછાવર કરનાર બે અમર શહીદોની ગાથા

1 જુલાઈનો દિવસ અમદાવાદ અને ગુજરાતના ઇતિહાસમાં કોમી એકતા, માનવતા અને ભાઈચારાના પ્રતિક તરીકે યાદ કરવામાં આવે છે.

1 જુલાઇ: વસંત-રજબ શહાદત દિવસ
1 જુલાઇ: વસંત-રજબ શહાદત દિવસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 1, 2026 at 2:00 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: 1 જુલાઈનો દિવસ અમદાવાદ અને ગુજરાતના ઇતિહાસમાં કોમી એકતા, માનવતા અને ભાઈચારાના પ્રતિક તરીકે યાદ કરવામાં આવે છે. અમદાવાદમાં દર વર્ષે નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલાં 1 જુલાઈએ મનાવવામાં આવતો વસંત–રજબ શહાદત દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. શહેરમાં કોમી સૌહાર્દ અને ભાઈચારાનો સંદેશ મજબૂત બને તે માટે આ દિવસને પ્રતીકાત્મક રીતે પણ જોવામાં આવે છે. વસંતરાવ હેગીસ્ટે અને રજબઅલી લાખાણીએ જે એકતા અને માનવતાનો સંદેશ પોતાના બલિદાનથી આપ્યો હતો, તે જ ભાવના સાથે દર વર્ષે રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેવી અપીલ કરવામાં આવે છે.

વસંત-રજબની જોડી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ

1947માં દેશ આઝાદીના આરે હતો, પરંતુ અનેક શહેરોમાં કોમી તણાવ જોવા મળી રહ્યો હતો. અમદાવાદમાં પણ હિન્દુ-મુસ્લિમ સમાજ વચ્ચે તણાવનું વાતાવરણ સર્જાયું હતું. આવી સ્થિતિમાં અનેક ગાંધીવાદી કાર્યકરો અને સામાજિક આગેવાનો લોકો વચ્ચે શાંતિ સ્થાપવા માટે પ્રયત્નશીલ હતા. વસંતરાવ હેગીસ્ટે અને રજબઅલી લાખાણી પણ આવા યુવાનોમાં સામેલ હતા, જેઓ કોઈપણ ભેદભાવ વગર માત્ર માનવતા અને ભાઈચારામાં વિશ્વાસ રાખતા હતા.

કોમી એકતા માટે પ્રાણ ન્યોછાવર કરનાર બે અમર શહીદોની ગાથા (ETV Bharat Gujarat)

1 જુલાઈ, 1947ના રોજ શહેરમાં ભડકેલી કોમી હિંસા દરમિયાન બંને મિત્રોએ ઉશ્કેરાયેલા લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હિંસક ટોળાએ તેમના પર હુમલો કર્યો અને બંને શહીદ થયા. તેમની શહાદતના સમાચાર સમગ્ર ગુજરાતમાં ફેલાતા શોકની લાગણી પ્રસરી હતી. તેમના બલિદાનને મહાત્મા ગાંધી સહિત અનેક રાષ્ટ્રીય નેતાઓએ માનવતા માટેનું શ્રેષ્ઠ બલિદાન ગણાવ્યું હતું.

આજે પણ અમદાવાદમાં તેમના સ્મરણાર્થે વિવિધ કાર્યક્રમો યોજાય છે. સર્વધર્મ પ્રાર્થના, પુષ્પાંજલિ અને એકતા યાત્રાઓ દ્વારા તેમના બલિદાનને યાદ કરવામાં આવે છે. નવી પેઢીને કોમી એકતા અને સામાજિક જવાબદારીનો સંદેશ પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવે છે.

અમદાવાદના ઇતિહાસમાં કોમી એકતાના અમર પ્રતિક

ઇતિહાસકાર રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, વસંતરાવ હેગીસ્ટે અને રજબઅલી લાખાણીની શહાદત માત્ર એક ઐતિહાસિક ઘટના નથી, પરંતુ ગુજરાતના સામાજિક ઇતિહાસનો અત્યંત મહત્ત્વપૂર્ણ અધ્યાય છે. બંને યુવાનોએ કોઈ રાજકીય સ્વાર્થ માટે નહીં, પરંતુ સમાજમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. તેમના બલિદાનથી એ સાબિત થાય છે કે માનવતા દરેક ધર્મથી ઉપર છે. રિઝવાન કાદરીએ વધુમાં જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી પણ તેમની શહાદતથી ખૂબ જ વ્યથિત થયા હતા. ગાંધીજીએ તેમના બલિદાનને સાચા અર્થમાં રાષ્ટ્રસેવા અને અહિંસાના મૂલ્યોનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું. આજે પણ વસંત અને રજબનું નામ અમદાવાદના ઇતિહાસમાં કોમી એકતાના અમર પ્રતિક તરીકે લેવામાં આવે છે.

1 જુલાઇએ વસંત-રજબ શહાદત દિવસ તરીકે ઓળખવામાં આવે છે.
1 જુલાઇએ વસંત-રજબ શહાદત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. (ETV Bharat Gujarat)

વસંતરાવ હેગીસ્ટેના પરિવારજનોમાંથી દીપક ભાઈ જાગુષ્ટેએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમના પરિવાર માટે આ દિવસ ગૌરવ અને લાગણી બંનેનો દિવસ છે. તેમણે કહ્યું કે વસંતરાવ હેગીસ્ટેએ પોતાના જીવની ચિંતા કર્યા વગર સમાજમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે કામ કર્યું હતું. પરિવારની ઇચ્છા છે કે નવી પેઢી તેમના બલિદાનને માત્ર ઇતિહાસ તરીકે નહીં, પરંતુ જીવનમાં માનવતા, સહિષ્ણુતા અને કોમી એકતાના મૂલ્યો અપનાવવાની પ્રેરણા તરીકે યાદ રાખે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે શહાદત દિવસે વિવિધ સંસ્થાઓ અને નાગરિકો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જે દર્શાવે છે કે વસંતરાવ હેગીસ્ટે અને રજબઅલી લાખાણીનું બલિદાન આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.

વસંત–રજબની શહાદત આપણને એ સંદેશ આપે છે કે હિંસા ક્યારેય કોઈ સમસ્યાનો ઉકેલ બની શકતી નથી. સમાજને આગળ વધારવા માટે પરસ્પર વિશ્વાસ, સંવાદ અને ભાઈચારો જરૂરી છે. 1 જુલાઈનો દિવસ માત્ર બે શહીદોને યાદ કરવાનો દિવસ નથી, પરંતુ કોમી એકતા, માનવતા અને અહિંસાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લેવાનો દિવસ છે. આજે પણ તેમનું બલિદાન ગુજરાતના ઇતિહાસમાં અમર છે અને આવનારી પેઢીઓને એકતાનો માર્ગ બતાવતું રહેશે.

આ પણ વાંચો: