ETV Bharat / state

નેપાળમાં પૂરથી તારાજી, ગુમ થયેલા ભારતીય પ્રવાસીઓ માટે વડોદરાના સાંસદની પહેલ, સાંસદ કાર્યાલયે હેલ્પલાઈન સેવા શરૂ કરી

સાંસદ હેમાંગ જોવડોદરા કે ગુજરાતના કોઈ નાગરિકો નેપાળમાં ફસાયા છે કે નહીં તેની માહિતી મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડોદરા સાંસદ કાર્યલયે નેપાળ પૂરમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન સેવા શરૂ કરી
વડોદરા સાંસદ કાર્યલયે નેપાળ પૂરમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન સેવા શરૂ કરી (Etv Bharat Gujarat/ANI)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 27, 2026 at 8:36 AM IST

2 Min Read
Choose ETV Bharat

વડોદરા: નેપાળમાં ફ્લેશ ફ્લડની ગંભીર ઘટના બાદ ભારતીય પ્રવાસીઓની સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. નેપાળના રસુવા વિસ્તારમાં બુધવારે સવારે આશરે 8 વાગ્યે 30 મિનિટે ભોટે કોશી નદીમાં અચાનક ફ્લેશ ફ્લડ આવ્યું હતું. ફ્લેશ ફ્લડની અસરને પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં રહેલા અને ત્યાંથી પસાર થઈ રહેલા પ્રવાસીઓ અંગે માહિતી એકત્ર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

નેપાળ ટુરિઝમ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રાથમિક અહેવાલ મુજબ વિવિધ ટુરિઝમ અને ટ્રાવેલ એજન્સીઓ પાસેથી મળેલી માહિતીના આધારે કુલ 384 પ્રવાસીઓ ગુમ હોવાની માહિતી મળી છે. અહેવાલમાં દર્શાવાયેલી વિગતો મુજબ કેટલીક ટ્રાવેલ એજન્સીઓ સાથે જોડાયેલા ભારતીય પ્રવાસીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. વિવિધ એજન્સીઓના પ્રાથમિક રેકોર્ડમાં 100થી વધુ ભારતીય પ્રવાસીઓનો ઉલ્લેખ છે. પ્રવાસીઓની ચોક્કસ સ્થિતિ જાણવા માટે ટ્રાવેલ એજન્સીઓ, સ્થાનિક સત્તાધિકારીઓ, સુરક્ષા એજન્સીઓ અને ગાઇડ્સ સાથે સંકલન કરીને માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે.

વડોદરા સાંસદ કાર્યલયે નેપાળ પૂરમાં ફસાયેલા ભારતીયો માટે હેલ્પલાઈન સેવા શરૂ કરી (Etv Bharat Gujarat)

આ સમગ્ર સ્થિતિ વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા સાથે જોડાયેલા પ્રવાસીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ફ્લેશ ફ્લડને કારણે કૈલાશ માનસરોવર યાત્રીઓ લાપતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળના વડાપ્રધાન સાથે વાતચીત કરી છે. ભારત સરકાર દ્વારા નેપાળને જરૂરી તમામ સહાય પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે. ભારતીય નાગરિકોની સુરક્ષા અને તેમની સ્થિતિ અંગે માહિતી મેળવવા માટે વિવિધ સ્તરે સંકલન કરવામાં આવી રહ્યું છે.

નેપાળ પર્યટન બોર્ડની યાદી
નેપાળ પર્યટન બોર્ડની યાદી (Etv Bharat)

દરમિયાન સોશિયલ મીડિયા પર #IndiaInNepal હેશટેગ સાથે મદદની મુહિમ શરૂ કરવામાં આવી છે. નેપાળમાં ફસાયેલા ભારતીય નાગરિકો અંગે માહિતી એકત્ર કરવા અને જરૂરિયાતમંદ લોકો સુધી મદદ પહોંચાડવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરાના સાંસદ અને ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. હેમાંગ જોશીના જણાવ્યા મુજબ વડોદરા સાંસદ કાર્યાલય તરફથી ટીમને એક્ટિવ કરી દેવામાં આવી છે. વડોદરા કે ગુજરાતના કોઈ નાગરિકો નેપાળમાં ફસાયા છે કે નહીં તેની માહિતી મેળવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

વડોદરા સાંસદ કાર્યાલય દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર 7778826034 જાહેર કરવામાં આવ્યો છે. નેપાળમાં ફસાયેલા નાગરિકો અથવા તેમના પરિવારજનો આ નંબર પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત નેપાળમાં પૂર અંગે વડોદરા શહેર અને જિલ્લાના નાગરિકો માટે 1077 હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર પણ મદદ અને માર્ગદર્શન મેળવી શકાશે. સાથે જ 02652427592 નંબર પર પણ મદદ અને માર્ગદર્શન મળી શકશે.

હાલમાં ભારતીય પ્રવાસીઓની માહિતી એકત્ર કરીને તેમનું રાજ્યો પ્રમાણે વર્ગીકરણ કરવાની કામગીરી પણ ચાલી રહી છે. પરિવારજનો પાસેથી મળતી વિગતો અને નેપાળની સ્થાનિક એજન્સીઓ પાસેથી મળતી માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે.

નેપાળ ટુરિઝમ બોર્ડે પણ ઇમરજન્સી સહાય માટે ટોલ ફ્રી નંબર 1234 અને ટુરિસ્ટ પોલીસ હેલ્પલાઇન 1144 સહિતના સંપર્ક માધ્યમો જાહેર કર્યા છે. અસરગ્રસ્ત પ્રવાસીઓને શાંત રહેવા અને સત્તાવાર સુરક્ષા સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

વડોદરા સાંસદ કાર્યાલય દ્વારા પણ નેપાળમાં ફસાયેલા ભારતીયોની માહિતી એકત્ર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. પરિવારજનો પોતાના સ્વજનો અંગે કોઈ માહિતી મેળવી શકતા ન હોય તો જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબરો પર સંપર્ક કરીને વિગતો આપી શકે છે.