મહેસાણાના લાછડીમાં અનોખી પરંપરા: હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર ચાલે છે લોકો, આસ્થા સામે વિજ્ઞાન પણ નતમસ્તક
વિસનગરના લાછડીમાં છેલ્લા 100 વર્ષ કરતા પણ વધુ સમયથી હોલિકા દહન બાદ ધગધગતા અંગારા પર ચાલવાની પરંપરા યથાવત જોવા મળી હતી.

Published : March 3, 2026 at 11:11 AM IST
મહેસાણા: રંગો અને ઉમંગના પર્વ હોળીની ઉજવણી સમગ્ર દેશમાં અનેકવિધ રીતે કરવામાં આવે છે પરંતુ મહેસાણા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે, જ્યાં હોળીની ઉજવણી માત્ર અબીલ-ગુલાલના રંગોથી નહીં, પરંતુ અદભુત આસ્થા, શ્રદ્ધા અને સાહસથી કરવામાં આવે છે. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા લાછડીમાં છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયથી એક એવી રોમાંચક અને અનોખી પરંપરા ચાલી આવે છે, જે જોઈને ભલભલા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ ગામમાં હોલિકા દહન પછી લોકો સળગતા અને લાલચોળ ધગધગતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને માતાજી પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરે છે.
લાછડીમાં વર્ષો જૂની પ્રથા મુજબ ગ્રામજનો દ્વારા હોળી પ્રગટાવવામાં આવી હતી. આ અનોખી પરંપરા અને તે પાછળની માન્યતા વિશે વાત કરતા લાછડી ગામના વતની દક્ષેશ રમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, "અમારા ગામમાં હોલિકા દહનની વર્ષો જૂની પૂરી પરંપરા છે. હોલિકા દહન થયા બાદ જ્યારે અગ્નિ શાંત પડે છે, ત્યારે લોકો એ સળગતા અંગારાની અંદર ખુલ્લા પગે ચાલે છે. આ અમારી માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા છે."
આસ્થાનો અદભુત નજારો અને શ્રદ્ધાનો વિજય
સામાન્ય રીતે અગ્નિનો એક નાનકડો તણખલો કે ગરમ વાસણ પણ જો શરીરને અડી જાય તો આપણે દાઝી જઈએ છીએ અને પીડાથી કણસી ઉઠીએ છીએ પરંતુ લાછડી ગામના લોકો માટે જાણે આ અગ્નિદેવતા સ્વયં શીતળ બનીને આશીર્વાદ આપતા હોય તેવો માહોલ સર્જાય છે. જ્યારે હોળી પ્રગટાવ્યા બાદ મોટા લાકડાં બળીને લાલચોળ અંગારા બની જાય છે, ત્યારે ગામના યુવાનો, વૃદ્ધો અને નાના બાળકો પણ આ સળગતા અંગારા પર ખુલ્લા પગે જરા પણ ડર રાખ્યા વિના નિર્ભયતાથી ચાલી નીકળે છે.
દક્ષેશભાઈ આ ચમત્કારિક ઘટના વિશે વધુમાં જણાવે છે કે, "વર્ષોથી આજદિન સુધી આ પરંપરા નિરંતર ચાલી આવે છે, પરંતુ ક્યારેય અમારા ગામમાં એવો કોઈ જ બનાવ નથી બન્યો કે જેમાં અંગારા પર ચાલવાથી કોઈ વ્યક્તિ દાઝી ગઈ હોય કે કોઈને સહેજ પણ ખરોચ કે ઈજા પહોંચી હોય. આ માત્ર ને માત્ર માતાજીનો ચમત્કાર છે અને લોકોની શ્રદ્ધાનો વિષય છે."
તમામ વર્ગના લોકો જોડાય છે આ પરંપરામાં
આ કોઈ એક જ્ઞાતિ, વર્ગ કે સમાજ પૂરતી સીમિત પરંપરા નથી. લાછડી ગામના તમામ વર્ણના લોકો, અબાલ-વૃદ્ધ સૌ કોઈ ઊંચ-નીચના ભેદભાવ ભૂલીને આ આસ્થાના પર્વમાં હોંશે-હોંશે જોડાય છે. ગામના ચોરે જ્યારે હોળી પ્રગટાવવામાં આવે છે, ત્યારે આખું ગામ ત્યાં એકત્રિત થાય છે. હોલિકા દહન અને માતાજીની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કર્યા બાદ આ શ્રદ્ધાથી ભરેલી પ્રથાની શરૂઆત થાય છે. એક પછી એક ગ્રામજનો ધાર્મિક જયઘોષ સાથે અંગારા પર ચાલવા લાગે છે, અને આસપાસ ઉભેલા લોકો માતાજીના જયકારા લગાવે છે. આ સમયે વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય અને ઉત્સાહથી ભરાઈ જાય છે.
પરંપરાઓનું જતન અને આધુનિક યુગ
આ પરંપરા પાછળનો ચોક્કસ ઐતિહાસિક સંદર્ભ કે શરૂઆત કોણે કરી તે ગામના કોઈ પણ વ્યક્તિને બરાબર યાદ નથી, પરંતુ પેઢી દર પેઢી વડવાઓ દ્વારા શરૂ કરાયેલી આ પ્રથા આજે પણ અકબંધ છે. આધુનિક યુગમાં જ્યાં લોકો દરેક વસ્તુ પાછળ વિજ્ઞાન અને તર્ક શોધે છે, ત્યાં લાછડી ગામની આ પરંપરા આસ્થા અને શ્રદ્ધાની તાકાતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આજના ડીજીટલ અને આધુનિક યુગમાં જ્યાં યુવા પેઢી પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓથી વિમુખ થઈ રહી છે, ત્યારે લાછડી ગામના યુવાનો આ પરંપરાને જીવંત રાખીને એક સકારાત્મક સંદેશ આપી રહ્યા છે.
આ પ્રકારની ઉજવણી માત્ર એક તહેવાર નથી, પરંતુ ગામના લોકો વચ્ચેની એકતા, ભાઈચારો અને સદીઓ જૂની ધાર્મિક આસ્થાને જીવંત રાખવાનો એક નિષ્ઠાવાન પ્રયાસ છે. દર વર્ષે હોળીના પર્વે મહેસાણા પંથકના અનેક વિસ્તારોમાંથી લોકો લાછડી ગામની આ અનોખી હોળીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.
આ પણ વાંચો:

