જૂનાગઢમાં વ્યસન મુક્તિના પ્રતિક વાલમ બાપાની ઢોલ નગારા સાથે નનામી નીકળી, 100 વર્ષથી ચાલે છે અનોખી પરંપરા
જૂનાગઢમાં છેલ્લા 100 વર્ષ કરતા પણ વધારે સમયથી હોળીના દિવસે વાલમ બાપાની નનામી ઢોલ મંજીરાના તાલે અને હર્ષોલાસ સાથે કાઢવામાં આવે છે.

Published : March 3, 2026 at 10:10 AM IST
જૂનાગઢ: વાલમ બાપા આ એ વ્યક્તિનું નામ છે કે જેને વ્યસનના પ્રતિક રૂપે પ્રતિકાત્મક ધોરણે સ્વીકારવામાં આવ્યું છે. જૂનાગઢમાં છેલ્લા 100 વર્ષ કરતા પણ વધારે સમયથી હોળીના દિવસે વાલમ બાપાની નનામી ઢોલ મંજીરાના તાલે અને હર્ષોલાસ સાથે કાઢવામાં આવે છે. વાલમ બાપાનું મોત વ્યસનના કારણે થયું હતું જેથી લોકોમાં વ્યસન મુક્તિ સંદેશો ફેલાય તે માટે વાલમ બાપાની નનામી નીકળે છે. નનામી યાત્રામાં મહિલા,પુરૂષ, બાલ,અબાલ અને વૃદ્ધો જોડાય છે. આ વખતની વાલમ બાપાની નનામી વ્યસન મુક્તિની સાથે વિશ્વમાં ઊભી થયેલી યુદ્ધની સ્થિતિનું શાંતિપૂર્ણ માર્ગે નિરાકરણ આવે તે માટે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
વ્યસનના પ્રતિક વાલમ બાપા હોળીના દિવસે નીકળી નનામી
હોળીના દિવસે જૂનાગઢ શહેરમાં છેલ્લા 100 વર્ષ કરતા પણ વધારે સમયથી વ્યસનના પ્રતિક રૂપે વાલમ બાપાની નનામી કાઢવાની એક વિશેષ પરંપરા જોવા મળે છે. વાલમ બાપાની આ નનામી અંબાઈ ફળીયાથી શરૂ થઈને માંગનાથ મંદિર માંગનાથ બજાર થઈને પરત અંબાઈ ફળીયે પહોંચે છે ત્યારબાદ આ વાલમ બાપાને હોલિકામાં અગ્નિને હવાલે કરવામાં આવે છે.
વ્યસન મુક્તિની સાથે યુદ્ધ શાંતિનો સંદેશ
આ વર્ષે વાલમ બાપાની નનામી વ્યસન મુક્તિના સંદેશાની સાથે યુદ્ધની સ્થિતિમાં શાંતિ પ્રવર્તે તે માટે અનોખી રીતે અંજલી આપવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં અંબાઈ ફળિયાના સામાન્ય શહેરીજનો જોડાયા હતા.

વાલમ બાપાની નનામીમાં જોડાયેલા રશ્મિબેન પંચોલીએ ETV ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ એક અનોખી પરંપરા છે. વ્યસનના મોતના પ્રસંગને હસી ખુશીમાં કઈ રીતે ઉજવી શકાય તે માટેનો એક પ્રયાસ છે. વાલમ બાપા કે જે વ્યસનના પ્રતિક રૂપે માનવામાં આવે છે તેને અંતિમ વિદાય પરંપરાગત અને હળવા અંદાજમાં દર વર્ષે આપવામાં આવે છે.


અમીબેન વૈદે વર્ષો જૂની આ પરંપરા વિશે જણાવતા કહ્યું કે, આ પરંપરા નાગર પરિવારોમાં આજથી 100 વર્ષ પૂર્વે શરૂ થઈ હશે, જેને આજે નવી પેઢીના લોકો આગળ ધપાવી રહ્યા છે. આ પ્રકારની પરંપરા એકમાત્ર જૂનાગઢમાં જોવા મળે છે. અન્ય એક મહિલા મલ્લિકાબેન ત્રિવેદીએ પણ પ્રતિકાત્મક વાલમ બાપાની નનામી નવી પેઢીના લોકોમાં અંતિમ સંસ્કાર કઈ રીતે થઈ શકે? અંતિમ સંસ્કારમાં કેવા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તેનું જ્ઞાન બાળકોને નાનપણથી મળે તે માટે પણ પ્રતિકાત્મક વાલમ બાપાની નનામી ખૂબ જ મહત્ત્વની માનવામાં આવે છે. ખાસ મુંબઈથી વાલમ બાપાની નનામીનો પ્રસંગ ઉજવવા માટે આવેલા માલવિકા બેન ઝાલાએ પણ તેમના જીવનનો આ પહેલો અનુભવ ગણાવ્યો હતો. આ પ્રકારે કોઈ વ્યક્તિના કે જેને વ્યસનના પ્રતિક માનવામાં આવે છે તેની નનામી હર્ષોલ્લાસ ખુશી અને ઢોલ નગારા સાથે નીકળતી જોઈને ખરેખર આનંદ થયો. આ પ્રકારની પરંપરાગત યાત્રા કે પ્રતિકાત્મક રૂપે કોઈ પણ કાર્યક્રમ મુંબઈમાં તેમણે હજુ સુધી માણ્યો જ નથી.

આ પણ વાંચો:

