ETV Bharat / state

લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેને મોટો ઝટકો, સ્પેશિયલ ACB કોર્ટે જામીન અરજી ફગાવી

અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલાની જામીન અરજી સ્પેશિયલ ACB કોર્ટે ફગાવી છે.

લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરને મુશ્કેલી વધી
લાંચ કેસમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરને મુશ્કેલી વધી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 26, 2026 at 12:51 PM IST

1 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલાને સ્પેશિયલ ACB કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. બંને આરોપીઓએ નિયમિત જામીન મેળવવા માટે સ્પેશિયલ ACB કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે બંનેની રેગ્યુલર જામીન અરજી આજે નામંજૂર કરી છે. એટલે લાંચ કેસમાં બંને આરોપીઓને હાલ જામીન મળ્યા નથી.

ACBની કાર્યવાહીમાં ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલા લાંચના કેસમાં ઝડપાયા હતા. સરકારી તંત્રમાં જવાબદાર હોદ્દા પર રહેલા અધિકારી સામે લાંચનો આક્ષેપ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. ACBએ સમગ્ર કેસમાં કાર્યવાહી હાથ ધરી હતી અને ત્યારબાદ બંને આરોપીઓ તરફથી જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલા
ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલા (Etv Bharat Gujarat)

જામીન અરજીની સુનાવણી દરમિયાન સરકારી પક્ષે આરોપીઓની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. સરકારી વકીલ નવીન ચૌહાણે કોર્ટ સમક્ષ આરોપીઓ સામેના આક્ષેપો તેમજ કેસની ગંભીરતા અંગે રજૂઆતો કરી હતી. સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપીઓની ભૂમિકા અને તપાસના મુદ્દાઓને ધ્યાનમાં લેતા તેમને હાલ નિયમિત જામીન આપવાનું યોગ્ય નથી.

સ્પેશિયલ ACB કોર્ટે જામીન અરજી ફગાવી
સ્પેશિયલ ACB કોર્ટે જામીન અરજી ફગાવી (Etv Bharat Gujarat)

સરકારી વકીલ નવીન ચૌહાણે જણાવ્યું હતું કે, સ્પેશિયલ ACB કોર્ટે સમગ્ર મામલાના સંજોગો અને કેસના રેકોર્ડને ધ્યાનમાં લીધો હતો. ત્યારબાદ કોર્ટે ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે તથા તેમના વહીવટદાર ભાવસિંહ ઝાલાની રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી છે.

આ કેસમાં ખાસ વાત એ છે કે અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર જેવા મહત્વના હોદ્દા પર રહેલા અધિકારી સામે ACB દ્વારા લાંચનો કેસ કરવામાં આવ્યો છે. ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી સંબંધિત મંજૂરી, NOC અને અન્ય પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવતી હોવાથી આ વિભાગ સાથે સંકળાયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને ગંભીરતાથી જોવામાં આવે છે. ત્યારે કોર્ટે સરકારની દલીલોને ગ્રાહ્ય રાખી છે અને નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.

  1. EXCLUSIVE: ગુજરાતમાં સરકારી બાબુઓ બેફામ! 3 વર્ષમાં લાંચના 546 ગુના, પહેલા નંબરે ગૃહ વિભાગ
  2. અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે અને વચેટિયો ACBના સકંજામાં, 6 બિલ્ડિંગમાં ફાયર NOCના નામે માંગી હતી લાંચ