મોડાસામાં પ્રથમ વરસાદે જ પાલિકા તંત્રની પોલ ખૂલી,ચાર રસ્તા,બસ સ્ટેશન સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયા
વરસાદ શરૂ થતાં જ શહેરના ચાર રસ્તા, બસ સ્ટેશન, પેલેટ ચોકડી તેમજ અનેક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

Published : July 2, 2026 at 8:59 PM IST
અરવલ્લી: મોડાસા શહેરમાં વરસેલા પ્રથમ જ મુશળધાર વરસાદે પાલિકા તંત્રના પ્રી-મોન્સૂન આયોજનની પોલ ખોલી નાખી છે. વરસાદ શરૂ થતાં જ શહેરના ચાર રસ્તા, બસ સ્ટેશન, પેલેટ ચોકડી તેમજ અનેક સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શહેરના ચાર રસ્તા વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી. અનેક દુકાનોની બહાર પણ વરસાદી પાણી ભરાઈ જતાં વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
અડધો કલાકના વરસાદમાં ઢીંચણ સમા પાણી ભરાયા
રામપાર્ક સોસાયટીથી કલ્યાણ-2 સોસાયટી તરફ જતાં માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાસીઓની અવરજવર પ્રભાવિત થઈ હતી. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પ્રથમ જ વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવા છતાં પાલિકા દ્વારા કરવામાં આવતા પ્રી-મોન્સૂન પ્લાન અને ડ્રેનેજ સફાઈની કામગીરી અસરકારક સાબિત થઈ નથી. જેના કારણે પ્રથમ જ વરસાદમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
સ્થાનિકોએ પાલિકા તંત્રને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કાયમી અને અસરકારક આયોજન કરવાની માંગ કરી છે, જેથી આગામી વરસાદમાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
સ્થાનિકનો આક્ષેપ: 2016થી દર વર્ષે સર્જાય છે આ સ્થિતિ
મોડાસા શહેરમાં પડેલા વરસાદ બાદ અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિક રહીશ વસંતભાઈ જે. વાળંદે આક્ષેપ કર્યો કે, વર્ષ 2016 બાદ નગરપાલિકાએ કુદરતી પાણીના નિકાલનો માર્ગ અવરોધી દીધા બાદ દર વર્ષે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે.તેમણે જણાવ્યું કે છેલ્લા દસ વર્ષથી નગરપાલિકા, કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. 14 લાખ રૂપિયાના ખર્ચે બનાવાયેલી સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન પણ યોગ્ય રીતે કાર્યરત નથી, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ અનેક સોસાયટીઓમાં પાણી ભરાઈ જાય છે. સ્થાનિકોએ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા અરવલ્લી જિલ્લાના લોકોને આજે મેઘરાજાએ રાહતનો અહેસાસ કરાવ્યો છે. યાત્રાધામ શામળાજી, મોડાસા, મેઘરજ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી, જોકે હવામાન વિભાગ દ્વારા હજુ પણ ચોમાસું નબળું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
યાત્રાધામ શામળાજીમાં વરસાદ શરૂ થતાં ભગવાન શામળિયાના મંદિરે જાણે અમી છાંટણા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. લાંબા સમયથી વરસાદની રાહ જોતા ભાવિકો અને સ્થાનિક લોકોએ વરસાદનું સ્વાગત કર્યું હતું. વરસાદને કારણે મંદિર તરફ જવાના માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને યાત્રાળુઓને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં વરસાદને કારણે સમગ્ર યાત્રાધામમાં હરખ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
આતુરતા પૂરી થઈ, ગરમીથી રાહત મળી, ખેડૂતો ખુશ
જિલ્લા મુખ્યાલય મોડાસામાં પણ ધોધમાર વરસાદ વરસતા શહેરના રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. વરસાદને કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. મોડાસા તાલુકાના વણીયાદ, દધાલીયા, સાકરિયા સહિતના અનેક ગામોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો. ખેતરોમાં પાણી પહોંચતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી અને આગામી વાવણી માટે આશા જાગી છે.
મેઘરજ તાલુકામાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણ ખુશનુમા બન્યું હતું. વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.
જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદને કારણે નદીઓ, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો. કેટલાક સ્થળોએ રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ હતી. છતાં લાંબા સમય બાદ આવેલા વરસાદને કારણે લોકો અને ખેડૂતો બંનેએ રાહતનો શ્વાસ લીધો હતો.
જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં ચોમાસું હજુ નબળું રહેવાની સંભાવના છે. તેથી ખેડૂતો આશાભરી નજરે આગામી વરસાદની રાહ જોઈ રહ્યા છે જેથી વાવણી અને ખેતીની કામગીરીને પૂરતો વેગ મળી શકે.
આ પણ વાંચો:

