ઈલેક્ટ્રિકલ એન્જિનિયર બનાવી આપતો ડુપ્લિકેટ ડ્રાઈવિંગ લાયસન્સ, આ રીતે ફૂટ્યો ભાંડો
નવસારી SOGની ટીમે વાંસદામાંથી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સનો ગોરખધંધો કરનાર એક યુવકને ઝડપી પાડ્યો છે.

Published : January 4, 2026 at 7:45 AM IST
|Updated : January 4, 2026 at 8:56 AM IST
નવસારી: નવસારી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ વાંસદા વિસ્તારમાંથી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેમાંથી કુલ 59 જેટલા નકલી અને શંકાસ્પદ ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા છે, જે અસલ જેવા જ દેખાતા હોવાથી લોકો સહેલાઈથી છેતરાઈ જતા હતા.
પોલીસ ટીમે વાંસદાના મહારાજા ગેસ્ટ હાઉસ પાસે વોચ ગોઠવી અને શંકાસ્પદ હાલતમાં ફરતા ચીખલી તાલુકાના વેલણપુર ગામાના જિગરકુમાર ભીખુભાઈ પટેલ નામના યુવકને અટકાવ્યો હતો. તેની પાસે રહેલી બેગની તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે તેમાં મોટી સંખ્યામાં ડ્રાઇવિંગ લાયસન્સ મળી આવ્યા હતા.
મોબાઈલ એપ્લિકેશનથી બનાવતો હતો નકલી લાયસન્સ
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપી જીગર પટેલ આધુનિક ટેક્નોલોજીનો ખોટો ઉપયોગ કરી આ કૌભાંડ ચલાવતો હતો. તે પોતાના મોબાઈલ ફોનમાં ‘PicsArt’ નામની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી લાયસન્સ એડિટ કરતો હતો. ગ્રાહકો પાસેથી તે વોટ્સએપ મારફતે ફોટા અને અન્ય જરૂરી દસ્તાવેજો મંગાવતો હતો. આરોપી પાસે રહેલા પોતાના અસલ ડ્રાઇવિંગ લાયસન્સના ફોટા પર ગ્રાહકની વિગતો જેમ કે નામ, જન્મતારીખ અને લાયસન્સ નંબર બદલી દેતો હતો. ખાસ કરીને લર્નિંગ લાયસન્સના નંબરને જ પાકા ડ્રાઇવિંગ લાયસન્સ તરીકે દર્શાવીને અસલ જેવી જ દેખાતી નકલી કોપી તૈયાર કરતો હતો.

RTO તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો
પોલીસે કબજે કરેલા કુલ 59 ડ્રાઇવિંગ લાયસન્સની ચકાસણી માટે નવસારી RTO કચેરીમાં તપાસ કરાવવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારા તારણો સામે આવ્યા. કુલ 32 લાયસન્સમાંથી 20 લાયસન્સનું કોઈપણ પ્રકારનું ઓનલાઇન રેકોર્ડ જ હાજર નહોતું. જ્યારે 7 લાયસન્સ નંબર અન્ય વ્યક્તિઓના નામે ઇસ્યુ થયેલા હોવાનું બહાર આવ્યું હતું. આ પરથી સ્પષ્ટ થયું કે આરોપી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યો હતો.
ઝેરોક્ષ દુકાનમાંથી પીવીસી પ્રિન્ટ
આરોપી એડિટ કરેલી ફાઈલો લઈને એરુ વિસ્તારમાં આવેલી એક ઝેરોક્ષની દુકાનમાંથી પીવીસી કાર્ડમાં આ નકલી લાયસન્સની પ્રિન્ટ કાઢાવતો હતો. પીવીસી કાર્ડ હોવાને કારણે આ લાયસન્સ દેખાવમાં અસલ જેવા જ લાગતા હતા, જેથી સામાન્ય લોકો અને ઘણી વખત તપાસ એજન્સીઓને પણ શંકા ન જાય. દરેક નકલી લાયસન્સ માટે આરોપી ગ્રાહકો પાસેથી રૂ. 4,000 થી 4,500 સુધીની રકમ વસૂલતો હતો. ઓછી મહેનત અને વધારે કમાણીના લોભમાં તે લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો.
'નવસારી એસોજી ટીમને મળેલી બાતમીને આધારે અમે વોચ ગોઠવી આરોપીની અટકાયત કરવામાં આવી હતી. તેની તપાસ કરવામાં આવતા તેની પાસેથી 59 ડ્રાઇવિંગ લાઇસન્સ મળ્યા હતા, જે તે સમયે આરોપી પોતાની ઓળખ આરટીઓ એજન્ટ તરીકે આપી હતી. 59 ડ્રાઇવિંગ લાઇસન્સ શંકાસ્પદ લાગતા અમે વાંસદા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ આ મુદ્દે દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તમામ ડ્રાઇવિંગ લાઇસન્સને નવસારી આરટીઓ ખાતે ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા જેમાં 59 પૈકી 33 લાઇસન્સ ખોટા મળી આવ્યા હતા અને અન્ય લાઇસન્સ ટુ વ્હીલર થી ફોરવીલરમાં અપગ્રેટ અથવા એક્સપાયર થયેલા અથવા નવું કરવા માટે એણે પોતાના પાસે લીધા હતા અને એનો સુધારો કરી તે ફરી આપવાનો હતો. ખોટા સાબિત થયેલા 33 લાઇસન્સ પૈકી 27નું કોઈ રેકોર્ડ સામે આવ્યો નથી અથવા લાયસન્સ નંબર જ ખોટા હતા બાકીના છ અન્યોના નામના હતા આરોપી જીગરકુમાર ભીખુભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી આ કામ કરી રહ્યો હતો જે પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે અત્યાર સુધીમાં આરોપીએ અંદાજિત 75 ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવ્યા છે.' - પી.વાય. ચિત્તે, પોલીસ ઇન્સ્પેક્ટર, SOG
યુવક સામે પોલીસ કાર્યવાહી
આ મામલે વાંસદા પોલીસ સ્ટેશનમાં આરોપી જિગરકુમાર પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 336(3), 337 અને 340(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓ અથવા દુકાનદારો સંડોવાયેલા છે કે કેમ. તેમજ અત્યાર સુધી કેટલા લોકોને નકલી લાયસન્સ આપવામાં આવ્યા છે તેની પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

