સોમનાથના આંગણે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ...‘જય સોમનાથ’ના નાદથી ગુંજી ઉઠ્યું મહાદેવનું ધામ
આ પર્વ માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અવિસ્મરણીય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સશક્ત પ્રયાસ છે.

Published : January 8, 2026 at 8:57 AM IST
|Updated : January 8, 2026 at 9:34 AM IST
ગીરસોમનાથ: લાખો કરોડો લોકોની આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં 8 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી સુધી 'સોમનાથ સ્વાભિમાન પર્વ'નો ભવ્ય મંગલ પ્રારંભ થયો છે. આ પર્વ માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુનઃનિર્માણની અવિસ્મરણીય ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનો સશક્ત પ્રયાસ છે.
આ ઐતિહાસિક પર્વમાં જોડાવા રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન પર આવી પહોંચતા જ ‘જય સોમનાથ’ અને ‘હર હર ભોલે’ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ભક્તિમય બની ઉઠ્યું હતું. ભગવા ધ્વજ, ભજન-કીર્તન અને હરોળબદ્ધ શિવભક્તોથી સોમનાથ ધામ આસ્થાના મહાસાગરમાં ફેરવાઈ ગયું હતું.
સોમનાથનો ઈતિહાસ વિનાશ સામે સર્જનના વિજયની અમર કથા છે. ઈ.સ. 1026માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈ સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આ આસ્થાકેન્દ્રને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દરેક વખત ભારતવર્ષે પોતાના વીર પુત્રોના બલિદાનથી સોમનાથને ફરીથી ઊભું કર્યું. આ સ્વાભિમાન પર્વ દ્વારા હમીરજી ગોહિલ, વેગડાજી ભીલ સહિત અગણિત શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે.

“અમે માત્ર દર્શન કરવા નથી આવ્યા, પરંતુ અમારા ગૌરવશાળી ઈતિહાસને નમન કરવા આવ્યા છીએ. અનેક આક્રમણો બાદ પણ સોમનાથ આજે ગર્વભેર ઊભો છે, તે આપણી સંસ્કૃતિની અજેયતા દર્શાવે છે. ‘સ્વાભિમાન પર્વ’ અમને 1000 વર્ષના સંઘર્ષની ગાથાનો ભાગ બનાવે છે.” - દેવાંગ જાની,શ્રદ્ધાળુ, સુરેન્દ્રનગર
“રાજકોટથી સીધી ટ્રેન મળતાં યાત્રા સરળ બની. સરદાર પટેલે મંદિરનું પુનઃનિર્માણ કર્યું અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેને વિશ્વસ્તરીય ઓળખ આપી રહ્યા છે. આ સ્વાભિમાનનું સન્માન થતું જોઈ ગર્વ થાય છે.” -જગદીશભાઈ પરમાર,રાજકોટ
“અહીં આવીને સમજાયું કે સોમનાથ માટે કેટલાં લોકોએ પોતાના પ્રાણ અર્પણ કર્યા છે. ટ્રેન જેવી સુવિધા આપી સરકારે અમને આ મહાન વારસાની સાથે જોડ્યા છે, તે બદલ અમે સરકારના આભારી છીએ.” - શ્રદ્ધાળુ

મહત્વપૂર્ણ છે કે, 11 જાન્યુઆરી સુધી ચાલનારા આ સ્વાભિમાન પર્વ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ઐતિહાસિક પ્રસ્તુતિઓ અને કથાઓ દ્વારા સોમનાથની પૌરાણિક તથા શૌર્યગાથા જનજન સુધી પહોંચાડવામાં આવશે. અમદાવાદ, સુરત અને વડોદરાથી પણ વિશેષ ટ્રેનો દ્વારા હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ ધામે ઉમટી પડશે.

