7 વર્ષના મૃત દીકરાને ખભે ઊંચકીને ચાલી નીકળ્યા પિતા, શોકમા ગરકાવ પિતાનો ભાવુક કરી દેતો વીડિયો વાયરલ
સિવિલના અધિકારીઓ અને સ્ટાફની સમજાવટ બાદ પરિવારની સંમતીથી કાયદાકીય રીતે કામગીરી કરીને પુત્રના મૃતહેદને પિતાને સોંપવામાં આવ્યો હતો.

Published : January 24, 2026 at 10:23 AM IST
સુરત: સુરતની સિવિલ હોસ્પિટલમાં સૌ કોઈનું હૈયું હચમચી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ભટાર વિસ્તારમાં રહેતા એક પિતા કે જેના 7 વર્ષના પુત્રના મૃતદેહને ખભે ઉપાડીને હોસ્પિટલના પરિસરમાં અડધો કિલોમીટર સુધી ચાલવું પડ્યું. જે કોઈએ આ દ્રશ્ય જોયું તેઓ પણ ભાવુક બની ગયા હતા.
પિતા પુત્રને લઈને કાયદાકીય કામગીરી વિના જ ઘરે જઈ રહ્યા હતા. બાદમાં સિવિલના અધિકારીઓ અને સ્ટાફની સમજાવટ બાદ પરિવારની સંમતીથી કાયદાકીય રીતે કામગીરી કરીને પુત્રના મૃતહેદને પિતાને સોંપવામાં આવ્યો હતો.
7 વર્ષના દિકરાનું મોત
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શુક્રવારે એક હદય કંપાવી દેનારી ઘટના સામે આવી હતી. જ્યાં પુત્રનું મૃત્યું થયું ને પિતા તેના મૃતદેહને ઉંચકીને આમ-તેમ પરિસરમાં જવા લાગ્યા . બિહારના વતની અને હાલ ભટારના ખોડિયાર નગરમાં રહેતા સરોજ મંડલ મજૂરી કામ કરી પત્ની અને ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવે છે. જેમાં કિશન (ઉંમર ૭ વર્ષ) સૌથી નાનો હતો.
મૃતક બાળકને લાંબા સમયથી હતી ખેંચની બીમારી
મૃતક બાળક કિશનને લાંબા સમયથી ખેંચ આવવાની બીમારી હતી. ગુરુવારે રાત્રે અચાનક તેની તબિયત બગડી અને રાત્રિ દરમિયાન જ તેનું મોત થયું હતું. પુત્રના મોતથી આઘાતમાં આવેલા પિતા સવારે કિશનને સારવાર મળશે તેવી આશા સાથે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. ટ્રોમા સેન્ટર પહોંચતા જ ફરજ પરના તબીબોએ બાળકને તપાસી મૃત જાહેર કર્યો હતો. આ સમાચાર સાંભળતા જ પિતા ભાન ભૂલી ગયા હતા.
મરણ બાદની કામગીરીથી અજાણ હતા પિતા
હોસ્પિટલની મરણ બાદની કામગીરીથી અજાણ અને પુત્રને ગુમાવ્યાના ઘેરા દુઃખમાં પિતા બાળકના મૃતદેહને ખભે ઉઠાવી બહાર નીકળવા લાગ્યા. આ દ્રશ્ય જોઈ સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ. પિતા મેઈન ગેટ સુધી પહોંચી ગયા હતા, જ્યાં સિક્યુરિટી અને અન્ય કર્મચારીઓએ તેમને રોક્યા. સ્ટાફે પિતાને સમજાવ્યું કે કાયદાકીય રીતે મૃતદેહનું પોસ્ટમોર્ટમ જરૂરી છે. જોકે પરિવારની વિનંતી બાદ પોસ્ટમોર્ટમ વિના જ મૃતદેહ સોંપવાની કાર્યવાહી કરવામાં આવી અને ખટોદરા પોલીસ દ્વારા જરૂરી નોંધ લેવામાં આવી હતી.

