ETV Bharat / state

સાબરમતી મોડલનો અભ્યાસ કરવા તેલંગાણા સરકારનું પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં, રિવરફ્રન્ટ જોઈને કહ્યું- ખૂબ સારું લાગ્યું

પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટના આયોજન, નાણાકીય માળખું, નદી શુદ્ધિકરણ પ્રણાલી, પૂર નિયંત્રણ, ગ્રીન ઝોન વિકાસ અને જાહેર સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી.

તેલંગાણા સરકારનું પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં
તેલંગાણા સરકારનું પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 1, 2026 at 9:07 PM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: અમદાવાદથી મહત્વપૂર્ણ રાજકીય અને વિકાસ સંબંધિત ખબર સામે આવી છે. તેલંગાણા સરકારનું પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું અને અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો સ્થળ પર જઈ અભ્યાસ કર્યો. હૈદરાબાદ શહેરની મધ્યમાંથી પસાર થતી મૂસી નદી પર પ્રસ્તાવિત રિવરફ્રન્ટ વિકાસને ધ્યાનમાં રાખીને આ મુલાકાત યોજાઈ હતી.

પ્રતિનિધિમંડળે સાબરમતી રિવરફ્રન્ટના આયોજન, નાણાકીય માળખું, નદી શુદ્ધિકરણ પ્રણાલી, પૂર નિયંત્રણ, ગ્રીન ઝોન વિકાસ અને જાહેર સુવિધાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવી. પ્રોજેક્ટના અમલીકરણ દરમિયાન શહેરી આયોજન અને પર્યાવરણ વચ્ચે સંતુલન કેવી રીતે જળવાયું તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી.

તેલંગાણા સરકારનું પ્રતિનિધિ મંડળ અમદાવાદમાં (ETV Bharat Gujarat)

તાજેતરમાં તેલંગાણા ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા મૂસી રિવરફ્રન્ટ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં લોકસભા સાંસદ કિરણકુમાર રેડ્ડી અને મંત્રી વિકિટિ શ્રીહરિ સહિતના નેતાઓએ જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ સરકારના સમયમાં બનાવાયેલ રિવરફ્રન્ટ મોડલનો આજે દેશભરમાં ઉલ્લેખ થાય છે. જો એ મોડલ ગુજરાત માટે યોગ્ય હતું, તો તેલંગાણા માટે શા માટે યોગ્ય નથી? તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્થ રેડ્ડીએ સ્પષ્ટ કર્યું છે કે મૂસી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પારદર્શક રીતે અને કાયદેસર પ્રક્રિયા અનુસરીને અમલમાં મુકવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામો દૂર કરી અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવશે.

મૂસી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદી શુદ્ધિકરણ, ગટર વ્યવસ્થા સુધારણા, ગ્રીન કોરિડોર, વોકવે, સાયકલ ટ્રેક અને પ્રવાસન સુવિધાઓ વિકસાવવાની યોજના છે. સરકારનો દાવો છે કે નવી ટેકનોલોજી અને આધુનિક ડિઝાઇન સાથે આ પ્રોજેક્ટ હૈદરાબાદના શહેરી વિકાસમાં માઈલસ્ટોન સાબિત થશે.

તેલંગાણાના ભોંગીર લોકસભા વિસ્તારના સાંસદ કિરણકુમાર રેડ્ડીએ જણાવ્યું કે, અમદાવાદમાં મારી અધિકારીઓ સાથે વાત થઈ 1996-97માં રિવરફ્રન્ટ બોર્ડ શરૂ થયું હતું. 2004થી 2014 સુધી આ બનાવવામાં આવ્યું, અહીં એટલા દબાણો હતા, 10,000 પરિવારનું સ્થળાંતર કરવું પડ્યું. આ કામ જોઈને અમને પણ હૈદરાબાદમાં જે મુસી નદી છે, જે નિઝામના સમયમાં બનાવી હતી, તેમાં પણ દબાણો થઈ ગયા હતા. અમારા મુખ્યમંત્રી પણ ત્યાં આવું જ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી અમે આજે હું સાંસદ છું, અમારા ધારાસભ્ય છે, મંત્રી છે, ચેરમેન છે અમે બધા એક જિલ્લાના છીએ અહીં મુલાકાતે આવ્યા છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું કે, નર્મદાની જેમ અમારી પાસે ગોદાવરી નદી છે, ગોદાવરી નદીથી અમે તે જ પાણી આવી રીતે હૈદરાબાદની મુસીમાં લઈને આવીએ, ટુરિઝમ પણ બનશે. અહીં સારો વોક વે બનાવ્યો છે. આવું જ બનાવવા અમારા મુખ્યમ્ંત્રી પ્રયાસ કરી રહ્યા છે. તેથી અમે અહીં આવ્યા. અહીં 10,000 પરિવારનો દબાણ હતું અમારે પણ એવી સ્થિતિ છે તેને ઉકેલવા અમારા પ્રયાસો ચાલુ છે. અહીં ભાજપ સત્તામાં છે તેમણે આ કર્યું, અમારે પણ ત્યાં એવું કરવું છે પણ ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ કહે છે સાબરમતી નદી પર કોઈને પણ વિસ્થાપિત નહોતા કર્યા, પરંતુ અત્યારે મેં અધિકારી સાથે વાત કરી તો બધુ સામે આવ્યું કે 10000 પરિવારનો અન્ય સ્થળે સ્થળાંતરિત કર્યા હતા, અમે પણ પ્રયાસ કરી રહ્યા છીએ પણ અમને ત્યાં મદદ નથી કરતા, એટલે અમે આજે ગુજરાત આવ્યા તેલંગણાના લોકોને એ બતાવવા કે ગુજરાતમાં ભાજપ આ કરી શકે તો તેલંગાણામાં કોંગ્રેસ ન કરી શકે શું? અહીં ભાજપ સરકારે આટલું સારી મોસમ બનાવી તો તેલંગાણામાં કોંગ્રેસ સરકાર પણ સારું કામ કરવા માગે છે.

તેલંગાણા સરકારમાં મંત્રી વિકિટિ શ્રીહરિએ અમદાવાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, આ જોઈને અમને ખૂબ સારું લાગ્યું, અમે પહેલીવાર જોઈ રહ્યા છીએ. અમે મોદીજીનો આભાર માનીએ છીએ, ભલે પાર્ટી અલગ હોય. પરંતુ સારા વિચારનો અમલ તેમણે કરી બતાવ્યો. અમે તે જ બતાવવા માંગીએ છીએ કે મોદીજીએ કર્યું તો કોઈએ વિરોધ ન કર્યો. આ 22 કિમીના વિસ્તારમાં 10,000 પરિવારને કાઢીને અન્ય સ્થળે રાખ્યા. તો અમારો 55 કિમીનો મુસીનો પ્રોજેક્ટ છે, તેમા પણ અમે જણાવ્યું એમ કોંગ્રેસ સરકાર તેલંગાણામાં મુસી પર બનાવવા માગે છે. અમે મોદીજીને વિનંતી કરીએ છીએ કે તમારા અધ્યક્ષને જણાવો કે જેવું ગુજરાતમાં થયું, ગરીબ જનતાને શિફ્ટ કરીને જે બનાવ્યું તેવો પ્રોજેક્ટ અમને પણ મુસી પર બનાવવાની તક આપે. મોદીજી તમે રામચંદ્ર રાવજીને જણાવી દો. અમે જનતાને જણાવવા માંગીએ છીએ જેમ સાબરમતી સારી થઈ એમ મુસી પણ સારી કરવાનો પ્લાન CM રેવંત રેડ્ડીએ બનાવી રાખ્યો છે.

કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે જણાવ્યું કે, અમદાવાદ માટે ગર્વની વાત છે કે તેલંગાણાના મંત્રી અને સાંસદ અને કમિટી ગુજરાતમાં આવી છે. ખાસ કરીને અમદાવાદમાં રિવરફ્રંટ જે આપણે બનાવ્યો. તેમને બધાને જાણ છે કે અમદાવાદમાં કોર્પોરેશનમાં કોંગ્રેસ હતી અને હું અહીં મેયર હતો ત્યારે અમે લોકોએ અમદાવાદ રિવરફ્રન્ટ બોર્ડ બન્યું ત્યારે રાજનીતિ દૂર રાખીને તમામ પાર્ટીના લોકોએ ભાજપ-કોંગ્રેસે વિકાસમાં રાજનીતિ આવવા દીધી નથી.

આ પણ વાંચો:

  1. ગલ્ફમાં ફસાયેલા ગુજરાતીઓની વતન વાપસી માટે સરકાર પગલાં લે: શક્તિસિંહ ગોહિલ
  2. દાહોદમાં કસ્બા નજીક ગૌ રક્ષકની ટીમ ઉપર હુમલો, પોલીસે શરુ કરી તપાસ