ETV Bharat / state

વિસરાતી વાનગી: શિયાળાની ઠંડીમાં અમદાવાદમાં માણો પોંક ચાટનો સ્વાદ; તમે ઘરે પણ બનાવી શકો છો આ રેસિપી

અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2025માં 400થી વધારે વિસરાતી વાનગીઓનો રસથાળ. સ્વાદિષ્ટ ડીશનો સ્વાદ માણવા લોકોની ભારે ભીડ

શિયાળાની ઠંડીમાં અમદાવાદમાં માણો પોંક ચાટનો સ્વાદ
શિયાળાની ઠંડીમાં અમદાવાદમાં માણો પોંક ચાટનો સ્વાદ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 28, 2025 at 1:46 PM IST

|

Updated : December 28, 2025 at 2:49 PM IST

2 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: મકાઇની રાબ, કેળા અને ઓટની બ્રાઉની, ઊંબાડિયું, રાગી લાડુ, મોરિયાના દહીવડા, નારીયલની રબડી, ગુલાબજાંબુ, રાજગરાની સુખડી, રાગની ઇડલી, પાલકની જલેબી, શિંગોડા ચાટ... આ બધી વસ્તુઓના નામ સાંભળીને તમારા મોઢામાં એક વખત તો પાણી આવી જ ગયું હશે. આ વિસરાતી જતી વાનગીઓના નામ કદાચ Zen G જનરેશનને યાદ પણ નહીં હોય અને તેનો સ્વાદ પણ માણ્યો નહીં હોય. અમદાવાદમાં સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આવી જ 400થી વધારે વિસરાતી વાનગીઓનો સ્વાદ માણવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. શિયાળાની સીઝનમાં તમને મૂળાની ઢોકળી કે પોંક ચાટ ખાવાની ઇચ્છા થતી હોય તો આ ફૂડ ફેસ્ટિવલમાં પહોંચી જજો. આ વાનગીને તમે ઘરે પણ બનાવી શકો છો.

સુરતની વિશેષ ડીશ પોંક ચાટ

અમદાવાદમાં પાંચ દિવસ સાત્વિક ફૂડ ફેસ્ટિવલ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ ફેસ્ટિવલમાં ગુજરાતભરમાંથી વિસરાતી જતી વાનગીઓના અનેક સ્ટોલ જોવા મળી રહ્યા છે. ખાસ આણંદથી આવેલા મહિલાએ પ્રથમ વખત ફૂડ ફેસ્ટિવલમાં પોંક ચાટનો સ્ટોલ લગાવ્યો છે જેનો સ્વાદ માણવા માટે લોકો લાઇન લગાવીને ઉભા રહે છે.

શિયાળાની ઠંડીમાં અમદાવાદમાં માણો પોંક ચાટનો સ્વાદ (ETV Bharat Gujarat)

"હું આણંદથી આવી છું. સાત્વિકનું બહુ જ નામ સાંભળ્યું હતું એટલે પ્રથમ વખત અમારો સ્ટોલ અહીં લગાવ્યો છે. અમારી પાસે સુરતની વિશેષ ડીશ છે જેમાં ખાસ કરીને સુરતી પોંક, સુરતી પોંકની ચાટ છે. આ સિવાય સુરણનું શાક, અડદની દાળ પુરી, ફણસનું અથાણું, મિક્સ બાજરીનો લોટ, મૂળાની ઢોકળી, મિક્સ મિલેટ લોટ મૂળાની ઢોકળી, પાનકી છે." ભાવિકા સોની, પોંક ચાટનો સ્ટોલ લગાવનાર મહિલા

શિયાળામાં માત્ર બે મહિના જ પોંક ખાવા માટે મળે છે. પોંક ખાવા માટે અમદાવાદના અનેક વિસ્તારમાંથી લોકો ઉમટી પડે છે. શાહીબાગથી આવેલા મહિલાએ કહ્યું કે, સાત્વિક ફૂડ ફેસ્ટિવલ વિશે બહુ જ સાંભળ્યું હતું. અહીં આવીને ઘણી બધી આઇટમો ખાધી છે. પોંક ખાવામાં ખૂબ જ સારી લાગી રહી છે. જે વસ્તુઓ ક્યાય જોવા મળતી નથી તે અહીં મળી રહી છે. અન્ય એક મહિલાએ કહ્યું કે, જે વાનગીઓ લુપ્ત થતી જાય છે એને ખાવા માટે અહીં આવ્યા છીએ. પોંક, રાગી અંજીર રાબ ખૂબ ટેસ્ટી છે.

અમદાવાદમાં વિસરાતી વાનગીઓનો સ્વાદ માણતા શહેરીજનો
અમદાવાદમાં વિસરાતી વાનગીઓનો સ્વાદ માણતા શહેરીજનો (ETV Bharat Gujarat)
પોંક ચાટને તમે ઘરે પણ બનાવી શકો છો
પોંક ચાટને તમે ઘરે પણ બનાવી શકો છો (ETV Bharat Gujarat)

પોંક ચાટ બનાવવા માટેની સામગ્રી

  • જુવારનો લીલો પોંક (ગરમ કરેલો)
  • ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણા સમારેલા ટામેટાં
  • ઝીણા સમારેલા લીલા મરચાં (સ્વાદ મુજબ)
  • લીંબુનો રસ
  • ચાટ મસાલો
  • મીઠું (સ્વાદ મુજબ)
  • અધકચરી પીસેલી વરિયાળી (વૈકલ્પિક)
  • મરી પાવડર
  • ઝીણી સેવ (પરચીયા માટે)
  • કોથમીર (ગાર્નિશ માટે)

પોંક ચાટ બનાવવાની રીત

પોંક ગરમ કરો: એક તપેલીમાં થોડું બટર અથવા તેલ ગરમ કરો. તેમાં લીલો પોંક ઉમેરી ધીમા તાપે થોડીવાર ગરમ કરો (કડક ન થવા દેવો).

મસાલા ઉમેરો: ગરમ પોંકમાં ચાટ મસાલો, લીંબુનો રસ, મીઠું, વરિયાળી અને મરી પાવડર નાખીને બરાબર મિક્સ કરો.

સમારેલા શાકભાજી ઉમેરો: હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં અને લીલા મરચાં ઉમેરો.

મિક્સ અને સર્વ કરો: બધું બરાબર મિક્સ કરી લો. બાઉલમાં કાઢી, ઉપરથી ઝીણી સેવ અને કોથમીર ભભરાવી ગરમા-ગરમ સર્વ કરો. તમે તેને લીંબુ અને મરીની સેવ સાથે પણ સર્વ કરી શકો છો.

સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં વિસરાતી વાનગીઓનો સ્વાદ માણવા લોકો ઉમટ્યા
સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં વિસરાતી વાનગીઓનો સ્વાદ માણવા લોકો ઉમટ્યા (ETV Bharat Gujarat)
પોંક ચાટને તમે ઘરે પણ બનાવી શકો છો
પોંક ચાટને તમે ઘરે પણ બનાવી શકો છો (ETV Bharat Gujarat)

આ પણ વાંચો:

Last Updated : December 28, 2025 at 2:49 PM IST