તાપી: તરુણીની હિંમતથી લંપટ શિક્ષકનો ભાંડાફોડ, પોલીસની ત્વરિત કાર્યવાહી
ટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લંપટ શિક્ષકની ધરપકડ કરી આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.

Published : February 24, 2026 at 8:45 PM IST
તાપી: શિક્ષણ જગતને કલંકિત કરતી એક ગંભીર ઘટના તાપી જિલ્લામાં સામે આવી છે. વાલોડ તાલુકામાં ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા એક લંપટ શિક્ષક દ્વારા તેના ક્લાસમાં ભણવા આવતી તરુણી સાથે વારંવાર શારીરિક અડપલા અને અઘટિત માંગણીઓ કરવાના આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને લંપટ શિક્ષકની ધરપકડ કરી આગળની કાનૂની પ્રક્રિયા હાથ ધરી છે.
તાપી જિલ્લાના વાલોડ તાલુકોના બુહારી ગામે ધોરણ 10 થી 12 સુધીના વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા અસવર હૈદર શેખ નામના શિક્ષક પર ગંભીર આરોપો લાગ્યા છે. લંપટ શિક્ષક ટ્યુશન ક્લાસ દરમિયાન બહાના બનાવી તરુણીને બાજુના રૂમમાં બોલાવતો અને ત્યાં તેની સાથે બળજબરી પૂર્વક શારીરિક અડપલા કરતો હતો. માત્ર એટલું જ નહીં પરંતુ તે અઘટિત અને અશ્લીલ માંગણીઓ પણ કરતો હતો.
આરોપ છે કે શિક્ષક દ્વારા તરુણીને વારંવાર ધમકાવવામાં આવતી હતી કે જો આ વાત કોઈને કહેશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ ભયના વાતાવરણ વચ્ચે પણ ભોગ બનનાર તરુણીએ હિંમત દેખાડી અને આખી ઘટના તેના વાલીને જણાવી. ત્યારબાદ પરિવારજનોએ તાત્કાલિક વાલોડ પોલીસ મથક ખાતે પહોંચી સત્તાવાર ફરિયાદ નોંધાવી.
ફરિયાદ મળતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું અને આરોપી શિક્ષકને ઝડપી પાડી તેની અટકાયત કરવામાં આવી. પોલીસ દ્વારા ઘટના સ્થળ પર આરોપી સાથે રિકન્સ્ટ્રક્શન કરવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી જેથી સમગ્ર ઘટનાક્રમની હકીકત સમજી શકાય. આ કાર્યવાહી દરમિયાન મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થયા હતા અને પોલીસે ઝડપી પગલાં ભર્યા હોવાથી પોલીસ જિંદાબાદ ના નારા પણ લગાવ્યા હતા. સાથે જ લંપટ શિક્ષક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
પોલીસ દ્વારા આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલુ છે. મહત્વનું એ પણ છે કે પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી શિક્ષક દ્વારા અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે પણ આવી હરકતો કરવામાં આવી છે કે નહીં. જો આવી વધુ ફરિયાદો સામે આવશે તો કેસ વધુ ગંભીર બની શકે છે.
આ સમગ્ર ઘટનાએ શિક્ષણ ક્ષેત્રમાં વિશ્વાસ પર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. જે જગ્યાએ માતા પિતા પોતાના સંતાનોને ભણવા મોકલે છે તે જ સ્થળે આવી શરમજનક હરકતો સામે આવતાં સમાજમાં રોષની લાગણી વ્યાપી છે. હાલ ભોગ બનનાર તરુણીની હિંમત અને પરિવારની સતર્કતા સાથે વાલોડ પોલીસની ત્વરિત કાર્યવાહીથી આરોપી કાયદાની ઝપેટમાં આવ્યો છે. પોલીસ દ્વારા કેસની તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને આવનારા દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:

