રસોડાથી પંચાયત સુધી 'નારી શક્તિ'નું ઉત્કૃષ્ટ ઉદાહરણ, વ્યારા તાલુકાના આ ગામમાં મહિલાઓએ સંભાળ્યું સંપૂર્ણ નેતૃત્વ
અનોખું આદિવાસી ગામ, જ્યાં મહિલાઓનું નેતૃત્વ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્યમાં પણ જોવા મળે છે.

Published : December 31, 2025 at 6:54 PM IST
તાપી : જિલ્લામાં એક એવું અનોખું આદિવાસી ગામ આવેલું છે. જ્યાં મહિલાઓનું નેતૃત્વ માત્ર શબ્દોમાં નહીં, પરંતુ કાર્યમાં પણ જોવા મળે છે. અહીં પંચાયતનું સુકાન હોય કે સરકારી જવાબદારીઓ દરેક જગ્યાએ બહેનો આગેવાની સંભાળી રહી છે. આવો જાણીએ વ્યારા તાલુકાના આ અનોખા ગામની આ પ્રેરણાદાયક કહાની.
આ અનોખું ગામ વ્યારા તાલુકાના ઉત્તર ભાગમાં આવેલું છે. ગામનું નામ છે ચીખલવાવ. આશરે 1700 જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં મોટા ભાગે આદિવાસી સમુદાયના લોકો વસે છે. ખેતી અને પશુપાલન પર નિર્ભર આ ગામનો સાક્ષરતા દર પણ નોંધપાત્ર રીતે ઊંચો છે.
"અમારુ ગામ હાલ 4 વર્ષથી મહિલાઓ સંચાલિત ગામ છે એમ કહીએ તો ચાલે, કેમ કે ગ્રામ પંચાયતમાં 8 સભ્યો અને સરપંચ પણ મહિલાઓ છે. ગામની અંદર પ્રાઈમરી સ્કુલ છે તેમાં પણ આચાર્ય મહિલા છે. ગામમાં ગ્રામ સેવક અને તલાટી પણ મહિલા છે.આ ગામમાં એક આરોગ્ય કેન્દ્ર છે, તેમાં પણ મુખ્ય અધિકારી ડોકટર તરીકે પણ મહિલા છે. સરકારી યોજના હોય કે સરકારી લાભો હોય તે ધર ધર સુધી પહોંચે એવી કામગીરી મહિલાઓએ કરેલી છે. અમે પણ અમારા ગામની મહિલાઓને સહકાર કરીએ છીએ. એકબીજા સાથે ચર્ચા વિચારણા કરીને અમે બધું આયોજન કરીએ છીએ. ગામની અંદર શુભ અને અશુભ પ્રસંગોની પણ તેમની હાજરી હોય છે. અને મહિલાઓ પણ ગામનું ખૂબ સારી રીતે સંચાલન કરે છે." - હસમુખભાઈ ગામીત, પૂર્વ સરપંચ, ચીખલવાવ
પુરુષપ્રધાન સમાજમાં મહિલાઓને સમાન હક અને સત્તા આપવાના ઉદ્દેશ સાથે ગામના આગેવાનો અને વયસ્કોએ એક મહત્વનો નિર્ણય લીધો હતો, તેમણે બહેનોને રસોડાથી બહાર લાવી ગામના વિકાસની જવાબદારી સોંપવાનું નક્કી કર્યું અને આજે મહિલાઓ બખૂબી તેમની જવાબદારીઓ નિભાવી રહી છે.

"ચીખલવાવ ગામની વસ્તી 1501 છે, જેમાં પુરુષોની સંખ્યા 738 અને મહિલાઓની વસ્તી 773 છે. આ ગામની વિશેષતા એ છે કે આ ગામ બે વાર સમરસ ગામ છે. જેમાં બીજીવાર મહિલા સમરસ ગ્રામ પંચાયત છે. જેમાં સરપંચ રક્ષાબેન ગામીત અને બીજા 8 વોર્ડના સભ્યો પણ જે મહીલા છે. આ ગામમાં કંઈ પણ કામ હોય તો તેમાં વિશિષ્ટ યોગદાન મહિલાઓનું હોય છે. આ ગામમાં જોઈએ તો સરપંચ, વોર્ડના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષીકો, આશાવર્કર, આંગણવાડી અને આરોગ્ય કર્મચારીઓ પણ મહીલાઓ છે. મહિલાઓની એક ભાગીદારીને લઈને ગામમાં વિકાસ થઈ રહ્યો છે. " - પ્રીતિ ચૌધરી, તલાટી, ચીખલવાવ ગ્રામ પંચાયત
આદિવાસી બહુલ વસ્તી ધરાવતા ચીખલવાવ ગામ છેલ્લા 2 ટર્મથી સમરસ રીતે પંચાયત ચલાવી રહ્યું છે, પરંતુ છેલ્લી ટર્મમાં ગ્રામજનોએ સર્વસંમતિથી તમામ વોર્ડમાં મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાનું નક્કી કર્યું. પરિણામે આજે પંચાયતનું સમગ્ર સુકાન બહેનોના હાથમાં છે. બહેનોએ પણ આ વિશ્વાસને સાચો સાબિત કર્યો છે.

સરકારી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવો હોય કે સામાજિક વિકાસના કામ દરેક ક્ષેત્રમાં તેઓ આગેવાની લઈ રહી છે. નવાઈની વાત એ છે કે માત્ર પંચાયત જ નહીં, પરંતુ ગામનું આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, આંગણવાડી કેન્દ્ર, તેમજ તલાટી અને ગ્રામ સેવક જેવા ગ્રામ્યવિસ્તારના મહત્વના સરકારી પદો પર પણ બહેનો સેવા આપી રહી છે.

"મારી આ ગામમાં બે વર્ષથી હાલ ગામના વડીલો સાથે મુલાકાત થઈ, આ ગામ આદિવાસી વિસ્તારથી ધેરાયેલું છે. તમામ આદિવાસી કુલ 59 બાળકો છે, જેમાં 34 બાળકો છે અને 25 કન્યા છે. આ ગામમાં કુમારો કરતા કન્યાઓમાં શિક્ષણનું પ્રમાણ સારુ જોવા મળ્યું છે. આ ગામ પશુસાલન અને ખેતીવાડી સાથે સંકળાયેલું હોવા છતા ગામમાં શિક્ષણમાં જાગરુકતા જોવા મળે છે." - હેતલબેન પટેલ, આચાર્ય, પ્રાથમિક શાળા, ચીખલવાવ
પુરુષ પ્રધાન એવા આપણા સમાજમાં જ્યારે મહિલાઓને સમાન હક મળે તો મહિલાઓ પણ તેમની જવાબદારી ખુબ જ જવાબદારી અને નિષ્ઠા પૂર્વક નિભાવી શકે છે, જેનું તાદૃશ્ય ઉદાહરણ તાપી જિલ્લાનું આદિવાસી બહુલ વસ્તી ધરાવતું ચીખલવાવ ગામ ગણી શકાય, અહીં વસતા પુરુષો બહેનોને સમાન હક અને હોદ્દો મળે તે દિશામાં ખરેખર ઉદાહરણરૂપ કામ કરી સમાજમાં એક દાખલો બેસાડી રહ્યા છે.
આ પણ વાંચો...

