તાપી: નેશનલ હાઈવે 53 પર કાર પલ્ટી, CCTVમાં કેદ થયેલા ભયાનક દ્રશ્યો
પૂરઝડપે દોડતી લાલ રંગની સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા પર ત્રણથી ચાર પલટીઓ મારી હતી.

Published : February 24, 2026 at 3:28 PM IST
તાપી: મહારાષ્ટ્રના નવાપુર તાલુકાના વિસરવાડી નજીક નેશનલ હાઈવે નંબર-53 પર એક સ્વિફ્ટ કારનો ભયાનક અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પૂરઝડપે દોડતી લાલ રંગની સ્વિફ્ટ કારના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તા પર ત્રણથી ચાર પલટીઓ મારી હતી.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પૂરે પૂરી રીતે કચ્ચરઘા બની ગઈ હતી. આ દુર્ઘટનામાં બે યુવકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મહત્વની બાબત એ છે કે કારની તપાસ દરમિયાન મોટી સંખ્યામાં દારૂના બોક્સ મળી આવતા દારૂની તસ્કરીની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ અકસ્માતમાં સોનગઢના રહેવાસી રોહિત રાજુ વાઘ અને આકાશ આધારભાઈ પાટીલ નામના બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માત બાદ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. બંને યુવકોને ગંભીર હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટના બાદ કારની તપાસ કરતા તેમાં ટેંગો કંપનીના દારૂના બોક્સ મોટી માત્રામાં મળી આવ્યા હતા. જેના કારણે પ્રાથમિક રીતે દારૂની હેરાફેરી થતી હોવાની શંકા વધુ ગાઢ બની રહી છે.
ઘટનાની જાણ થતાં જ વિસરવાડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. એમ્બ્યુલન્સ સેવાની હડતાલને કારણે પોલીસ અધિકારીઓએ સમયસૂચકતા દાખવી અને માનવતા દર્શાવી ઘાયલોને પોતાના સરકારી વાહનમાં જ વિસરવાડી ગ્રામિણ હોસ્પિટલ ખસેડ્યા હતા.પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે. અકસ્માત પાછળ માત્ર બેદરકારી જવાબદાર છે કે દારૂની હેરાફેરી દરમિયાન આ ઘટના બની તે અંગે પણ તપાસનો દોર ચાલુ છે.
આ પણ વાંચો:

