ETV Bharat / state

તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીઓ એ બજાવવાની થતી ફરજો અને તેની કામગીરી, જાણો વિસ્તારથી...

તલાટી કમ મંત્રી અને મહેસુલ તલાટીએ કેવા પ્રકારના કામો કરવાના થતા હોય છે ? વિવિધ કામો માટે લોકોને કયા તલાટીનો સંપર્ક કરવો ? જાણો વિસ્તારથી...

તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીઓની શું છે ફરજો ?
તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીઓની શું છે ફરજો ? (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 31, 2026 at 12:26 PM IST

7 Min Read
Choose ETV Bharat

જુનાગઢ: રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ મહેસુલ વિભાગ દ્વારા 17 ઓગસ્ટ 2026ના દિવસે મહેસુલી તલાટી અને તલાટી કમ મંત્રીઓએ બજાવવાની થતી ફરજો પર એક જોબ ચાર્ટ જાહેર કર્યો હતો. જેમાં તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીએ બજાવવાની થતી ફરજો અને તેમના દ્વારા થતા કામોનુ સ્પષ્ટીકરણ કર્યું છે. ત્યારે આ અહેવાલમા અમને આપને જણાવીશું તલાટી કમ મંત્રી અને મહેસુલ તલાટી એ કેવા પ્રકારના કામો કરવાના થતા હોય છે. લોકોને આ કામગીરી માટે કયા તલાટીનો સંપર્ક કરવો ?

તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટીની ફરજો

રાજ્યના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તેમજ મહેસુલ વિભાગ દ્વારા તલાટી કમ મંત્રી અને મહેસુલ તલાટીઓ એ બજાવવાની થતી ફરજો અને તેમના જોબ ચાર્ટ 17 ઓગસ્ટ 2026ના દિવસે નિર્ધારિત કર્યા છે, હવે પછી તલાટી કમ મંત્રી અને મહેસુલ તલાટીએ સરકારના નવા પરિપત્ર અંતર્ગત તેમની કામગીરી મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીની કચેરીઓ મારફતે બજાવવાની થશે જેને લઈને કોઈ પણ અરજદારોએ પોતાના કામોને લઈને તલાટી કમ મંત્રી કે રેવન્યુ તલાટી પાસે જવું તેનું સ્પષ્ટીકરણ થયું છે.

ભારતમાં 1953માં પંચાયતી ધારો

દેશ આઝાદ થયા બાદ પ્રથમ વખત 1953માં પંચાયતી ધારો લાગુ પડ્યો હતો. જેમાં મહારાષ્ટ્ર માંથી ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યા બાદ તેનો અમલ 1960માં ગુજરાતમાં શરૂ થયો. આઝાદી પૂર્વે બ્રિટિશ સરકારના વોઇસરોય એન્ડરસન દ્વારા ઈ.સ 1879માં તલાટી મામલતદાર અને કલેક્ટર તેમજ રેવન્યુ વહીવટના 18 જેટલા મુદ્દાને લઈને એક કાયદો બનાવ્યો હતો. આ કાયદા અંતર્ગત આઝાદી પૂર્વે પણ ભારતમાં તલાટી મામલતદાર અને કલેક્ટર કક્ષાનું કામ થતું હતું. બોમ્બે રેવન્યુ કાયદો પણ એન્ડરસને બનાવ્યો હતો. જે અંતર્ગત આઝાદી પૂર્વેના સમયમાં મહેસુલી કામો થતા હતા, ત્યાર બાદ ભારત આઝાદ થતા પંચાયતી ધારો અમલમાં આવ્યો, જેમાં કરવામાં આવેલા કાયદામાં કોઈ પણ પ્રકારનો સુધારો કરવામાં ન આવ્યો, તે જ કાયદા અંતર્ગત તલાટી મામલતદાર અને અન્ય રેવન્યુ અધિકારીઓ આજે પણ કામ કરી રહ્યા છે. એન્ડરસન દ્વારા બનાવવામાં આવેલો કાયદો મહેસુલી કર્મચારી અને અધિકારીઓને લઈને ખૂબ જ ચિવટતાથી બનાવવામાં આવ્યો હોવાને કારણે આજે પણ તેમાં આધુનિક ટેકનોલોજીના યુગમાં કમ્પ્યુટરને બાદ કરતાં કોઈ મોટા સુધારા કે વધારા થયા નથી.

આનંદીબેન પટેલની સરકારમાં રેવન્યુ તલાટી જેવી એક અલગ પોસ્ટ અને કેડર ઊભી કરવામાં આવી
આનંદીબેન પટેલની સરકારમાં રેવન્યુ તલાટી જેવી એક અલગ પોસ્ટ અને કેડર ઊભી કરવામાં આવી (Etv Bharat Gujarat)

આનંદીબેન પટેલ સરકારમાં રેવન્યુ તલાટીનો ઉદય

ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકારમાં રેવન્યુ તલાટી જેવી એક અલગ પોસ્ટ અને કેડર ઊભી કરવામાં આવી. આ તમામ મહેસુલી તલાટીઓ મામલતદાર કચેરીમાં બેસીને કારકુનનું કામ પાછલા 20 વર્ષથી કરી રહ્યા હતા જેનો વિરોધ તાલુકા પંચાયતમાં બેસતા તલાટી કમ મંત્રીએ કર્યો જે મામલો પાછલા ઘણા વર્ષોથી રાજ્યની સરકારમાં વિચારાધિન હતો પંચાયત તલાટી કમ મંત્રીઓ એ રેવન્યુ તલાટીને પણ તેમની જ કેડરમાં સામેલ કરવામાં આવે અને તેમની સમકક્ષ કામો સોંપવામાં આવે આવે જે તે સમયે માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ 20 વર્ષ પછી રાજ્યની સરકારે મહેસુલી તલાટી અને તલાટી કમ મંત્રીની ફરજો અલગ અલગ દર્શાવી છે તેને લઈને હવે મહેસુલી તલાટીઓ સરકારની આ ફરજ પાલનને લઈને વિરોધ કરી રહ્યા છે.

તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીમાં અનેક ભેદભાવ

તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીની કામગીરીમાં પણ અનેક પ્રકારના ભેદભાવો કામ કરતાં તલાટીઓ વચ્ચે જોવા મળે છે, જેને કારણે આ બંને તલાટીની કેડર વચ્ચે વિરોધાભાસ પણ જોવા મળે છે. મહેસુલી તલાટી તરીકે લાગેલો કોઈપણ કર્મચારી નવ વર્ષની નોકરીની ફરજ દરમિયાન મહેસુલી તલાટીમાંથી નાયબ મામલતદારનું પ્રમોશન મેળવે છે. જ્યાં 10 થી 15 વર્ષની નોકરી કર્યા બાદ મહેસુલી તલાટી તરીકે લાગેલો કર્મચારી મામલતદારના પદ સુધી પહોંચી જાય છે, પરંતુ તલાટી કમ મંત્રી તરીકે પંચાયતમાં નોકરીની શરૂઆત કરનાર તલાટી પ્રમોશન મેળવીને વિસ્તરણ અધિકારી સુધી પહોંચે છે, પરંતુ તાલુકા પંચાયત દીઠ એકમાત્ર વિસ્તરણ અધિકારીની જગ્યા હોવાથી પ્રમોશનના કિસ્સામાં પણ તલાટી કમ મંત્રીને અન્યાય થાય છે, તેવી અનેકવાર રજૂઆતો મંડળ દ્વારા કરી છે. મહેસુલી તલાટી વર્ગમાં મામલતદાર ઓફિસ અને અન્ય જગ્યા પર નાયબ મામલતદાર અને મામલતદારોની ખૂબ મોટી જગ્યા હોવાથી નોકરીમાં પ્રમોશનનું પ્રમાણ પણ તલાટી કમ મંત્રી કરતા મહેસૂલી તલાટીને સૌથી વધારે મળે છે. જેને લઈને પણ તલાટી કમ મંત્રીનું કામ કરતા કર્મચારીઓમાં ભારે વિરોધ જોવા મળે છે.

17 ઓગસ્ટ 2026 મુજબ તલાટી કમ મંત્રીએ બજાવવાના કાર્યો

પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા 17 ઓગસ્ટ 2026 ના દિવસે તલાટી કમ મંત્રીઓ એ બજાવવાની ફરજો અને તેમનો જોબ કાર્ડ સરકારના વિભાગ દ્વારા રજૂ કરાયો છે, જે અંતર્ગત તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયતના સચિવ તરીકે તમામ કામગીરી કરવી કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિ અને વિકાસલક્ષી યોજનાઓનું ગ્રામ્ય કક્ષાએ અમલીકરણ કરવું અને હિસાબ જાળવવાની તમામ કામગીરી કરવી. વર્ષ દરમિયાન થતા પરચુરણ ખર્ચ અને ઉપજનો તમામ હિસાબ રાખીને તેની વહીવટી પ્રક્રિયા કરવી. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ લાભાર્થી જાહેર થતા લાભાર્થીઓને પ્રમાણપત્રો જેવા કે આવક જાતિ રહેઠાણ વિધવા સધ્ધરતા વરિષ્ઠ નાગરિક અને વિકલાંગ જેવા તમામ પ્રમાણપત્રોની કામગીરી કરવી, ગ્રામ્ય કક્ષાએ ગામતળ ગૌચર અને પંચાયત હસ્તકની જમીન દબાણ વિશેની વિશેષ કામગીરી, સાર્વજનિક મિલકત, ગૌચર રસ્તા અને ઝાડ, પડતર જમીન, જળાશય, અવેળા, રેતી, માટી, મોરમ જેવી મિનરલ સ્મશાન અને કબ્રસ્તાન તેમજ પાણી બાબતે થયેલા હુકમ પ્રમાણે કામ થાય તે જોવું. આગ, પુર, અછત આપત્તિ અંગે જિલ્લાના ઉપરી અધિકારીને રિપોર્ટ કરવો તેમજ રાહત અને બચાવ કામગીરીમાં જોડાવું, ગ્રામ પંચાયતના સચિવ તરીકેની તમામ કામગીરી કરવી, નામ બદલવા, રેશનકાર્ડ, જાતિના પ્રમાણપત્ર, આવક તથા વિધવા સહાયક એફિડેવિટ કરવું, બીપીએલ યાદીના કાર્ડ આપવાની સાથે બીપીએલ યાદી માટે સર્વે કરી અને તેની યાદીની જાળવણી કરવી. ગ્રામ્ય કક્ષાએ વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ અને આધાર કાર્ડ માટે જન્મનો દાખલો જાતિનું પ્રમાણપત્ર આવકનો દાખલો અને શાળા પરિવહન સુવિધા માટે અંતરનો દાખલો આપવો, લગ્નની નોંધણી અને તેનું પ્રમાણપત્ર, માઈ રમાબાઈ સાત ફેરા સમૂહ લગ્ન યોજના લગ્નનું પ્રમાણપત્ર, જન્મ અને મરણની નોંધણી અને પ્રમાણપત્ર ગ્રામ્ય કક્ષાએ પશુમૃત્યુ, માનવ મૃત્યુ, મકાન, ઝૂંપડા સહાય, ઘર વખરી સહાય, કેશડોલ સહાય અંગે ચૂકવવા પાત્ર થતા લાભાર્થીઓની નિયત નમુનાની દરખાસ્ત તૈયાર કરવી, નાણા પંચની કામગીરી, કેન્દ્ર અને રાજ્ય સરકારની માળખાકીય વિકાસલક્ષી યોજનાનું આયોજન અને તેની દેખરેખ ચુકવણું અને હિસાબ સહિતની તમામ કામગીરી, રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તમામ કામગીરી ગરીબ કલ્યાણ મેળા અંતર્ગતની તમામ કામગીરી, વસ્તી ગણતરીની કામગીરી, ગ્રામ્ય તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરી, ગ્રામ પંચાયતની વિવિધ સમિતિઓની કામગીરી, એટીવીટી યોજના અંતર્ગત આયોજન અને દેખરેખ તેમજ ચુકવણી ઓનલાઇન અને ઓફ લાઈન કામગીરી વિવિધ આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને ચૂકવવાના થતા હપ્તા અંગેની કામગીરી. આવી અલગ અલગ 70 જાતની કામગીરી અને જોબ ચાર્ટ તલાટી કમ મંત્રીઓએ હવેથી બજાવવાના રહેશે, તેવો આદેશ પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરાયો છે.

મહેસુલી તલાટીઓની કામગીરી અને જોબ ચાર્ટ

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 17 ઓગસ્ટ 2026ના દિવસે મહેસુલી તલાટીઓ એ બજાવવાની થતી ફરજો અને તેના કામગીરીને લઈને જોબ ચાર્ટ જાહેર કર્યો છે. જે અંતર્ગત મહેસુલના વિવિધ અધિનિયમો અને નિયમો તેમજ હિજરતી મિલકત તથા અશાંત ધારા અંગેની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારની જમીન સંલગ્ન કામગીરી જેમાં જમીનના રેકોર્ડ સર્વેને લગતી કામગીરી તથા પીએમ સ્વામીત્વ યોજનાની કામગીરી ગામમાં દર વર્ષે થતી પરચુરણ ઉપજના તમામ રેકોર્ડ તૈયાર કરી મંજૂરી મેળવી, વસુલાતી પગલાં ભરવા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની પાત્રતા અર્થે ગ્રામ્ય કક્ષાએ લાભાર્થીઓને આપવાના થતા વિવિધ પ્રમાણપત્રોની કામગીરી પેઢીના વારસાઈ ખેડૂત ખાતેદાર ગ્રામ્ય કક્ષાએ જમીન દબાણ વિશેની કામગીરી સરકારી ખરાબા અને સરકારી જમીન સરકારી મિલકતો જેવી કે ગૌચર, રોડ, ઝાડ, પડતર જમીન, જળાશય, રેતી માટી, જેવી અન્ય ખનીજ મિનરલ્સ સ્મશાન કબ્રસ્તાન પાણી વગેરે બાબતોના થયેલા હુકમ પ્રમાણે કામગીરી થાય તે જોવું, ગ્રામ પંચાયતને સુપ્રત કર્યા સિવાયની અન્ય તમામ કામગીરી કૃષિ રાહત પેકેજ અન્વયે કુદરતી આપત્તિઓના સમયે જાહેર થતાં કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોની અરજી સ્વીકારવી, તેની સ્થળ તપાસ કરી નિયમો અનુસાર વેરિફિકેશન કરી અને સરકારને પહોંચતી કરવી, રેશનકાર્ડમાં ઈ કે.વાય.સી કામગીરી, પુર કે અન્ય આપત્તિમાં ખેતીની જમીનને થયેલા ધોવાણ વગેરે માટેનો સર્વે અને સહાયની કામગીરી મુદ્દત, વીતેલા નાણા તથા મહેસુલી રાહે વસૂલ કરવાની હોય તેવી બાકી લેણાની જમીન મહેસુલ સંહિતાની કલમ 149 થી 155 મુજબ વસુલાત કરવી.

મજુર અદાલત દ્વારા થયેલ રિકવરી સર્ટિફિકેટ રેવન્યુ રાહે વસૂલાત કરવાની કામગીરી, વાર્ષિક હિસાબો અને જમાબંધીની પૂર્તતા હિસાબો સમયસર તૈયાર કરવા અને જમાબંધી ઇન્સ્પેકશન નોટ અંગેના મુદ્દાઓ તૈયાર કરવા સાથણી થી ખેતી માટેની જમીન ફાળવવી કરવાની કામગીરી ગામના ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે જરૂરી દફતરના ઉતારાની કામગીરી, વરસાદ તથા પાકના અહેવાલ તાલુકાની કચેરીએ મોકલવા, અને માહિતી પત્રકોની જાળવણી કરવી, ઉદ્યોગ માટે આઈ એફ પી પોર્ટલની જમીન સંબંધિત ઓનલાઇન કામગીરી, ખેતીવાડી ઈન્સપેક્શનની કામગીરી, ખાસ શરતો અને ખાસ પ્રકારના પટાથી આપવામાં આવેલી જમીનનો ઉપયોગ ઠરાવ મુજબ થયો છે કે કેમ ? તેની ખાતરી કરવી, શરત ભંગ હોય તો કાર્યવાહી કરવી, સરકારી મિલકતો, જમીનો, મિનરલ્સ, ખાલસા મિલકત, હિજરતી મિલકત અને બીન વારસી મિલકતનો હુકમ મુજબ, વહીવટ થાયતે પ્રકારની કામગીરી, જમીન સંપાદન કામગીરી અંતર્ગત પંચ રોજકામ અને નોટિસ બજવણીની કામગીરી જે ગામ અથવા તો શહેરમાં સીટી સર્વે લાગુ પાડવામાં આવ્યો હોય, તેવા વિસ્તારના બિનખેતી બરોનું ગામ રેકોર્ડ બંધ કરવું અને સીટી સર્વે ખાતાને સુપ્રત કરવું, જમીનની મહેસુલનો વાર્ષિક વહીવટ અહેવાલ રજૂ કરવો, વન વિભાગના વિવિધ કાયદાઓમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી અથવા ગ્રામ અધિકારી તરીકે કરવાની થતી કામગીરી, પાક ઉત્પાદન અને જમીન સુધારણા સંબંધી કામગીરી, પાક વીમા અને ઉત્પાદકતાના સચોટ અંદાજ માટે નિયત કરાયેલા પાક કાપણીના અખતરા સમયસર અને સફળતાપૂર્વક પૂરા કરવા તેમજ જીસીઈએસ એપ્લિકેશન પર ઓનલાઇન તેની નોંધણી કરાવવી, કૃષિ રાહત પેકેજ આપવાનું થાય ત્યારે વાવેતરની ચકાસણી કરીને વાવેતરનો દાખલો આપવાની કામગીરી, લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સોંપવામાં આવતી કામગીરી, લાવણી પત્રક જેવા 45 જેટલા અલગ અલગ કાર્યો અને સરકારી ફરજ મહેસુલી તલાટીને રેવન્યુ વિભાગ દ્વારા નવા પરિપત્રથી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો

  1. સુરેન્દ્રનગર: યુવાનોને તલાટીની નોકરી અપાવવાનું કહી પૈસા ખંખેરતો મહેસુલી વિભાગનો ડુપ્લીકેટ ડિરેક્ટર ઝડપાયો, રાજસ્થાનથી ધરપકડ
  2. ગુજરાત યુનિવર્સિટીની નવી પહેલ: હવે નોકરી સાથે ઘરે બેઠા MBA-MCAની ડિગ્રી લઈ શકશો!