ETV Bharat / state

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં ભાવનગરના બે સગા ભાઈ-બહેને ગુમાવ્યો હતો જીવ, કૌટુંબિક ભાઈએ શેર કરી લાગણીઓ

ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાની બહેન હતી કાજલ, આજે ઘરમાં તેમની ખોટ વર્તાય, એક વર્ષ પછી પણ પરિવાર શોકમાં છે.

I-171ની દુર્ઘટનામાં અનેક પરિવારો ઉજ્જડ બની ગયા
I-171ની દુર્ઘટનામાં અનેક પરિવારો ઉજ્જડ બની ગયા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 12, 2026 at 10:26 AM IST

1 Min Read
Choose ETV Bharat

ભાવનગરઃ 12મી જૂન 2025ના રોજ અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171ની દુર્ઘટનામાં અનેક પરિવારો ઉજ્જડ બની ગયા. એમાં ભાવનગર જિલ્લાના તળાજાનાં સગાં ભાઈ-બહેન કાજલબેન અને ભાવેશભાઈનાં પણ મોત થયાં હતાં. આજે એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ પરિવારની યાદો હજુ પણ એટલી જ તાજી અને પીડાદાયક છે. કાજલબેનના પતિ પ્રદીપભાઈ અને કૌટુંબિક ભાઈ નિલેશભાઈ સાથે ઈટીવી ભારતે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે તેમના ડૂસકાં રોકાયા નહીં.

કાજલબેન અને તેમના ભાઈ ભાવેશભાઈ બંને તે દિવસે બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં હતાં. ત્યાં જ વિમાન તૂટી પડ્યું. પ્રદીપભાઈ ઘટનાની ગણતરીની મિનિટો પહેલા જ હોસ્પિટલ પહોંચી ગયા હતા, પરંતુ પત્ની અને સાળાને બચાવી શક્યા નહીં. આજે 1 વર્ષ પછી પણ તેઓ વધારે કંઈ બોલી શકવાની સ્થિતિમાં નહોતા. થોથવાતા અવાજે એટલું જ કહી શક્યા કે, “ઘટના ભૂલી શકાતી નથી.”

પ્લેન ક્રેશમાં ભાવનગરના બે સગા ભાઈ-બહેનના થયા હતા મોત
પ્લેન ક્રેશમાં ભાવનગરના બે સગા ભાઈ-બહેનના થયા હતા મોત (Etv Bharat Gujarat)

પરિવારના કૌટુંબિક ભાઈ નિલેશભાઈએ પીડા વ્યક્ત કરતાં કહ્યું, “કાજલ અને ભાવેશ સગાં ભાઈ-બહેન હતાં. ઘટનાને એક વર્ષ વીતી ગયું, પણ તેમના પિતાને યાદ આવતાં જ ડિસ્ટર્બ થઈ જાય છે. અમે તો આજે પણ ઘરના સભ્યો ખોયા છે એવું જ અનુભવીએ છીએ.”

BJ મેડિકલ હોસ્ટેલ
BJ મેડિકલ હોસ્ટેલ (Etv Bharat Gujarat)

નિલેશભાઈએ જણાવ્યું કે કાજલબેન ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનાં અને અત્યંત શાંત, સૌમ્ય સ્વભાવનાં હતાં. સામે ભાવેશ ઘરનો લાડકવાયો અને મસ્તીખોર હતો. તેણે એમબીબીએસ પૂરું કર્યું હતું અને દરેક સાથે હસી-મજાક કરતો. નિલેશભાઈ કહે છે, “ભાવેશની મસ્તીની પળો આજે પણ યાદ આવે છે. એનું હસવું, એની વાતો... બધું જ તાજું છે.”

BJ મેડિકલ હોસ્ટેલની કેન્ટીન
BJ મેડિકલ હોસ્ટેલની કેન્ટીન (Etv Bharat Gujarat)

પરિવાર ખેતીકામ સાથે સંકળાયેલો છે. સૌ સાથે રહે છે. પરંતુ આ એક વર્ષમાં ઘરનો ઉત્સાહ ઓલવાઈ ગયો છે. નિલેશભાઈ કહે છે, “અમે બધા સાથે છીએ, પણ બે સભ્યોની ખોટ હંમેશા સાલે છે. દરેક તહેવાર, દરેક શુભ પ્રસંગે એ યાદ આવે છે.” આજે પુણ્યતિથિએ પરિવારે ભાવભીની શ્રદ્ધાંજલિ આપી અને શોકમાં ડૂબેલા રહ્યા.

આ પણ વાંચો...

  1. અમદાવાદના એ વ્યક્તિ, જેણે દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાંથી પાયલોટ સહિત 28 મૃતદેહો બહાર કાઢ્યા હતાં
  2. 'સરકારી તપાસ એજન્સીઓ પર પૂરો વિશ્વાસ', વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિએ પુત્ર ઋષભની પ્રતિક્રિયા