શિયાળામાં ચામડી અને વાળની રાખો ખાસ કાળજી, ગંભીર રોગોથી બચવા કરો આ ઉપાય
શિયાળામાં ચામડીની રૂક્ષતા, ખરજવું, સોયરાયસિસ તથા વાળમાં ખોડો અને ખરવાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે.

Published : November 21, 2025 at 4:41 PM IST
જુનાગઢ: શિયાળાની ઋતુને સામાન્ય રીતે દરેક જીવ માટે સૌથી તંદુરસ્ત ઋતુ ગણવામાં આવે છે, પરંતુ આ ઋતુમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર ઘટી જવાથી ચામડી અને વાળને નુકસાન થવાની શક્યતા વધી જાય છે. શિયાળામાં ચામડીની રૂક્ષતા, ખરજવું, સોયરાયસિસ તથા વાળમાં ખોડો અને ખરવાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. આવા હઠીલા રોગોથી બચવા ડૉક્ટર-ડર્મેટોલોજિસ્ટ લોકોને ચામડી તથા વાળની ખાસ સંભાળ રાખવાની સલાહ આપી રહ્યા છે.
શિયાળામાં ચામડી-વાળના રોગોમાં થાય છે વધારો
શિયાળામાં હવામાં ભેજ ઓછું થવાથી ચામડી તથા માથાની ત્વચા સૂકી પડી જાય છે. પરિણામે ખરજવું, સોયરાયસિસ, ખંજવાળ તેમજ માથાની ત્વચા પર ખોડો અને વાળ ખરવાની સમસ્યા વધે છે. આ બધું ટાળવા શિયાળામાં નિયમિત અને યોગ્ય સંભાળ લેવી અત્યંત જરૂરી છે.
ઋતુ પ્રમાણે મોઇશ્ચરાઇઝર અને ક્લિન્ઝરનો ઉપયોગ કરો
શિયાળામાં ચામડીમાંથી કુદરતી તેલ (સીબમ) ઓછું નીકળે છે, જેથી ચામડી સૂકી અને ખરબચડી બને છે. આ સ્થિતિમાં શિયાળા માટે ખાસ બનાવેલા મોઇશ્ચરાઇઝર તથા સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. જો અચાનક કોઈ હઠીલો ચામડીનો રોગ દેખાય તો તુરત જ ડર્મેટોલોજિસ્ટને બતાવવું જરૂરી છે, જેથી ચેપ ફેલાય નહીં.
નહાવાનો સમય અને પાણીનું તાપમાન નક્કી રાખો
ઠંડીમાં લોકો વધુ પડતું ગરમ પાણીથી અને લાંબો સમય નહાવે છે, જે ચામડીને વધુ સૂકી બનાવે છે. નવશેકું પાણીથી માત્ર ૩-૫ મિનિટમાં નહાવું અને નહાધવા પછી તુરત જ ટુવાલથી હળવેથી લૂછીને સારા બોડી લોશન કે મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ. આનાથી ચામડીમાં ભેજ અને તેલનું પ્રમાણ જળવાઈ રહે છે.
મેકઅપ રાત્રે દૂર કરવું અત્યંત જરૂરી
શિયાળામાં લગ્નોની સીઝન હોવાથી મહિલાઓ-પુરુષો ભારે મેકઅપ કરે છે. પરંતુ ઘરે પહોંચ્યા પછી તુરત જ સારા ક્લિન્ઝરથી મેકઅપ સંપૂર્ણ દૂર કરી, ફેસવોશ કરીને ઉચ્ચ ગુણવત્તાવાળું મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે, જેથી મેકઅપની ચામડી પર કોઈ નકારાત્મક અસર ન થાય.
પગના વાઢિયાથી બચવા ખાસ કાળજી
શિયાળામાં પગના તળિયા ફાટવા (ક્રેક્ડ હીલ્સ) ખૂબ સામાન્ય છે. રાત્રે નહાધવા પછી પગની નિર્જીવ ચામડી પ્યુમિસ સ્ટોનથી હળવેથી દૂર કરી, સારું મોઇશ્ચરાઇઝર કે પેટ્રોલિયમ જેલી લગાવી, મોજાં પહેરીને સૂઈ જવાથી આ સમસ્યા ઝડપથી ઓછી થાય છે.આ બધી નાની-નાની કાળજી લેવાથી શિયાળાની મજા માણતાં-માણતાં તમારી ચામડી અને વાળ પણ સ્વસ્થ અને ચમકદાર રહેશે.
આ પણ વાંચો:

