સુરેન્દ્રનગર: કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ નજીક જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ ફેનેક
આ શિયાળને કેમેરામાં કેદ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગે તપાસ કરતાં તે ફેનેક (Fennec) પ્રજાતિનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Published : May 1, 2026 at 10:50 AM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણનો સૌથી વધુ વિસ્તાર આવેલો છે. આ નાના રણમાં મુખ્યત્વે ઘુડખર તેમજ અલગ-અલગ પ્રકારના પશુ-પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળાના સમયગાળામાં વિદેશી પક્ષીઓ પણ અહીં મહેમાન બને છે.
સુરેન્દ્રનગરના કચ્છના નાના રણમાં આવેલા વચ્છરાજ બેટના પાછળના ભાગમાં ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે વિશ્વનું સૌથી નાનું કદ ધરાવતું શિયાળ કેમેરામાં કેદ થયું છે. ગુજરાતમાં શિયાળ લુપ્ત થતી પ્રજાતિમાંનું એક પ્રાણી ગણાય છે. હાલમાં રણ વિસ્તારમાં માત્ર 153 જેટલા શિયાળોની સંખ્યા નોંધાયેલી છે.
આ શિયાળને કેમેરામાં કેદ કર્યા બાદ ફોરેસ્ટ વિભાગે તપાસ કરતાં તે ફેનેક (Fennec) પ્રજાતિનું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સામાન્ય શિયાળ કરતાં આ પ્રજાતિનું કદ ઘણું નાનું હોય છે. તેનું વજન માત્ર એક કિલો જેટલું અને લંબાઈ આશરે એક ફૂટ જેટલી હોય છે. તેનો રંગ ઓછો પીળો કે બદામી હોય છે. આ પ્રાણી રણમાં છુપાઈને રહે છે અને ઉંદર, પક્ષીઓ, તેમના ઈંડા, ગરોળી તેમજ નાના જંતુઓને આહાર તરીકે લે છે.
તપાસ દરમિયાન આ શિયાળની આસપાસના વિસ્તારમાં ઊંડા ખાડા પણ મળી આવ્યા છે, જેના આધારે અનુમાન કરવામાં આવ્યું છે કે આ પ્રાણી ઊંડા ખાડા ખોદીને લાંબા સમય સુધી ત્યાં વસવાટ કરતું હશે.
ઘુડખર અભયારણ્યના ફોરેસ્ટ અધિકારી બી.એમ. પટેલએ જણાવ્યું કે, “પેટ્રોલિંગ દરમિયાન વછરાજબેટના પાછળના ભાગમાંથી આ નાનું શિયાળ કેમેરામાં કેદ થયું છે. તે ફેનેક શિયાળની પ્રજાતિ હોવાની શક્યતા છે. આ પ્રજાતિ ગુજરાતમાં ઓછી જોવા મળે છે. તેના કદ, વજન અને ખાડા ખોદવાની આદતને જોતાં તપાસ ચાલુ છે."
વાસ્તવમાં ફેનેક ફોક્સ (Vulpes zerda) મુખ્યત્વે ઉત્તર આફ્રિકાના સહારા રણમાં જોવા મળે છે. ગુજરાતના નાના રણમાં સામાન્ય રીતે ડેઝર્ટ ફોક્સ (Vulpes vulpes pusilla) અથવા ઈન્ડિયન ફોક્સ જોવા મળે છે. જો આ કેસમાં ખરેખર ફેનેક હોય તો તે અસાધારણ અને મહત્વપૂર્ણ બાબત ગણાશે. ફોરેસ્ટ વિભાગ વધુ તપાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો:

