સુરેન્દ્રનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે ટાગોરબાગને જંતર-મંતર જાહેર કરી વિરોધ, કોંગ્રેસ-આપના 200 કાર્યકરોની અટકાયત
જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ ઉગ્ર બનતા સુરેન્દ્રનગરમાં દિલ્હી જતા યુવકોને રોકાયા બાદ ટાગોરબાગને જંતર-મંતર જાહેર કરી કોંગ્રેસ અને આપ દ્વારા સંયુક્ત વિરોધ પ્રદર્શન શરૂ કરાયું હતું.

Published : October 10, 2026 at 10:16 PM IST
સુરેન્દ્રનગર: જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ હવે ઉગ્ર બનતી જઈ રહી છે ત્યારે અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દિલ્હી જતા વિદ્યાર્થીઓ અને યુવકોને રોકવામાં આવ્યા છે, ટ્રેનો બંધ થઈ ગઈ છે અને દિલ્હી તરફ જતો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. ત્યારે હવે યુવકો, નેતાઓ અને આગેવાનો દ્વારા સુરેન્દ્રનગરમાં જ ટાગોરબાગને જંતર-મંતર જાહેર કરીને વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એક થઈ ગયા હતા અને યુવકોને સાથે રાખીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પરંતુ અલગ-અલગ સ્થળોએ કોંગ્રેસના વધુ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા હતા અને ડિટેઇન પણ કરી લેવામાં આવ્યા હતા. તેમ છતાં પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકી, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ કમલેશ કોટેચા સહિતના 200થી વધુ કાર્યકર્તાઓ ટાગોરબાગના પાછલા દરવાજેથી અંદર ઘૂસી ગયા હતા અને ત્યારબાદ સૂત્રોચ્ચાર અને બેનર સાથે દેખાવો કરીને વિરોધ નોંધાવ્યો હતો.
જ્ઞાનેશકુમારનું રાજીનામું લેવાની માંગ સાથે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જો કે ટાગોરબાગ પોલીસ બંદોબસ્તમાં ફેરવાઈ ગયો હતો. ટાગોરબાગના પાછલા બારણેથી કોંગ્રેસ અને આપના નેતાઓએ પ્રવેશ કરીને વિરોધ નોંધાવતા કોંગ્રેસના નેતાઓ, આપના નેતાઓ અને યુવકોની ધરપકડ કરવામાં આવી હતી અને ડિટેઇન કરીને તેમને સુરેન્દ્રનગર તાલીમ ભવન ખાતે લાવવામાં આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો.
13 ઓક્ટોબરથી 72 કલાકના ઉપવાસ ટાગોરબાગ ખાતે કરવામાં આવશે - નૌશાદ સોલંકી
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે દિલ્હી ખાતે યુવકોને જવા દેવામાં આવ્યા નથી. હવેથી ટાગોરબાગને જ સુરેન્દ્રનગરનું જંતર-મંતર જાહેર કરવામાં આવ્યું છે. 13 ઓક્ટોબરથી સુરેન્દ્રનગરના ટાગોરબાગ ખાતે મોટી સંખ્યામાં શહેરીજનો અને યુવકોને સાથે રાખીને ઉપવાસ કરવામાં આવશે અને 72 કલાક સુધી અન્ન-જળનો ત્યાગ કરવામાં આવશે. કોંગ્રેસ અને આપના નેતાઓ સહિત ગ્રામજનો પણ તેમાં જોડાશે. 13 ઓક્ટોબર સુધી રાત્રિસભાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોમાં જાગૃતિ આવે તે પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો...

