ETV Bharat / state

સુરેન્દ્રનગરના ટાગોરબાગનું 1 કરોડ ખર્ચે ડેવલપમેન્ટ કર્યું છતાં લાઈટો બંધ હાલતમાં, પાણી અને ટોઈલેટની સુવિધાનો અભાવ

ટાગોરબાગનું હાલ ડેવલોપમેન્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે પરંતુ હવે સમસ્યા એ સર્જાય છે કે બગીચાની અંદર કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી.

1 કરોડ ખર્ચ્યા છતાં ટાગોરબાગમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
1 કરોડ ખર્ચ્યા છતાં ટાગોરબાગમાં પ્રાથમિક સુવિધાનો અભાવ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : July 4, 2026 at 10:48 PM IST

3 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારના લોકોને ફરવા માટે અને બાળકોને મોજ મસ્તી કરવા માટે શહેરી વિસ્તારમાં એક માત્ર ટાગોરબાગમાં બગીચો આવેલો છે. સુરેન્દ્રનગર શહેરની વસ્તી બે લાખની છે ત્યારે વઢવાણ, જોરાવનગર, રતનપર અને સુરેન્દ્રનગર શહેરીજનોને ફરવા લાયક તેમજ બેસવા લાયક એકમાત્ર ટાગોર બાગનો બગીચો આવેલો છે. મહાનગરપાલિકા બની ત્યારબાદ આ બગીચાને ડેવલોપમેન્ટ કરવા અંગેનું બજેટ નક્કી કરવામાં આવ્યું અને તેનું ટેન્ડર બહાર પાડી અને એક કરોડ રૂપિયાના ખર્ચે આ બગીચાનું ડેવલપમેન્ટ કામ હાથ ધરવામાં આવ્યું. જોકે હાલ ડેવલોપમેન્ટનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બગીચો લોકો માટે ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે, પરંતુ હવે સમસ્યા એ સર્જાય છે કે બગીચાની અંદર કોઈપણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી. એક કરોડ રૂપિયા ક્યાં વપરાયા તેની સામે પણ હવે સવાલ શહેરીજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે

ટાગોરબાગ બગીચાની અંદર રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં છે. બીજી તરફ ટાગોરબાગ બગીચાની અંદર મહિલાઓ, યુવતીઓ અને નાના બાળકો વધુ પડતા આવતા હોય છે. ત્યારે તેમની સિક્યુરિટી માટેની પણ પૂરતી વ્યવસ્થા ટાગોરબાગના બગીચામાં ઉપલબ્ધ નથી. રાત્રિ દરમિયાન લાઈટો બંધ હોવાના કારણે બગીચાની અંદર મહિલાઓ અને યુવતીઓ આવતા પણ ડરી રહી છે અને બીજી તરફ આવારા તત્વોનો અડ્ડો પણ આ ટાગોરબાગ બની ગયો છે. રાત્રે સિક્યુરિટી ન હોવાના કારણે લુખ્ખા, આવારા તત્વો પણ આ ટાગોરબાગની બગીચાની અંદર આવે છે અને અસામાજિક પ્રવૃત્તિઓ પણ કરતા હોવાનું શહેરીજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

1 કરોડ ખર્ચ્યા છતાં ટાગોરબાગમાં પ્રાથમિક સુવિધાનો અભાવ (ETV Bharat Gujarat)

ઉપરાંત સુરેન્દ્રનગરનો ટાગોરબાગ ડેવલોપમેન્ટ પાછળ રાજકોટની ચિત્રા એજન્સીને કામગીરી આપવામાં આવી હતી. આ એજન્સી દ્વારા ટાગોરબાગની અંદર લાઇટિંગ કરવામાં આવ્યું, ફૂટપાટ બનાવવામાં આવી અને નવા રમત ગમતના સાધનો નાખવામાં આવ્યા હોવાનો દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ પરિસ્થિતિ એવી છે કે રાત્રિ દરમિયાન પણ લાઈટ બંધ હાલતમાં છે. આ ઉપરાંત ટાગોરબાગના બગીચાની અંદર પીવાના પાણી માટેની પરબની સુવિધા ઉપલબ્ધ નથી. નાના બાળકોને જ્યારે માતા-પિતા ટાગોરબાગના બગીચાની અંદર લાવે ત્યારે ટોયલેટની સુવિધા પણ બગીચાની અંદર ઉપલબ્ધ નથી. બગીચાની અંદર તળાવ આવેલું છે ત્યાં પણ ગંદકી અને સ્વચ્છતાનો અભાવ છે.

બગીચા ડેવલોપમેન્ટ પાછળ એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. ત્યારે આ અંગે શહેરીજનોએ પણ યોગ્ય કામગીરી કરી અને વ્યવસ્થિત રીતે વોકિંગ માટેના ફૂટપાથની વ્યવસ્થા તેમજ ટોયલેટ પીવાના પાણીની વ્યવસ્થા, સ્વચ્છતાની વ્યવસ્થા અને સિક્યુરિટીની વ્યવસ્થા અને લાઇટિંગની વ્યવસ્થા ટાગોરબાગ બગીચામાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

રાત્રે ટાગોર બાગમાં આવતા મહિલાઓ અને બાળકોની સુરક્ષા સામે સવાલ - કમલેશ કોટેચા શહેરીજન
સુરેન્દ્રનગર શહેરીજન કમલેશ કોટેચા દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, બગીચાની અંદર એક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પરંતુ ક્યાં વપરાયો તેની સામે સીધા સવાલ થાય છે. માત્ર ચારથી પાંચ જેટલા બાળકોને રમી શકાય તેવા રમકડાઓ નાખી અને બિલ પાસ કરી દેવામાં આવ્યા છે. હાલમાં ટાગોરબાગમાં રાત્રિ દરમિયાન લાઈટો બંધ છે, સિક્યુરિટીનો અભાવ છે. ત્યારે રાત્રે આવતી મહિલાઓ અસુરક્ષા બગીચાની અંદર અનુભવી રહી છે. બગીચાની અંદર પૂરતી સિક્યુરિટી અને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવાની શહેરીજનોએ માંગ કરી છે.

બગીચાના ડેવલોપમેન્ટ માટે પૂરું કામ કરવાના આદેશ આપવામાં આવ્યા છે - રાકેશ રાઠોડ મેયર
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર સાથે આ અંગે ટેલિફોનિક રીતે વાત કરવામાં આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમે પણ ટાગોરબાગની મુલાકાત કરેલી છે. ત્યાં સુવિધાનો અભાવ જરૂર છે પરંતુ આ અંગે એજન્સીને અને કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યા છે અને વ્યવસ્થિત રીતે ટેન્ડર પ્રક્રિયામાં આપવામાં આવેલ એજન્ડા મુજબ કામ કરવામાં આવે તે અંગેની સૂચના આપવામાં આવી છે અને જો તે કામગીરી પૂર્ણ નહીં કરે તો આ એજન્સીને બ્લેકલિસ્ટમાં મુકવા અંગેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરનો એકમાત્ર ટાગોરબાગ ડેવલપમેન્ટ થાય તે માટે નવી ચૂંટાયેલી બોડી પણ પ્રયત્નશીલ છે.

આ પણ વાંચો:

  1. સુરેન્દ્રનગર: જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી BPL કાર્ડ ન નીકળતા વૃધ્ધો સરકારી યોજનાના લાભથી વંચિત
  2. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 3 મહિનાના બાકી પગારને લઈનેમહિલા સફાઈ કર્મચારીઓનો હોબાળા