ETV Bharat / state

સુરેન્દ્રનગર પોલીસે બાઇક ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો, 22 બાઇકોની ચોરીનો ભેદ ઉકેલાયો

ચોરી કરાયેલા બાઇકોના નંબર પ્લેટ અને સ્પેરપાર્ટ્સ બદલીને વેચાણ કરવામાં આવતું હતું, પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

સુરેન્દ્રનગર પોલીસે બાઇક ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો
સુરેન્દ્રનગર પોલીસે બાઇક ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : June 2, 2026 at 6:20 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર : સીટી પોલીસે બાઇક ચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરીને બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે પાંચ ચોરાયેલા બાઇકો સાથે અંદાજે રૂ. 3 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસ દરમિયાન આરોપીઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં કુલ 22 જેટલા બાઇકોની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત નજીકથી શંકાસ્પદ હાલતમાં ઝડપાયેલા બીપીનભાઈ લક્ષ્મણભાઈ પરમાર, રહે. વાઘેલા વાળા,ની પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન તેણે સુરેન્દ્રનગર સીટી વિસ્તારના વિવિધ સ્થળોએ પાર્ક કરાયેલા નવા સ્પ્લેન્ડર સહિતના 5 બાઇકોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.

સુરેન્દ્રનગર પોલીસે બાઇક ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો (Etv Bharat Gujarat)

"ઝડપાયેલી ટોળકી અત્યાર સુધીમાં કુલ 22 બાઇકોની ચોરીમાં સંડોવાયેલી હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ ચોરી કરેલા વાહનો વેચીને મળતા નાણાંનો ઉપયોગ મોજશોખ માટે કરતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે અને હજુ અન્ય ચોરીના ગુનાઓ પણ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે." - વૈદિકા બિહાની, ASP, સુરેન્દ્રનગર

પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું હતું કે બીપીન પરમાર મુખ્યત્વે નવા અને સારી હાલતમાં રહેલા બાઇકોને નિશાન બનાવતો હતો. તે બાઇકની ડુપ્લિકેટ ચાવી તૈયાર કરીને વાહન ચોરી કરતો અને ત્યારબાદ તેને બલભદ્ર ઉર્ફે બળદેવસિંહ ચંદુભા વાઘેલા, રહે. સાણંદવાળા,ને વેચી દેતો હતો. ત્યારબાદ ચોરાયેલા બાઇકોના નંબર પ્લેટ અને કેટલાક સ્પેરપાર્ટ્સ કાઢી નાંખવામાં આવતા અને વાહનોનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ સુરેન્દ્રનગર સીટી, વઢવાણ અને જોરાવરનગર વિસ્તાર સહિત વિવિધ સ્થળોએ પાર્ક કરાયેલા બાઇકોની ચોરી કરતા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં 5 બાઇકો જપ્ત કરવામાં આવ્યા છે, જ્યારે અગાઉની કાર્યવાહીમાં 17 જેટલા બાઇકો પણ કબજે લેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કામગીરી સુરેન્દ્રનગર સીટી પોલીસ મથકના પીઆઇ આર. એમ. સંગાડાના માર્ગદર્શન હેઠળ વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર, રાજદીપસિંહ ડોડિયા, મહાવીરસિંહ બારડ, ધવલસિંહ સિસોદિયા, રાજુભાઈ પઢેરિયા, મનસુખભાઈ જમોડ અને નેત્રમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. પોલીસની આ કામગીરીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાએ પણ બિરદાવી હતી.

આ પણ વાંચો...

  1. અમદાવાદ રિંગ રોડ પરથી ઝડપાયો બાઈક ચોર, શહેરભરના 19 ગુનાઓનો ભેદ ઉકેલાયો
  2. 11 વર્ષે ઝડપાયો સુરતનો "બાઈક ચોર", ક્રાઇમ બ્રાન્ચે દેવભૂમિ દ્વારકાથી પકડ્યો