સુરેન્દ્રનગરમાં હજુ 20 હજાર ખેડૂતોને પાક નુકસાનની સહાય નથી મળી, ખેતીવાડી અધિકારીએ શું કારણ આપ્યું?
સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ 72 હજાર ખેડૂતોને પાક નુકસાન વળતર અંગેની સહાય ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.

Published : January 5, 2026 at 3:27 PM IST
સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબર મહિનામાં આફતરૂપી માવઠું વરસવા પામ્યું હતું. જેને લઈ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કપાસ-મગફળી જેવા તૈયાર પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું અને રાજ્ય સરકાર દ્વારા આ નુકસાનમાંથી ખેડૂત ઉભો થઈ શકે તે માટે 10 હજાર કરોડ રૂપિયાનું પાક નુકસાન વળતર પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ફોર્મ ભરવાની પ્રક્રિયા કરી અને ત્યારબાદ સહાય ચુકવણીની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ 92 હજાર ખેડૂતો દ્વારા પાકમાં નુકસાન ગયા હોવા માટે અને માવઠાથી નુકસાન હોવા માટેની પાક સહાયની રકમ મેળવવા અને લાભ લેવા માટે ફોર્મ ભરાયા હતા
જિલ્લામાં 624 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ
ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કૃષિ વિભાગ દ્વારા ફોર્મ ભરનાર ખેડૂતોને સહાયની ચુકવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં બે હેક્ટરની મર્યાદામાં 44 હજાર જેટલી સહાય પ્રતિ એક ખેડૂતને ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 1 લાખ 72 હજાર ખેડૂતોને પાક નુકસાન વળતર અંગેની સહાય ચુકવણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને હજુ પણ 20 હજાર જેટલા ખેડૂતો સહાયથી વંચિત છે. ત્યારે 624 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હોવા છતાં પણ ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા ન થતા અંતે ખેડૂતો ખેતીવાડી કચેરી ખાતે દોડી આવ્યા છે અને રજૂઆત કરવામાં આવી છે.
ગોવિંદ પરમાર નામના ખેડૂતે જણાવ્યું કે, ખરીફ સીઝનમાં કપાસ, મગફળી અને શાકભાજીનું વાવેતર કર્યું હતું. ખરીફ સીઝનમાં દિવાળીમાં માવઠાના કારણે અમારા પાક ફેલ થયા એમાં સરકારે 10 હજાર કરોડની સહાય જાહેર કરી પણ અમારા જિલ્લા સુરેન્દ્રનગરમાં 500 કરોડ ફાળવ્યા હોવાનું કહે છે, એમાં 30 ટકા ખેડૂતોને પૈસા આવ્યા છે અને હજુ 60 ટકા ખેડૂતોને બાકી છે અને કચેરીના હાલ અમે ધક્કા ખાઈ છીએ. પહેલા કે DBT કરાવો, એ કરાવ્યું બેંકમાં ક્લિયર કરાવ્યું તો કહે છે તમારા ફોર્મ સ્વીકારાયા નથી, તમારું બિલ બનવામાં છે, 2 મહિના થયા પણ અમારા ખેડૂતના ખાતામાં પૈસા જમા થયા નથી.
તો ભરત દલવાડી નામના ખેડૂતે કહ્યું, સહાયના પૈસા હજુ આવ્યા નથી. વઢવાણ ગયા હતા તો ત્યાં કહ્યું તમારે બેંકમાં DBT કરાવવું પડશે, એ કરાવ્યું પણ હજુ કંઈ પૈસા આવું છે નહીં, અહીં ધક્કા ખાઈએ છીએ. એવું કહ્યું છે કે અઠવાડિયામાં આવી જશે.
મદદનીશ નિયામક ખેતીવાડી અધિકારી કે.સી ઠાકોરે આ અંગે જણાવ્યું કે, જે ખેડૂતોને ડીબીટી નથી કરાવવામાં આવી અથવા જન ધન ખાતા હોય તો તેની લિમિટ 10 હજાર રૂપિયા સુધીની ટ્રાન્સફરની હોય છે. સામે સહાયની રકમ 22 હજારથી લઈ 44 હજાર સુધીની ચૂકવવામાં આવી રહી છે. જેને લઇને વળતરની રકમ ટ્રાન્સફર નથી થઈ રહી. આ ઉપરાંત બેંકમાં ખાતામાં જરૂરી ડોક્યુમેન્ટ લિંકના હોવાના કારણે પણ ખેડૂતોનું પેમેન્ટ અટકી ગયું છે. ખેડૂતો ટૂંક સમયમાં બેંકનો સંપર્ક સાધી અને તેમના ખાતામાં આવતી ક્વેરી છે તે દૂર કરે. ત્યારબાદ તેમને સહાયની રકમ ખાતામાં જમા થઈ જશે, તેવી હૈયાધારણા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે. હજુ પણ 20 હજાર જેટલા ખેડૂતો પાક નુકસાન વળતરથી વંચિત છે. ત્યારે બેંકનો સંપર્ક કરી અને જે ખામીઓ છે તે દૂર કરે ત્યારબાદ સહાયની રકમ જમા થશે તેવું ખેતીવાડી અધિકારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો:

