ETV Bharat / state

સુરેન્દ્રનગર NA જમીન કૌભાંડ: મામલતદાર, કલાર્ક અને તત્કાલીન કલેક્ટરના PA સસ્પેન્ડ; અધિક કલેક્ટર સામે કાર્યવાહીના એંધાણ

જયરાજસિંહ ઝાલા, મયુરસિંહ ગોહિલ તથા મામલતદાર મયુર દવે અને અધિક કલેક્ટર આર. કે. ઓઝા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર NA જમીન કૌભાંડ: મામલતદાર, કલાર્ક અને તત્કાલીન કલેક્ટરના PA સસ્પેન્ડ
સુરેન્દ્રનગર NA જમીન કૌભાંડ: મામલતદાર, કલાર્ક અને તત્કાલીન કલેક્ટરના PA સસ્પેન્ડ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : February 27, 2026 at 10:41 AM IST

3 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં જમીનો બિનખેતી કરવા માટે કૌભાંડ આચરવામાં આવતા હોવા મુદ્દે ઇડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલની અટકાયત કરી લેવામાં આવી હતી. આ ઉપરાંત નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના વઢવાણ ખાતે આવેલા નિવાસ્થાને દરોડા પાડી અને 67 લાખ રૂપિયા રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. આ મુદ્દે જિલ્લા ના તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલના ઘરે પણ દરોડા પાડી મોબાઈલ ફોન, લેપટોપ, પેન ડ્રાઈવ અને પૈસા લેતી-દેતીના હિસાબો જપ્ત કરવામાં આવ્યા હતા અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી/

જોકે આ અંગે તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આ દિશામાં તપાસ ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડથી વધુની આર્થિક લેવડ-દેવડના હિસાબો મળ્યા હતા. જેમાં જમીન ખેતી NA કરવા પાછળ રૂપિયા પડાવવામાં આવતા હોય અને તે સમગ્ર રેકેટ ચલાવવામાં આવતા હોવાનો ધડાકો થયો હતો. આ મુદ્દે તાજેતરમાં જ ઇડી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલ, તેમના PA જયરાજસિંહ ઝાલા, મયુરસિંહ ગોહિલ તથા મામલતદાર મયુર દવે અને અધિક કલેક્ટર આર. કે. ઓઝા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ તેજ શરૂ કરવામાં આવી છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે, કટકીની જે રકમ લેવામાં આવતી હતી તેના 50% હિસ્સો તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ લેતા હતા અને તેનો વહીવટ તેના પીએ જયરાજસિંહ ઝાલા હસ્તક ચાલતો હતો. આ ઉપરાંત 25% રકમ સુરેન્દ્રનગરના અધિક કલેક્ટર આર. કે. ઓઝા લેતા હોવાનું પણ સામે આવ્યું છે. 5 % રકમ મામલતદાર મયુર દવે લેતા હતા.

સમગ્ર કૌભાંડ કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આ અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. ઈડી વિભાગ દ્વારા સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ દાખલ કર્યા બાદ હવે કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર રાજેન્દ્ર પટેલના અંગત ગણાતા મામલતદાર મયુર દવેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે પોતે પાંચ ટકા હિસ્સો લેતા હોવાનો ધડાકો થયો છે. તેમને પ્રથમ તબક્કામાં ગાંધીનગર મહેસુલ વિભાગમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમનું હેડ ક્વાર્ટર ડાંગ આપી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત ક્લાર્ક તરીકે ફરજ બજાવતા મયુરસિંહ ગોહિલને અને તત્કાલીન કલેકટરના પીએ જયરાજસિંહ ઝાલાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

હવે ટૂંક જ સમયમાં અધિક કલેક્ટર આર. કે. ઓઝા સામે પણ કાર્યવાહી થવાના એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે. જમીન NA કૌભાંડમાં કલેકટર ઓફિસના ભષ્ટાચારી અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે.

DDOને જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ

દરોડા બાદ ડો. રાજેન્દ્રકુમાર પટેલને સામાન્ય વહીવટ વિભાગના હવાલે કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિકને જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. કે. એસ. યાજ્ઞિકે તાત્કાલિક અસરથી કલેક્ટર તરીકેની જવાબદારી સંભાળી લીધી હતી અને વહીવટી કામગીરીમાં સતતતા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે.

PMO ઓફિસમાં રજૂઆત

ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામના અરજદાર દ્વારા પીએમઓ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ દરોડા પાડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો છે. અંદાજિત 850 કરોડથી વધુના ખર્ચથી સોલાર પ્લાન્ટ ઊભો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ફરિયાદી અશ્વિન પટેલ દ્વારા આ અંગે રેવન્યુ વિભાગ ઘુડખર અભ્યારણ વિભાગ ફોરેસ્ટ અધિકારીઓ અને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હતી, તે છતાં પણ કોઈ પગલા ભરવામાં ન આવ્યા હોવાના કારણે અંતે પીએમઓ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી હતી. 60 કરોડનો પ્લાન બતાવી 850 કરોડથી વધુનો પ્લાન નાખવામાં આવ્યા હોવાની રજૂઆત ફરિયાદી દ્વારા કરવામાં આવી હતી. નજીકમાં ઘુડખર અભ્યારણ હોવાના કારણે આજુબાજુના પ્રાણીઓની સુરક્ષા માટે વ્યવસ્થા કરવાની હોય છે. તે વ્યવસ્થા ન કરવામાં આવી હોય અને પ્લાન ગેરકાયદેસર ઉભો કરવામાં આવી હોવાની રજૂઆત અધિકારીઓ સામે પીએમઓ ઓફિસ ખાતે કરવામાં આવી હતી. આ સંદર્ભે 7 વખત સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ પ્રશ્નનો નિવેડો ન આવતા અંતે ફરિયાદી દ્વારા પીએમઓ ઓફિસમાં ઓનલાઈન અરજી કરવામાં આવી હોવાનું નિવેદન આપવામાં આવ્યું છે.

સોલાર કંપની દ્વારા પ્લાન્ટ ઉભો કરી નાખવામાં આવ્યો છે પરંતુ ખેડૂતોને વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા અને આ ઉપરાંત રોજની 40 લાખ રૂપિયાની વીજળી ઉત્પાદન કરવામાં આવી રહી છે. રેવન્યુ વિભાગ અને ખેડૂત ખાતેદારોની પણ પરમિશન લેવામાં ન આવી હોવાનું ફરિયાદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: