સુરેન્દ્રનગર: 120 કરોડનો મિલકત વેરો વસૂલવા મહાનગરપાલિકાની કાર્યવાહી શરૂ, 2200 એકમોને નોટિસો ફટકારી
બીજી બાજુ ગણપતિ ફાટસર વિસ્તારના 3 હજાર મકાનોનો વેરો લેવા કોઈ તૈયાર જ નથી

Published : February 25, 2026 at 8:14 PM IST
સુરેન્દ્રનગર: માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બાકી લેણાં વસૂલવા માટે એક્શન મોર્ડ આવી ગઈ છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલા 2200 જેટલા એકમોને 120 કરોડથી વધુનું રકમનું બાકી વેરાની વસૂલાત માટે નોટિસ ફટકારવામાં આવી છે અને પ્રથમ તબક્કામાં આ વેરો ન ચૂકવનાર એકમો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેને લઇને સુરેન્દ્રનગર શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં આવેલ કોમર્શિયલ અને રહેણાંક મકાનોને પણ નોટિસો આપી આજથી કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની અલગ અલગ 22 જેટલી ટીમોને આ મુદ્દે કામે લગાવવામાં આવી છે. હાલના તબક્કે 50 જેટલા એકમો સીલ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે લોકો ટેક્સ નહીં ભરે અને બાકી કરવેરો હશે તો તેમની મિલકત અને નળ કનેક્શન કાપી નાખવાની તૈયારી પણ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમ દ્વારા દેખાડવામાં આવી છે.
મહાનગરપાલિકાની કાર્યવાહી શરૂ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ટેક્સ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સુરેન્દ્રનગર શહેરની જનતા પાસેથી 120 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલવાનો બાકી છે જેમાં 450 થી વધુ સરકારી કચેરીઓએ પણ ટેક્સ નથી ભર્યો ત્યારે તેમને પણ નોટિસો ફટકારવામાં આવી છે. 2200 જેટલી નોટિસો કાઢી અને માર્ચ એન્ડિંગ પહેલા 120 કરોડનો બાકી વેરાની વસુલાત કડક કાર્યવાહી સાથે હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 50 જેટલા કોમર્શિયલ અને રહેણાંક મકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે એકમો દ્વારા વેરો નથી ભરવામાં આવ્યો તે વેરો વસુલાત કરવામાં આવી રહ્યો છે અને વેરો ન ભરતા મકાનોના નળ કનેક્શન કાપી નાખવામાં આવી રહ્યા છે અને મહાનગરપાલિકાની અન્ય મળતી સુવિધાઓથી પણ તેમને વંચિત રાખવામાં આવશે તેવું ટેક્સ અધિકારી મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે.
વેરો ભરવો છે પણ કોઈ લેવા તૈયાર નથી - સ્થાનીક
બીજી તરફ સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલા અંદાજિત 3,000 થી વધુ મકાનોનો વેરો કોઈ તંત્ર લેવા માટે તૈયાર નથી. આ વિસ્તારના લોકો જ્યારે ટેક્સ ભરવા જાય ત્યારે મહાનગરપાલિકા ટેક્સ સ્વીકારવા તૈયાર નથી. વઢવાણ કરવેરાની ઓફિસે પણ તેમના ટેક્સ વસૂલવામાં નથી આવતા કે સુરેન્દ્રનગરની કરવેરા કચેરીઓમાં પણ તેમના ટેક્સ વસૂલવામાં નથી આવતા. પરિણામે આ વિસ્તારના લોકો હવે ભયમાં મુકાયા છે રાજકોટના જંગલેશ્વરમાં બનેલી ઘટના બાદ આ વિસ્તાર પણ તે જ રીતે મહાનગરપાલિકા ડિમોલેશન કરી નાખશે.
સ્થાનીકો જણાવે છે કે, નગરપાલિકા કે મહાનગરપાલિકા તેમનો મકાનવેરો સ્વીકારી રહી નથી જેના કારણે તેમને મૂળભૂત જરૂરિયાતોની રજૂઆત કોની પાસે કરવી તેની અવઢવ રહે છે. વિસ્તારનો વિકાસ પણ થતો નથી. અધિકારીઓ એવું જણાવી રહ્યા છે કે આ વિસ્તાર સુડા માં આવી રહ્યો છે ત્યારે ટેક્સ ન ભરતા હોવા મુદ્દે આ વિસ્તારમાં મહાનગરપાલિકા પૂરતું ધ્યાન નથી આપી રહી રોડ રસ્તા પ્રાથમિક સુવિધા નો પણ અભાવ છે અને હવે તો ડર એ છે કે જંગલેશ્વરમાં જે ઘટના બની તે અમારા દસ્તાવેજ દ્વારા મકાનો ઉપર પણ ન બને મહાનગરપાલિકા તાત્કાલિક તમામ પ્રકારના કર હમારી ઉપર લગાવી દે અને આ વિસ્તારનો વિકાસ કરે તેવી અમારી માંગ છે.
આ પણ વાંચો:

