ETV Bharat / state

વઢવાણ લીંબડી બ્રાન્ચની કેનાલના અધુરા રીપેરીંગ કામ રાખવા મુદ્દે ખેડૂતોમાં રોષ

નર્મદાની કેનાલના રીપેરીંગમાં ખેડૂતો સાથે રાગદ્વેષનો ઘાટ 40 કિલોમીટરમાંથી 350 મીટરનો કટકો બાકી, વઢવાણ નજીક કેનાલ જર્જરીત

નર્મદાની કેનાલના રીપેરીંગમાં ખેડૂતો સાથે રાગદ્વેષનો ઘાટ 40 કિલોમીટરમાંથી 350 મીટરનો કટકો બાકી
નર્મદાની કેનાલના રીપેરીંગમાં ખેડૂતો સાથે રાગદ્વેષનો ઘાટ 40 કિલોમીટરમાંથી 350 મીટરનો કટકો બાકી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 18, 2026 at 2:50 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરેન્દ્રનગર : હાલના તબક્કામાં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાની નર્મદાની કેનાલોના રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યા છે. તમામ કેનાલોના રીપેરીંગ કામ 10 જૂન સુધીમાં પૂરા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. અલગ અલગ એજન્સીઓને કામગીરીની સોંપણી કરી અને ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને રીપેરીંગ કામ હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ આ રીપેરીંગ કામમાં ખેડૂતો સાથે રાગદ્વેષ રાખવામાં આવતા હોવાનો ઘાટ સર્જાયો છે.

બાળાથી વધુ લીંબડી જતી નર્મદાની કેનાલ આશરે 40થી વધુ કિલોમીટર લાંબી છે. આ કેનાલ રીપેરીંગ કામ પાછળ અંદાજિત 18 કરોડ રૂપિયાનો ખર્ચ કરવા અંગે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. અલગ અલગ 6 જેટલી એજન્સીઓને રીપેરીંગ કામની પ્રક્રિયા સોંપવામાં આવી છે, પરંતુ વઢવાણ નજીક કેનાલનું રીપેરીંગ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રીપેરીંગ કામ રાખવા મુદ્દે ખેડૂતોમાં રોષ (Etv Bharat Gujarat)

ખેડૂતો દ્વારા આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. 40 કિલોમીટરથી વધુની લાંબી કેનાલ રીપેરીંગ થઈ રહી છે, પરંતુ વઢવાણ નજીક 350 મીટરનો કટકો જ્યાં કેનાલ અત્યંત જર્જરીત બની ગઈ છે અને ગાબડાઓ પડી ગયા છે, તેનું કામ બાકી રાખવામાં આવ્યું છે. ખેડૂતોના ખેતરોમાં આ ગાબડા પડી ગયા હોવાના કારણે પાણી ભરાય છે. જ્યારે નર્મદાની કેનાલમાં પાણી ચાલતું હોય ત્યારે ભેજ પણ આવી રહ્યો છે. આજુબાજુની 500 વીઘાથી વધુની જમીન બંજર બનતી જઈ રહી છે. હવે આ કેનાલ રીપેરીંગ કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ ગંભીર થશે અને ખેડૂતોની કીમતી જમીન કોઈ કામની નહીં રહે.

40 કિલોમીટર લાંબી કેનાલ રીપેરીંગ કરવામાં આવ્યું, પરંતુ 350 મીટરનો કટકો વચ્ચે બાકી રાખી દેવામાં આવ્યો અને ત્યારબાદ આગળની રીપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખેડૂતો દ્વારા આ અંગે અધિકારીઓને ટેલીફોનિક રીતે રજૂઆત કરવામાં આવતા અધિકારીઓએ જણાવ્યું હતું કે 350 મીટર રીપેરીંગ કામ અંગેનું ટેન્ડર થયું નથી અને નિર્ણય પણ કરવામાં આવ્યો નથી, એટલે રીપેરીંગ કામ નહીં થઈ શકે. પરંતુ હાલમાં આ 350 મીટરની કેનાલ અત્યંત ખરાબ હાલતમાં છે, ત્યારે તેનું પણ રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી વઢવાણના ખેડૂતોએ માંગ કરી છે.

તાત્કાલિક ધોરણે બાળાથી લીંબડી જતી નર્મદાની કેનાલનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ કરતા સ્થાનિક ખેડૂત ચંદ્રકાંત પરમારે જણાવ્યું હતું કે, "દર વર્ષે કેનાલોમાં પાણી છોડવામાં આવે ત્યારે ગાબડાઓ પડી ગયેલી હાલતમાં છે. આ ગાબડાઓમાં ભેજ આવે ત્યારે કેનાલોમાંથી પાણી ખેતરમાં ભરાય છે અને તેને લઈને 500 વીઘાથી વધુની જમીનને નુકસાન થયું છે અને બંજર બની ગઈ છે. જો તંત્ર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવો પડશે."

બાળા-લીંબડી નર્મદાની કેનાલ ઉપર દેખરેખ રાખી રહેલા નર્મદા વિભાગના કર્મચારી પ્રતાપ ચૌહાણે જણાવ્યું હતું કે, "કેનાલની હાલત ખૂબ ખરાબ છે. ગાબડાઓ પડી ગયેલી હાલતમાં છે. 40 કિલોમીટરની કેનાલ રીપેરીંગ થઈ છે, માત્ર 350 મીટરની નથી થઈ, તે પણ ટેન્ડરના અભાવના કારણે ન થઈ હોવાનું સામે આવ્યું છે. આ અંગે અમે લીંબડી નર્મદા વિભાગના એન્જિનિયરને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને ખેડૂતોની જે રજૂઆત મળી છે તે આધારે પણ રજૂઆત કરી તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેની જાણ કરી છે."

આ પણ વાંચો...

  1. Patan Farmer Issue : રાધનપુર તાલુકાના ખેડૂતો અર્ધનગ્ન થઈ કર્યો વિરોધ, જાણો શું છે સમસ્યા...
  2. હળવદ : નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરનાર શખ્સો સામે પોલીસ ફરિયાદ