સુરેન્દ્રનગર: 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે ગાંધીનગર તરફ રવાના, વિધાનસભાનો કરશે ઘેરાવ
કાલે વહેલી સવારે ખેડૂતો ગાંધીનગર વિધાનસભા સુધી આ ટ્રેક્ટર લઈને જશે, ત્યારબાદ પોતાની માંગણી અને પોતાની રજૂઆતો મૂકશે.

Published : June 14, 2026 at 9:27 PM IST
સુરેન્દ્રનગર : જિલ્લામાં કચ્છથી 720 KV વીજ લાઈન નાખવાની કામગીરી પહોંચી ચૂકી છે. ધાંગધ્રા તાલુકાના કોંઢ, કલ્યાણપુર સહિતના વિસ્તારોમાં કંપની દ્વારા પોલીસનો ઉપયોગ કરીને ખેતરોમાં પ્રવેશ કરીને વીજ લાઈનના થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં કંપની દ્વારા કોઈ પણ પ્રકારનું વળતર ચૂકવવામાં નથી આવ્યું અને કોરીડોરમાં રહીને કામગીરી કંપની દ્વારા કરવામાં ન આવતી હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. આ અંગે ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરને અને કંપનીના અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છે.
ખેડૂતોના કહેવા મુજબ કંપની દ્વારા કોઈપણ પ્રકારનું વળતર ચુકવણી કરવામાં આવ્યું નથી અને ખેતરોમાં આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. જો ખેડૂતો ખોદકામ કરવાની ના પાડે અને થાંભલા ઉભી કરવાની ના પાડે તો પોલીસનો ઉપયોગ કરીને આ કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. બીજી તરફ ખેડૂતોને પોતાના ખેતરો સુધી પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવીને પ્રવેશ આપવા દેવામાં આવી રહ્યો નથી. જેને લઈને હવે ખેડૂતો ગાંધીનગર તરફ આગેકૂચ કરવા માટે નીકળી ચૂક્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ધાંગધ્રા અને આજુબાજુના વિસ્તારોના 300થી વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટરનો લઈને ગાંધીનગર ખાતે નીકળી ચૂક્યા છે. ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખેડૂતો કાલે ગાંધીનગર ખાતે રેલી યોજવા જઈ રહ્યા છે. ધાંગધ્રા-અમદાવાદ બાયપાસ પાસેથી 300થી વધુ ખેડૂતો પોતાના ટ્રેક્ટર લઈને ગાંધીનગર તરફ જવા માટે રવાના થયા છે. કાલે વહેલી સવારે ખેડૂતો ગાંધીનગર વિધાનસભા સુધી આ ટ્રેક્ટર લઈને જશે, ત્યારબાદ પોતાની માંગણી અને પોતાની રજૂઆતો મૂકશે.

ખેડૂત નેતા પાલ આબલિયાએ જણાવ્યું કે, "300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈને સુરેન્દ્રનગરથી રવાના થયા છે, તેમની સાથે હું પણ ગાંધીનગર પહોંચું છું. 2013ના જમીન સંપાદનના કાયદા મુજબ ચાર ગણું વળતર ચુકવણી કરવાનું હોય છે. જો આ સરકારને મંજૂર ન હોય તો એક થાંભલા દીઠ માસિક ખેડૂતને 50,000 રૂપિયાનું ભાડું ચૂકવણી કરવામાં આવે અથવા સરકારને આ પણ મંજૂર ન હોય અથવા કંપનીને આ પણ મંજૂર ના હોય તો એક થાંભલો ઊભા કરવાના 2 કરોડ રૂપિયા સુધી ખેડૂતને વળતર ચૂકવવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી છે. ગાંધીનગર સુધી નીકળ્યા છીએ અને કાલ સવારે ગાંધીનગર પહોંચી અને ખેડૂતો વિધાનસભા સુધી પહોંચવાના છે. સચિવાલય અને વિધાનસભા સુધી પહોંચી અને આ અંગે મુખ્યમંત્રી અને સરકારને રજૂઆત કરવામાં આવશે."
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના પાલ આંબલીયા, મહેશ રાજકોટિયા સહિતના આગેવાનો અને ખેડૂતો પણ આ ટ્રેક્ટર રેલીમાં જોડાયા છે. મોટી સંખ્યામાં ખેડૂતો આ રેલીમાં જોડાઈને ગાંધીનગર તરફ રવાના થયા છે. ખેડૂતોની એક જ માંગ છે કે પૂરતું વળતર ચૂકવવામાં આવે, કોરીડોરમાં રહીને કામગીરી કરવામાં આવે, સન્માન વળતર ચૂકવવાની પણ હવે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો...

