ETV Bharat / state

ઈન્સ્ટાગ્રામ પરથી સુરત પોલીસે પારધી ગેંગનો કર્યો પર્દાફાશ, બાળકીઓને ઢાલ બનાવી કરાવતા હતા ચોરી

રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી, પોતાની જ સગીર બાળકીઓ પાસે ચોરી કરાવતા દંપતીને પશ્ચિમ રેલવે LCB અને સુરત રેલવે પોલીસે દબોચી લીધું.

પારધી ગેંગનો કર્યો પર્દાફાશ
પારધી ગેંગનો કર્યો પર્દાફાશ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 1, 2026 at 10:16 AM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડનો લાભ ઉઠાવી, પોતાની જ સગીર બાળકીઓ પાસે ચોરી કરાવતા દંપતીને પશ્ચિમ રેલવે LCB અને સુરત રેલવે પોલીસે દબોચી લીધું. આંતરરાજ્ય 'પારધી ગેંગ'ના આ શખ્સોની ધરપકડમાં પોલીસે પહેલીવાર ઇન્સ્ટાગ્રામ આઈડીના લોકેશનનો ઉપયોગ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે કુલ 15.30 લાખના સોનાના દાગીના જપ્ત કરી .

શું હતી સમગ્ર ઘટના?

ગત 16 નવેમ્બર 2025ના રોજ રાજસ્થાનથી સુરત આવેલા વૃદ્ધ દંપતી નેમીચંદ જૈન અને તેમના પત્ની રેલવે સ્ટેશનની લિફ્ટમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન ભીડનો લાભ લઈ તેમની નજર ચૂકવીને કોઈએ પર્સમાંથી ₹15.60 લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી. સુરત રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.

સીસીટીવી અને 'ઇન્સ્ટાગ્રામ'થી મળ્યા પુરાવા

તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં બે નાની બાળકીઓ વૃદ્ધાના પર્સમાંથી દાગીના ચોરતી કેદ થઈ હતી. તેમની સાથે એક દંપતી પણ જોવા મળ્યું હતું. પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે આ ગેંગ મહારાષ્ટ્રના બુલઢાણાની છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર સક્રિય હોવાથી, પોલીસે એક આરોપીનું ઇન્સ્ટાગ્રામ આઈડી શોધી કાઢ્યું. તેના IP એડ્રેસ અને લોકેશનના આધારે પોલીસ અમરાવતી પહોંચી અને સુરત પરત ફરેલા દંપતીને પ્લેટફોર્મ નંબર 1 પાસેથી ઝડપી પાડ્યું.

ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી

પકડાયેલ આરોપી સુમિત્ર શત્રુધ્ન કાલે અને તેની પત્ની ટીના ઉર્ફે અંજુએ કબૂલાત કરી કે તેઓ, રેલવે કે બસ સ્ટેશન પર ફુગ્ગા વેચવાના બહાને રેકી કરતા હતા. પોતાની 9 અને 7 વર્ષની માસૂમ બાળકીઓને ચોરી કરવાની તાલીમ આપી હતી. બાળકીઓ પર કોઈ શંકા ન કરે અને જો પકડાઈ જાય તો પોલીસ કે જનતા દયા ખાઈને છોડી દે, તેવો તેઓ ફાયદો ઉઠાવતા હતા.

મુદ્દામાલ જપ્ત, વેપારીની પણ ધરપકડ

આરોપીઓએ ચોરીના દાગીના અમરાવતીના પવન ભીંડા નામના વેપારીને વેચ્યા હતા. પોલીસે વેપારીની ધરપકડ કરી તેની પાસેથી ઓગાળેલું 109.800 ગ્રામ સોનું (કિંમત ₹15.30 લાખ) જપ્ત કર્યું છે. આ ગેંગે સુરતમાં 3 અને ભોપાલમાં 1 મળી કુલ 4 ચોરીની કબૂલાત કરી છે. હાલ કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  1. સુરતના વેપારી સાથે 13 લાખનો તોડ કરનાર 'નકલી પોલીસ' અસલી પોલીસના હાથમાં આવી ગઈ
  2. સુરત: જહાંગીરપુરામાં સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટનો સપાટો