ETV Bharat / state

સુરત: ગોડાદરામાં AAPની સભા પૂર્વે ભારે હોબાળો, નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવાતા રાજકારણ ગરમાયું

ગોડાદરામાં લાગેલા પોસ્ટરોમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટા સાથે છેડછાડ કરવામાં આવી હતી.

સુરત: ગોડાદરામાં AAPની સભા પૂર્વે ભારે હોબાળો, નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવાતા રાજકારણ ગરમાયું
સુરત: ગોડાદરામાં AAPની સભા પૂર્વે ભારે હોબાળો, નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવાતા રાજકારણ ગરમાયું (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 8, 2026 at 12:29 PM IST

2 Min Read
Choose ETV Bharat

સુરત: સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત 'પરિવર્તન સભા' શરૂ થાય તે પહેલા જ વિવાદોના વમળમાં ફસાઈ છે. સભાના વિરોધમાં વિસ્તારમાં ઠેર-ઠેર પક્ષના મુખ્ય નેતાઓના વિવાદાસ્પદ પોસ્ટરો લાગતા અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવતા વાતાવરણ તંગ બની ગયું છે.

ટોપી પહેરાવેલા પોસ્ટરો અને શાહીકાંડ

ગોડાદરામાં લાગેલા પોસ્ટરોમાં AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટા સાથે છેડછાડ કરવામાં આવી હતી. ફોટામાં નેતાઓને મુસ્લિમ ટોપી પહેરાવી, નિમંત્રક તરીકે "મુસ્લિમ સમાજ-મીઠી ખાડી" લખવામાં આવ્યું હતું. VHP કાર્યકરોએ આ નેતાઓને 'હિન્દુવિરોધી' ગણાવી તેમના પોસ્ટરો પર કાળી શાહી ચોપડી હતી અને કેટલાક સ્થળે પોસ્ટરો ફાડી નાખ્યા હતા.

સુરત: ગોડાદરામાં AAPની સભા પૂર્વે ભારે હોબાળો, નેતાઓના પોસ્ટર પર કાળી શાહી લગાવાતા રાજકારણ ગરમાયું (ETV Bharat Gujarat)

VHPનો આક્રમક પ્રહાર: "હિન્દુ વિસ્તારમાં નો એન્ટ્રી"

વીએચપી કાર્યકર્તા જય શર્માએ આકરા પ્રહાર કરતા જણાવ્યું કે, "ગોડાદરામાં આજે 'મુઘલો'ની આમસભા છે. ગોપાલ ઈટાલિયા જેવા સનાતન ધર્મ વિરોધી લોકો, જેઓ ગીતા અને કથાવાચકોનું અપમાન કરે છે, તેમને હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારમાં રાજનીતિ ચમકાવવા દેવામાં આવશે નહીં. જે રીતે બાબર અને ઔરંગઝેબે પગપેસારો કર્યો હતો, તેમ આ લોકો અહીં આવી રહ્યા છે. અમે પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે આ સભા બંધ કરાવે."

AAPનો વળતો પ્રહાર: "ભાજપ પ્રેરિત અસામાજિક તત્વોનો ખેલ"

બીજી તરફ, આમ આદમી પાર્ટીએ આ સમગ્ર ઘટનાને ભાજપ પ્રેરિત કાવતરું ગણાવ્યું છે. આપ શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, "ભાજપ સાથે જોડાયેલા લોકો સભા પૂર્વે તોફાનો થાય તેવું વાતાવરણ ઉભું કરી રહ્યા છે. અમે આ મામલે મધરાતે જ ગોડાદરા પોલીસ મથકના પીઆઈને મળી અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે."

પોલીસ માટે પડકાર

એક તરફ AAP રાત્રે યોજાનારી સભાને સફળ બનાવવા મથામણ કરી રહી છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોના વિરોધને જોતા કાયદો અને વ્યવસ્થા જાળવવી એ પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે. હાલ ગોડાદરા વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: