સુરત: MD ડ્રગ્સ સાથે રાજસ્થાનના બે શખ્સો ઝડપાયા; ₹2.87 લાખનો મુદ્દામાલ જપ્ત, હોટલમાં ક્રાઈમ બ્રાન્ચની રેડ
ગોડાદરા વિસ્તારમાં આવેલી એક ઓયો હોટલમાં પોલીસે દરોડો પાડી આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

Published : October 15, 2025 at 2:52 PM IST
સુરત: સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે શહેરમાં MD ડ્રગ્સનું વેચાણ કરવા આવેલા રાજસ્થાનના પાલી જિલ્લાના બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ગોડાદરા વિસ્તારમાં આવેલી એક ઓયો હોટલમાં પોલીસે દરોડો પાડી આ બંને આરોપીઓની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ₹2,52,900ની કિંમતનું 25.29 ગ્રામ MD ડ્રગ્સ સહિત કુલ ₹2.87 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
હોટલમાં રેડ:
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોડાદરા વિસ્તારના મિડાસ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં આવેલી ઓયો હોટલમાં રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે આરોપીઓ આકિબ જાવેદખાન સલીમ જાવેદખાન (ઉ.32) અને દિનેશ જોધારામ જાટ (ઉ.30) ને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની છે.

₹2.87 લાખનો મુદ્દામાલ જપ્ત:
પોલીસે આરોપીઓ પાસેથી ૨૫.૨૯ ગ્રામ MD ડ્રગ્સ, જેની કિંમત ₹2,52,900 થાય છે, તેમજ બે મોબાઈલ ફોન સહિત કુલ ₹2,87,900 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પાલીના શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદી વેચાણ કરતા:
પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું કે પકડાયેલા આરોપીઓ આ MD ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના પાલી જિલ્લાના ચોપડાના રહેવાસી રાજુ બિસ્નોઈ નામના શખ્સ પાસેથી ખરીદીને સુરત શહેરમાં છૂટકમાં વેચવા માટે આવ્યા હતા. આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ ડ્રગ્સ હેરાફેરીમાં પકડાયો હતો એક આરોપી:
ઝડપાયેલા આરોપીઓ પૈકી આકિબ જાવેદખાન સલીમ જાવેદખાન ડ્રગ્સની હેરાફેરીની ટેવ ધરાવે છે. તે અગાઉ જાન્યુઆરી ૨૦૨૫ના અરસામાં પણ MD ડ્રગ્સની હેરાફેરીના ગુનામાં રાજસ્થાનના પ્રતાપગઢ પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. ચારેક મહિના જેલમાં રહ્યા બાદ જામીન પર મુક્ત થતાં તેણે ફરીથી MD ડ્રગ્સ વેચાણનું નેટવર્ક શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો:

