સુરતના VIP રોડ પર નબીરાઓએ 150ની સ્પીડે રેસ લગાવી, બાળકને સ્તનપાન કરાવતી માતાને ફંગોળી
દારૂના નશામાં ચૂર બે નબીરાઓએ પોતાની લક્ઝરી કારો 150 કિમીથી વધુની ઝડપે હંકારી એક નિર્દોષ પરિવારની સ્વીફ્ટ કારનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો.

Published : January 2, 2026 at 10:29 PM IST
સુરત: નવા વર્ષના પ્રથમ દિવસે જ સુરતના પોશ ગણાતા વેસુ VIP રોડ પર ધનિક નબીરાઓની જોખમી રેસિંગે માનવતાને શરમાવી દીધી છે. દારૂના નશામાં ચૂર બે નબીરાઓએ પોતાની લક્ઝરી કારો 150 કિમીથી વધુની ઝડપે હંકારી એક નિર્દોષ પરિવારની સ્વીફ્ટ કારનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો હતો. આ પ્રચંડ ટક્કરમાં દોઢ મહિનાના માસૂમ બાળકને સ્તનપાન કરાવી રહેલી માતા પાછળની સીટ પરથી ઉછળીને આગળ પટકાતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે.
મિત્રની સંગીત સેરેમનીમાંથી પરત ફરતા ખેલાયો મોતનો ખેલ
માહિતી મુજબ, આરોપી મંથન પટેલ અને તેનો મિત્ર ઝલક ડુમ્મસ ખાતે તેમના મિત્ર નિતની સંગીત સેરેમનીમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. આગળ નિતની કાર હતી અને તેની પાછળ મંથન તેની ઈલેક્ટ્રિક કાર તથા ઝલક તેની BMW કાર લઈને રેસ લગાવી રહ્યા હતા. વેસુ ફાયર સ્ટેશન પાસે આ બંને કારોએ પર્વત પાટિયાના રીતેશ જૈનના પરિવારની સ્વીફ્ટ કારને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.
કરુણતા: માસૂમ બાળક બચ્યું, પણ માતા હોસ્પિટલના બિછાને
અકસ્માત સમયે રીતેશભાઈના પત્ની એશાબેન (ઉં.વ. 25) પાછળની સીટ પર બેસીને તેમના દોઢ મહિનાના નવજાત બાળકને સ્તનપાન કરાવી રહ્યા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે એશાબેન સીધા આગળ પટકાયા હતા અને તેમને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલ તેઓ એપલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, ચમત્કારિક રીતે બાળકનો આબાદ બચાવ થયો છે.
અકસ્માતની ભયાનકતાના દ્રશ્યો 150+ ની સ્પીડ
પોલીસની પ્રાથમિક તપાસમાં કારની સ્પીડ 150 કિમીથી વધુ હોવાનું જણાયું છે. લક્ઝરી કારો ડિવાઈડર સાથે અથડાતા મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 લાઈટ પોલ જડમૂળથી ઉખડી ગયા હતા. સ્વીફ્ટ કારના કૂરચેકૂરચા ઊડી ગયા હતા, જ્યારે BMW માં એરબેગ ખુલતા ચાલક બચી ગયો હતો. ઈલેક્ટ્રિક કારમાંથી પોલીસને દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જણાવ્યું છે.
પોલીસ કાર્યવાહી: એક ઝડપાયો, બીજો ફરાર
વેસુ પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ઈલેક્ટ્રિક કારના ચાલક મંથન પટેલની ધરપકડ કરી છે. મેડિકલ તપાસમાં તે દારૂના નશામાં હોવાનું પુષ્ટિ થઈ છે. જ્યારે BMW ચાલક ઝલક અકસ્માત બાદ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:

