ETV Bharat / state

સુરત: બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દોરી વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, ₹41.29 લાખનો મુદ્દામાલ જપ્ત

વરાછા પોલીસ અને ઝોન-1 LCBની ટીમે બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

સુરત: બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દોરી વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, ₹41.29 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત: બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દોરી વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, ₹41.29 લાખનો મુદ્દામાલ જપ્ત (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : January 10, 2026 at 7:38 AM IST

1 Min Read
Choose ETV Bharat

સુરત: ઉત્તરાયણના પર્વ પૂર્વે સુરત પોલીસે નકલી ચીજવસ્તુઓ વેચનારા તત્વો સામે લાલ આંખ કરી છે. વરાછા વિસ્તારમાં જાણીતી કંપનીઓના નામે ડુપ્લીકેટ પતંગની દોરી બનાવતા અને વેચતા એક મોટા ગોડાઉન પર પોલીસે દરોડો પાડી ₹41.28 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વરાછા પોલીસ અને ઝોન-1 LCBની ટીમે બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.

બ્રાન્ડેડ સ્ટીકર લગાવી સસ્તી દોરી ઊંચા ભાવે પધરાવતા હતા

વરાછા LH રોડ પર સંતોષી નગર પાસે આવેલી 'મધુરમ સીઝન સ્ટોર' નામની દુકાન અને તેની બાજુમાં આવેલા ગોડાઉનમાં જ્યારે પોલીસે રેડ કરી ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સંચાલકો અમદાવાદથી કાચો માલ મંગાવતા હતા અને તેના પર વર્ધમાન, HP, કોટ્સ, પાંડા, અને અગ્નિ જેવી બ્રાન્ડેડ કંપનીઓના નકલી સ્ટીકરો લગાવીને બજારમાં વેચતા હતા.

સુરત: બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દોરી વેચવાનું મસમોટું કૌભાંડ ઝડપાયું, ₹41.29 લાખનો મુદ્દામાલ જપ્ત (ETV Bharat Gujarat)

પોલીસે શું-શું જપ્ત કર્યું?

કુલ મુદ્દામાલ: ₹41,28,611

દોરીના બોબીન: 5,310 નંગ (બ્રાન્ડેડ સ્ટીકર મારેલા)

સ્ટીકર વગરના બોબીન: 414 નંગ

નકલી સ્ટીકરો: વર્ધમાન, એકે-56, પાંડા, અગ્નિ, ચેલેન્જ, સુપર સાંકળ, ગેંડા અને RDX જેવી બ્રાન્ડના હજારો સ્ટીકરો.

મશીનરી: બોબીન પર સ્ટીકર પેકિંગ કરવાનું ઈલેક્ટ્રિક મશીન.

ડીસીપી આલોક કુમારનું નિવેદન

"આરોપીઓ છેલ્લા 15 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. અમે સંબંધિત બ્રાન્ડેડ કંપનીઓને ઈમેલ દ્વારા જાણ કરી છે જેથી તેઓ કોપીરાઈટ હેઠળ ફરિયાદ નોંધાવી શકે. આ ઉપરાંત, ટેક્સ ચોરીની શંકાને આધારે GST વિભાગને પણ તપાસમાં જોડવામાં આવશે."

15 વર્ષથી ચાલતું હતું નેટવર્ક

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ ગોડાઉન કોઈ નાનું-સૂનું કેન્દ્ર નથી પરંતુ વર્ષોથી ચાલતું નેટવર્ક છે. બ્રાન્ડેડ કંપનીઓના નામનો ઉપયોગ કરી ગ્રાહકોને છેતરવાનું આ કૌભાંડ પકડાયા બાદ હવે વરાછા પોલીસે જાણવાજોગ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: