સુરત રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં AHTUના મોટા દરોડા, 5 યુવતીઓને મુક્ત કરાવાઈ, 5 આરોપીઓની ધરપકડ
મહિધરપુરા વિસ્તારમાં આવેલા પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર AHTUની ટીમે મહિધરપુરા પોલીસ સાથે સંયુક્ત દરોડા પાડ્યા હતા.

Published : November 9, 2025 at 4:10 PM IST
સુરત : શહેરના રેલવે સ્ટેશન જેવા સંવેદનશીલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચાલતા દેહવ્યાપારના નેટવર્કનો એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)એ પર્દાફાશ કર્યો છે. મહિધરપુરા વિસ્તારમાં આવેલા પારસ ગેસ્ટ હાઉસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર AHTUની ટીમે મહિધરપુરા પોલીસ સાથે સંયુક્ત દરોડા પાડ્યા હતા.
5 મહિલાઓને મુક્ત કરાઈ, 2 બાંગ્લાદેશી યુવતીઓનો સમાવેશ
આ રેડ દરમિયાન પોલીસે દેહવ્યાપારના વ્યવસાયમાં ફસાયેલી કુલ 5 મહિલાઓને મુક્ત કરાવી હતી. મુક્ત કરાયેલી મહિલાઓમાં બે બાંગ્લાદેશી યુવતીઓ અને પશ્ચિમ બંગાળ (કલકત્તા)ની ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ મહિલાઓને મુક્ત કરાવીને તેમને યોગ્ય કાઉન્સેલિંગ પણ પૂરું પાડ્યું હતું.
પોલીસે સ્થળ પરથી બે સંચાલકો સહિત કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
ઝડપાયેલા સંચાલકો: પોલીસે પારસ ગેસ્ટ હાઉસના સંચાલક નરેશ અમાલાભાઈ ગામીત અને રાત્રી દરમિયાન મદદગારી કરનારા અન્ય એક ઈસમની ધરપકડ કરી છે. જેઓ મહિલાઓને મળતી રકમમાંથી કમિશન મેળવતા હતા.
ઝડપાયેલા ગ્રાહકો: દેહવ્યાપાર માટે આવેલા કુલ 3 ગ્રાહકોની પણ પોલીસે ધરપકડ કરી છે. જોકે, દરોડા દરમિયાન વિજય ગેસ્ટ હાઉસનો સંચાલક નાસી છૂટ્યો હતો. તેને તથા અન્ય 2 ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેમની સઘન શોધખોળ શરૂ કરી છે.

મુદ્દામાલ જપ્ત: AHTUને બાતમી મળી હતી કે, આ ગેસ્ટ હાઉસમાં બાંગ્લાદેશી સહિત અન્ય રાજ્યોની મહિલાઓને રાખીને આ વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે. માહિતીની ખરાઈ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ ગુનાના કામે કુલ રૂ. 50,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેમાં રોકડા રૂ. 10,500, છ મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,500), તેમજ અન્ય વસ્તુઓ જેવી કે પોસ્ટર,Paytm/PhonePe QR કોડ અને હોટલ રજીસ્ટરનો સમાવેશ થાય છે.

પોલીસે આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ રેલવે સ્ટેશન નજીકના વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ધંધા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો...

