સુરત પોલીસનો સપાટો: કુખ્યાત ચિરાગ ગોટી અને તેના ભાઈનું જાહેરમાં સરઘસ, ગૂંચવાયેલા ગુનાઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું
સરથાણા પોલીસે જેલમાંથી કબજો મેળવી એક દિવસના રિમાન્ડ દરમિયાન ચિરાગ અને નિરાંતને દોરડાથી બાંધી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવામાં આવ્યા હતા.

Published : February 19, 2026 at 8:06 PM IST
સુરત: સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી આતંક મચાવનાર કુખ્યાત શખ્સ ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીના શાસનનો અંત લાવવા સુરત પોલીસ મેદાને પડી છે. ટ્રાવેલર્સ પાસે ઉછીના લીધેલા રૂ. 18.75 લાખ પરત આપવાને બદલે રિવોલ્વરની અણીએ ધમકી આપનાર ગોટી બંધુઓની ધરપકડ બાદ, આજે સરથાણા પોલીસે યોગીચોક વિસ્તારમાં તેમનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
સરથાણા પોલીસે જેલમાંથી કબજો મેળવી એક દિવસના રિમાન્ડ દરમિયાન ચિરાગ અને નિરાંતને દોરડાથી બાંધી તુલસી દર્શન સોસાયટી ખાતે લઈ જવામાં આવ્યા હતા. જે ઘરમાં ઘૂસીને આ શખ્સોએ માથે પિસ્તોલ મૂકી ધમકી આપી હતી, ત્યાં પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવા એકત્ર કર્યા હતા. છેલ્લા 48 કલાકમાં આ બીજી વખત છે જ્યારે પોલીસે ચિરાગ ગોટીને જાહેરમાં લાવી કાયદાનો ડર બતાવ્યો છે.
સુરત:કુખ્યાત ચિરાગ ગોટી દ્વારા ફરિયાદીના ઘરે જઈ ને પૈસાના મુદ્દે હથિયાર બતાવીને ધમકી આપી પૈસા પડાવવાના ગુનામાં સરથાણા પોલીસે ચિરાગ ગોટી,નિરાંત ઉર્ફે લાલા ગોટીને ઝડપી કરાવ્યું કાયદાનું ભાન.@CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે pic.twitter.com/aq0qPKuPRv
— Surat City Police (@CP_SuratCity) February 19, 2026
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક જૂના વીડિયોમાં ચિરાગ ગોટી એક યુવકને ઊંધો સુવડાવી લાકડીથી ઢોરમાર મારતો જોવા મળે છે. આ ભોગ બનનાર યુવક પાર્થ મિયાણી આજે રિકન્સ્ટ્રક્શન સમયે સામે આવ્યો હતો. પાર્થે જણાવ્યું હતું કે, "દોઢ-બે વર્ષ પહેલાં મને જાનથી મારી નાખવાની ધમકી આપી ચિરાગે અત્યાચાર ગુજાર્યો હતો. તેના ડરથી મેં આજ સુધી કોઈને વાત કરી નહોતી, પણ હવે પાપ બહાર આવતા મેં બીલીમોરામાં ફરિયાદ નોંધાવી છે."
પાર્થ મિયાણીના જણાવ્યા મુજબ, ચિરાગ ગોટી પહેલા માથા પર વાળ વગરનો અને મોટી દાઢી રાખી ડરામણો 'ખૂનખાર લુક' રાખતો હતો, જેથી સામાન્ય લોકો ડરી જાય. જોકે, આઠ મહિના ફરાર રહ્યા બાદ તેણે પકડાઈ જવાના ડરથી વાળ વધારી અને દાઢી કરાવી આખો લુક બદલી નાખ્યો હતો.
ચિરાગ ગોટી વિરુદ્ધ હવે ફરિયાદોનો સિલસિલો શરૂ થયો છે. ભાગીદારની કારમાં ડ્રગ્સ મુકવાથી લઈને લાખોની ઉઘરાણી અને મારપીટ સુધીના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે. ભોગ બનનારાઓ અને સ્થાનિક લોકોમાં એવી માંગ ઉઠી છે કે આ શખ્સ પર ગૂજસીટોક (GUJCTOC) હેઠળ કાર્યવાહી કરી દાખલારૂપ સજા કરવામાં આવે.
આ પણ વાંચો:

