સુરત પોલીસે સાયબર ફ્રોડ ગેંગના 5 આરોપીને ઝડપ્યા, રાજસ્થાનથી દૂબઈ સુધી ફેલાયેલા નેટર્વકનો પર્દાફાશ
સુરત પોલીસે સામાન્ય લોકોના નામે ખોલાવેલા બેંક ખાતાઓનો ડેટા દુબઈના સાયબર માફિયાઓને સપ્લાય કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી 5 આરોપીઓની કરી ધરપકડ.

Published : March 1, 2026 at 10:34 AM IST
સુરત: શહેરના સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી, સાયબર માફિયાઓને ડેટા પૂરો પાડતી આંતરરાજ્ય ગેંગનો અલથાણ પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરતથી શરૂ થતું આ નેટવર્ક રાજસ્થાનના અજમેર અને સરહદ પાર દુબઈ સુધી ફેલાયેલું હતું.
પોલીસે આ કેસમાં QR કોડ એક્સપર્ટ, કાપડ વેપારી અને રત્નકલાકાર સહિત 5 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી માત્ર 35 એકાઉન્ટમાં 11 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવતા પોલીસે તપાસ તેજ કરી છે.
પોલીસ તપાસમાં સૌથી ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, આરોપીઓ પાસેથી ‘સાયકોલોજી ઓફ મની’ અને ‘રામાયણમાં સંસ્કૃતિનો સંદેશ’ નામના બે પુસ્તકો મળી આવ્યા હતા. આરોપીઓ આ પુસ્તકોનો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે નહીં, પરંતુ વપરાઈ ગયેલા કે બ્લોક થયેલા ATM કાર્ડ્સ સાચવવા માટે કરતા હતા. ધાર્મિક અને આર્થિક જ્ઞાન આપતા પુસ્તકોની અંદર કાર્ડ્સ ચોંટાડી રાખવાની આ પદ્ધતિ જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

મુખ્ય સૂત્રધાર ભાવિક ઉર્ફે પ્રિન્સની ધરપકડ બાદ જાણવા મળ્યું હતું કે, સુરતથી બેંકની કીટો (પાસબુક, ATM, સીમકાર્ડ) કુરિયર દ્વારા અજમેર મોકલવામાં આવે છે. ગેંગને જાળમાં ફસાવવા પોલીસે ‘ડમી પાર્સલ’ તૈયાર કરી અજમેરના એડ્રેસ પર મોકલ્યું હતું. જેવું અજમેરમાં સુરેન્દ્ર પાર્સલ લેવા આવ્યો કે તરત જ વોચમાં રહેલી સુરત પોલીસે તેને દબોચી લીધો હતો. ત્યારબાદ તેના અડ્ડા પર દરોડા પાડી અન્ય સાગરીત ગોવિંદને પણ ઝડપી લીધો હતો.

ઝડપાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે.
- ભાવિક ઉર્ફે પ્રિન્સ શ્રીવાસ્તવ (29): કતારગામનો રહેવાસી, ક્યૂઆર કોડ એક્સપર્ટ, ડેટા ટ્રાન્સફરનું કામ કરતો.
- રવિ ગાબાણી (41): સિંગણપોરનો હીરા કારીગર, એકાઉન્ટ કીટ મેનેજ કરતો.
- તરુણ રાઠોડ (44): કાપડ વેપારી, બેંક એકાઉન્ટની ગોઠવણ કરતો.
- સુરેન્દ્ર ઉર્ફે બાલકિશન (25): રાજસ્થાનનો વતની, અજમેરમાં પાર્સલ રિસીવ કરતો.
- ગોવિંદ સિદ્ધ (21): અજમેરમાં ભાડાના મકાનમાં સાયબર કંટ્રોલ રૂમ ચલાવતો.
તપાસમાં ખુલાસો થયો છે કે, લાજપોર જેલમાં બંધ રવિ અને તરુણ પાયાના સ્તરેથી એકાઉન્ટ્સ એકત્ર કરતા હતા. આ એકાઉન્ટ્સની કીટો અજમેર પહોંચાડવામાં આવતી, જ્યાંથી દુબઈમાં બેઠેલા સાયબર માફિયાઓ આ એકાઉન્ટ ઓપરેટ કરીને કરોડો રૂપિયા સગેવગે કરતા હતા. પોલીસે સ્થળ પરથી 21 મોબાઈલ, 33 સીમકાર્ડ, 88 ATM કાર્ડ અને 36 પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ પણ વાંચો:
- વેરાવળમાં સાયબર ફ્રોડ ગેંગ ઝડપાઈ, મહિલાને આત્મહત્યા માટે મજબૂર કરનાર આરોપીઓ પોલીસના સકંજામા
- ભાવનગરમાંથી સાયબર ક્રાઈમ ગેંગના 10 સભ્યો ઝડપાયા, 719 કરોડથી વધુ દુબઈ-ચીનમાં ગેંગના સભ્યોનો મોકલ્યા
- નાઇજીરીયન ગેંગ સાથે સંકળાયેલી સાયબર ક્રાઇમ ગેંગના 5 સભ્યો જામનગરથી ઝડપાયા: ₹32 લાખથી વધુની છેતરપિંડીનો પર્દાફાશ

