સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બે સંતાનોનો પિતા ઝડપાયો, સુરત પોલીસે 2500 કિમી સુધીનો પીછો કર્યો
સુરત પોલીસનું 2500 કિમીનું દિલધડક ઓપરેશન, પાટીદાર સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર બે સંતાનોનો પિતા ઝડપાયો

Published : January 7, 2026 at 2:52 PM IST
|Updated : January 8, 2026 at 7:22 AM IST
સુરત: સુરતના સરથાણા વિસ્તારમાંથી ગત 28 નવેમ્બર 2025ના રોજ થયેલા 17 વર્ષીય સગીરાના અપહરણના કેસનો પોલીસે ફિલ્મી ઢબે ઉકેલ લાવ્યો છે. પાટીદાર સમાજની સગીરાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરનાર અને તેના પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ આરોપી અરવિંદ પંચાસરાને પોલીસે 11 ફૂટ ઊંચી દીવાલ કૂદીને દબોચી લીધો હતો. 2500 કિલોમીટરના પીછા બાદ અંતે ખાખીની જીત થઈ છે.
આરોપી અને 2500 કિમીનો પીછો
26 વર્ષીય આરોપી અરવિંદ પંચાસરા બે સંતાનોનો પિતા હોવા છતાં સગીરાને ફોસલાવી પોતાની બોલેરો પીકઅપમાં લઈ ફરાર થયો હતો. પોલીસથી બચવા માટે તેણે સાણોદર પાસે પોતાનો મોબાઈલ બંધ કરી સિમ કાર્ડ તોડી નાખ્યું હતું. આરોપી સગીરાને લઈને અકળા, દ્વારકા અને પોરબંદર જેવા વિસ્તારોમાં મજૂરી કામ કરી છુપાઈ રહ્યો હતો. સુરત પોલીસની ટીમે સતત ત્રણ દિવસ સુધી બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને પોરબંદરમાં ધામા નાખ્યા હતા.
માછીમારનો ફોન અને PSIની સૂઝબૂઝ
ટેકનિકલ મદદ ન મળતા PSI શીતલ ચૌધરીએ CDRનું ઊંડું એનાલિસિસ કર્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ પોરબંદરમાં એક અજાણ્યા માછીમારના ફોનનો ઉપયોગ કર્યો હતો. આ એક કડી પોલીસ માટે વરદાન સાબિત થઈ. આરોપીની માતા અને માસીની સઘન પૂછપરછમાં 'માંડવા' ગામનું નામ સામે આવ્યું, જ્યાં આરોપી સગીરાને પોતાની પત્ની ઓળખાવી તબેલામાં મજૂરી કરતો હતો.
દીવાલ કૂદીને 'ઊંઘતો' ઝડપાયો
માંડવા ગામમાં જે મકાનમાં આરોપી છુપાયો હતો તેનો દરવાજો અંદરથી બંધ હતો. પોલીસ જવાન ચેતને જીવના જોખમે 11 ફૂટ ઊંચી દીવાલ કૂદીને અંદર પ્રવેશ કર્યો અને દરવાજો ખોલ્યો હતો. પોલીસે આરોપી અરવિંદ અને સગીરાને ઊંઘમાં જ ઝડપી પાડ્યા હતા.
વિકૃત માનસિકતાનો પુરાવો
આરોપીની ગાડી પાછળ 'છેને તારા જેવી ઢીંગલી' એવું લખાણ લખેલું હતું, જે તેની વિકૃત માનસિકતા છતી કરતું હતું. ઝોન 1 DCP અને PIના માર્ગદર્શન હેઠળ PSI શીતલ ચૌધરી અને તેમની ટીમે જમવા કે ઊંઘવાની પરવા કર્યા વગર આ ઓપરેશન પાર પાડી સગીરાને મુક્ત કરાવી છે અને નરાધમને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

