સુરત: કેરાલિયન સમાજ દ્વારા ભક્તિભાવ સાથે ‘ભગવાન અયપ્પા’ની ભવ્ય પૂજા અને શોભાયાત્રા યોજાઈ
સતત 28માં વર્ષે કોસંબામાં દક્ષિણ ભારતીય સંસ્કૃતિના દર્શન, શોભાયાત્રામાં ભગવાન અયપ્પાનો વેશ અને પરંપરાગત પોશાકે આકર્ષણ જમાવ્યું

Published : January 5, 2026 at 4:31 PM IST
સુરત: ઔદ્યોગિક નગરી કોસંબામાં વિવિધતામાં એકતાના દર્શન કરાવતો ભવ્ય ધાર્મિક મહોત્સવ યોજાયો હતો. અહીં વસતા કેરાલિયન સમાજ દ્વારા છેલ્લા 27 વર્ષથી સતત ભગવાન અયપ્પાની વિશેષ પૂજા-અર્ચના કરવાની પરંપરા ચાલી આવે છે, જે અંતર્ગત 28માં વર્ષે પણ શ્રદ્ધા અને ઉમંગ સાથે ભવ્ય પૂજા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રામાં ઉમટ્યો જનસૈલાબ અવધૂત નગર સ્થિત મહાદેવ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો, જે નગરના મુખ્ય માર્ગો પર ફરી મોટા મંદિર સુધી પહોંચી હતી. આ યાત્રામાં કેરાલિયન સમાજના અગ્રણીઓ સહિત તરસાડી-કોસંબાના હજારો નગરજનો આસ્થાભેર જોડાયા હતા. શોભાયાત્રાનું આકર્ષણ ડ્રોન કેમેરા દ્વારા પણ કેદ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર નગર ભક્તિમય નજરે પડતું હતું.

દક્ષિણ ભારતીય સંસ્કૃતિનું અદભૂત પ્રતિબિંબ
શોભાયાત્રામાં કેરાલિયન મહિલાઓ શ્વેત અને સોનેરી બોર્ડરવાળા પરંપરાગત પોશાક પહેરી, હાથમાં પૂજાની થાળીઓ લઈ શિસ્તબદ્ધ રીતે જોડાઈ હતી. ઢોલ-નગારાના તાલે અને મંત્રોચ્ચાર સાથે નીકળેલી આ યાત્રામાં ભગવાન અયપ્પાનો જીવંત વેશ ધારણ કરેલ પાત્રએ ભક્તોને દર્શન આપી આશીર્વાદ પાઠવ્યા હતા.


સમગ્ર આયોજનમાં કેરાલિયન સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. સ્થાનિકો માટે આ ઉત્સવ એકતાનું પ્રતીક બની રહ્યો હતો. દક્ષિણ ભારતની પૂજા પદ્ધતિ અને કોસંબાની આસ્થાના સંગમે વાતાવરણને પવિત્ર બનાવી દીધું હતું. અંતે મહાપ્રસાદ અને વિશેષ આરતી સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો:

