સુરતના મોસાલી ખાતે જનજાતિય ગૌરવ યાત્રાનું સ્વાગત, બિરસા મુંડા અને તાત્યા ભીલની મૂર્તિનું અનાવરણ
સ્વાતંત્ર્ય સેનાનીઓ બિરસા મુંડા અને તાત્યા ભીલની મૂર્તિનું ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ, રાજયમંત્રી અને ધારાસભ્યના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.

Published : November 12, 2025 at 7:40 PM IST
સુરત : બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમીતે જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી જનજાતિય ગૌરવ યાત્રાનું માંગરોળના મોસાલી ખાતે આગમન થતા આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલે ભવ્ય સ્વાગત કર્યુ હતુ. મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ બિરસા મુંડા અને તાત્યા ભીલની મૂર્તિનું ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ, રાજયમંત્રી અને ધારાસભ્યના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું.
‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી
બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે આયોજિત 'જનજાતીય ગૌરવ રથયાત્રા સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોસાલી ખાતે આવી પહોંચી હતી.
જ્યાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ભવ્ય સ્વાગત કર્યું હતું. મોસાલી ખાતે સ્વાતંત્ર્ય સેનાનીઓ બિરસા મુંડા અને તાત્યા ભીલની મૂર્તિનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરાયું હતું.
પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જણાવ્યું હતું કે, "બિરસા મુંડાએ ભારતની ધરતી પરથી અંગ્રેજોને ખદેડવા માટે લડાઈ લડી સંઘર્ષ કર્યો હતો. તેમની જીવનયાત્રા આપણાં માટે પ્રેરણાસ્ત્રોત છે. બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે યોજાતી આ ગૌરવ યાત્રા આપણા આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓનાં સંઘર્ષ અને સ્વાભિમાનની યાદ અપાવે છે. માંગરોળમાં તાપી નદીના કિનારે માંગરોળ કિલ્લાના અવશેષો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી છે. આ સ્થાન આપણા ઇતિહાસને જીવંત રાખી રહી છે."


બારડોલી સત્યાગ્રહનો ઉલ્લેખ કર્યો કે, સરદાર વલ્લભભાઈ પટેલે ધર્મ અને કર્મના માર્ગે ચાલીને રાષ્ટ્રધર્મ અને સ્વાભિમાન માટે લડત આપવાની પ્રેરણા આપી હતી. ભગવાન રામે માતા-પિતાની આજ્ઞાનું પાલન કરી 14 વર્ષ વનમાં વિતાવ્યાં, ત્યારે આદિવાસી ભાઈઓએ તેમની સેવા કરી હતી. આ ઉદાહરણ આપણાં સંસ્કાર અને પરંપરાના પ્રતિક છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં યુવા પેઢીએ પોતાની સંસ્કૃતિ અને પરંપરા જીવંત રાખવી તે ખૂબ જ જરૂરી છે. મોબાઇલ અને આધુનિકતાની વચ્ચે પણ આધ્યાત્મિકતા સાથે જોડાઈ રહેવા તેમણે સૌને અનુરોધ કર્યો હતો.

આ વેળાએ મંત્રી તથા પદાધિકારીઓએ દેવમોગરા માતા તથા બિરસામુંડાનું પુજન અર્ચન કર્યુ હતું. મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે રમતગમત ક્ષેત્રે જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમ મેળવનાર રમતવીરો, ચિત્રસ્પર્ધાના વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ, વન અધિકારપત્રો, સમાજ સુરક્ષા તથા પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું.
આ પણ વાંચો...

