સુરત: મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ, દુકાનોમાં રાખેલું કરોડોનું કાપડ ખાખ
કમેલા દરવાજા પાસે આવેલી અંદાજે 3600 દુકાનો ધરાવતી આ વિશાળ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી

Published : February 28, 2026 at 10:16 PM IST
સુરત: એશિયાના ટેક્સટાઈલ હબ ગણાતા સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટના ટોપ ફ્લોર પર આવેલી 5 થી 7 દુકાનો આગની લપેટમાં આવી જતાં લગ્નસરાની સીઝન માટે રાખવામાં આવેલો કરોડો રૂપિયાનો કાપડનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા જોતા ફાયર વિભાગે 'બ્રિગેડ કોલ' જાહેર કર્યો હતો.
કમેલા દરવાજા પાસે આવેલી અંદાજે 3600 દુકાનો ધરાવતી આ વિશાળ માર્કેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સિન્થેટિક અને રેશમી કાપડને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા વેપારીઓમાં ફાળ પડી હતી. સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક આખી માર્કેટ ખાલી કરાવી દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ અલગ-અલગ 9 થી વધુ ફાયર સ્ટેશનોની 17 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લિંબાયત ઝોનના ડેપ્યુટી ચીફ હરીશ હેડુ અને ઉચ્ચ અધિકારીઓના કાફલાએ મોરચો સંભાળ્યો હતો. વેન્ટિલેશનના અભાવે ધુમાડા વચ્ચે કામગીરી કરવી મુશ્કેલ હતી, છતાં ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ દ્વારા જણાવવામાં આવ્યું કે, આગનુું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમારી ટીમને અજાણ્યા વ્યક્તિનો કૉલ આવ્યો હતો અને ઘટના જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી કામગિરી શરૂ કરી હતી. પરિસ્થિતિને કન્ટ્રોલ કરવા માટે વધુ ફોર્સને પણ બોલાવવામાં આવ્યો હતો. ટોપ ફ્લોરની દુકાનોમાં આગ લાગી હતી. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે. "
સીઝનને ધ્યાનમાં રાખી વેપારીઓએ દુકાનોમાં કિંમતી સાડીઓ અને વર્કવાળા ચણીયાચોળીનો મોટો સ્ટોક ઉતાર્યો હતો. આગમાં આ તૈયાર માલ મિનિટોમાં રાખ થઈ જતાં વેપારીઓને ભારે આર્થિક ફટકો પડ્યો છે. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી તંત્ર અને વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા શોર્ટ સર્કિટની શંકા સાથે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:

